રોડ બનાવવાનું યાદ રહ્યું પણ લાઈટો નાખવાનું અધિકારીઓ ભૂલી ગયા; અકસ્માત થશે તો જવાબદારી કોની?
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરના અટલાદરાથી બિલને જોડતો કેનાલ રોડ હાલમાં ભયાનક અંધકારમાં ડૂબેલો છે. નવા બનેલા આ માર્ગ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, પાલિકાના અધિકારીઓ સ્ટ્રીટ લાઈટ નાખવાનું જાણે ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર બેદરકારીને પગલે સ્થાનિક રહીશો અને વિપક્ષે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

અટલાદરા-બિલ કેનાલ રોડ હાલમાં વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રાત્રિના સમયે આ રોડ પર ઘોર અંધકાર હોય છે, જેના કારણે વાહનચાલકોને રસ્તો જોવામાં ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, “સરકારે રસ્તો બનાવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા છે, પરંતુ પાયાની જરૂરિયાત એવી લાઈટો નાખવામાં કેમ આટલી આળસ કરવામાં આવી રહી છે?” અંધારાને કારણે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જો કોઈ જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની રહેશે તેવો વેધક સવાલ જનતા પૂછી રહી છે.

આ મામલે વિપક્ષે પણ મેદાનમાં આવી VMCના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, “આટલા મોટા પ્રોજેક્ટમાં સ્ટ્રીટ લાઈટનું આયોજન ન હોવું એ અધિકારીઓની આયોજનબદ્ધ નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની ગંધ આપે છે. માત્ર રોડ બનાવી દેવાથી વિકાસ નથી થતો, નાગરિકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે.”
રોડની આસપાસ આવેલી સોસાયટીના રહીશોમાં ફાળકો ફેલાયો છે.હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે કે પછી વહેલી તકે આ માર્ગને રોશનીથી ઝળહળતો કરશે?

અંધારાનો લાભ લઈને લૂંટફાટ કે અસમાજિક તત્વોનો ત્રાસ વધવાની પણ શક્યતા છે. લોકોની માગ છે કે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરે, જેથી કોઈ નિર્દોષ નાગરિકને પોતાનો જીવ ગુમાવવો ન પડે.