સુરત : સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સુમન માધ્યમિક શાળા (primary school)માં 15 પ્રવાસી શિક્ષકો (visitor teacher)ને કોઇ અરજી મંગાવ્યા વગર સીધા જ નિમણૂક આપી દેવાતાં વિવાદ થયો છે. તેમજ શાસકો સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે. ત્યારે જે શિક્ષકોને કોરાણે મૂકી દેવાયા છે. તે શિક્ષકો દ્વારા મેયર (Mayor) તેમજ સ્થાયી સમિતિ ચેરમેન (chairman)ને મળીને રજૂઆત કરવામાં આવી હતી.
જો કે, મેયરને રજૂઆત કર્યા બાદ સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવા ગયેલા શિક્ષકોને ચેમ્બરમાં પ્રવેશ આપ્યા વગર જ દરખાસ્ત કમિશનરે કરી હતી, તેને રજૂઆત કરો તેવું કહી દઇ રવાના કરી દેવાયા હોવાનો આક્ષેપ આ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ આવા જવાબથી રજૂઆતકર્તાઓ આઘાતની લાગણી અનુભવી રહ્યા હતા. આ કથીત ભરતી કૌભાંડ મુદ્દે અન્યાયનો ભોગ બનેલા શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે. તેમજ સુમન હાઇસ્કૂલમાં 45 પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે ત્યારે માત્ર 15 શિક્ષકની જ કેમ ભરતી કરવામાં આવી? તેવા સવાલ કરવા સાથે નિમણૂક પામેલા શિક્ષકો પૈકી અમુકની ટાટની પરીક્ષા પાસ થઇ છે કે નહીં એ અંગે પણ સવાલો ઉઠાવાયા છે.
અન્યાયનો ભોગ બનેલા શિક્ષકો દ્વારા આ પ્રકરણમાં શિક્ષક દીઠ લાખો રૂપિયાનો વહીવટ થયો હોવાનો ગંભીર આરોપ તેઓએ મૂકી ભરતી રદ કરવા માંગણી કરવામાં આવી છે. તેમજ ઉમેર્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષથી અમે પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અચાનક અમને ટેલિફોનિક જાણ કરી છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવી દીધું હતું. ભરતી કરાયેલા કેટલાક શિક્ષકોની ઉંમર વધુ હોવા છતાં તેઓની નિમણૂક કરાઇ છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું અને જરૂર જણાય તો આંદોલન કરવાની ચીમકી પણ પ્રવાસી શિક્ષકોએ આપી હતી.
દરખાસ્ત કમિશનરે કરી હતી, શિક્ષકો તેને જ રજૂઆત કરે : સ્થાયી સમિતિ ચેરમેન
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ મને મળે તેવો કોઇ અર્થ નથી. દરખાસ્ત કમિશનરે કરી હતી. આથી મેં તેને કહેડાવ્યું છે કે, કમિશનરને જ રજૂઆત કરીને તેનું ફોલોઅપ લેતા રહે.