Editorial

દેશ છોડવાના આદેશ પછી ભારત-પાકિસ્તાનના મુલાકાતી નાગરિકોની હાલાકી

બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં જઘન્ય ત્રાસવાદી હુમલો થયો તેના પછી  ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને અને પાકિસ્તાન સરકારે ભારતના નાગરિકોને દેશ છોડી જવાના આદેશો આપ્યા છે તેના પછી બંને દેશોના મુલાકાતી નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારથી શરૂ કરીને રવિવાર સુધીમાં ત્રણ દિવસમાં નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ મળીને પ૦૯ જેટલા પાકિસ્તાની નાગરિકો અટારી-વાગાહ બોર્ડર પોઇન્ટ પરથી ભારત છોડી ગયા હતા જ્યારે કે પાકિસ્તાનથી આવેલા ૧૨ કેટેગરીઓના શોર્ટ ટર્મ વિઝા હોલ્ડરો માટે ભારત છોડવાની આખરી મહેતલ ત્યારે પુરી થઇ હતી.

બીજી બાજુ, ૧૪ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ ૭૪૫ ભારતીયો પંજાબમાં આવેલ આ ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસિંગ મારફતે પાકિસ્તાનથી પરત ફર્યા છે. બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં ત્રાસવાદીઓએ મોટે ભાગે પર્યટકો એવા ૨૬ લોકોને મારી નાખ્યા તેના પછી ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડો નોટિસ જારી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે અટારી-વાઘા સરહદ ચોકી દ્વારા કુલ ૨૩૭ પાકિસ્તાની નાગરિકો, જેમાં નવ રાજદ્વારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે, ભારત છોડી ગયા હતા.

૮૧ પાકિસ્તાની નાગરિકો ૨૬ એપ્રિલે અને ૧૯૧ પાકિસ્તાની નાગરિકો ૨૫ એપ્રિલે રવાના થયા હતા. તેવી જ રીતે, રવિવારે એક રાજદ્વારી સહિત ૧૧૬ ભારતીયો આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ ક્રોસિંગ દ્વારા પાકિસ્તાનથી પરત ફર્યા હતા, ૩૪૨ ભારતીયો, જેમાં ૧૩ રાજદ્વારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે, ૨૬ એપ્રિલે પાકિસ્તાનથી પાછા આવ્યા હતા અને ૨૮૭ ભારતીયો ૨૫ એપ્રિલે સરહદ પાર કરી આવ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેટલાક પાકિસ્તાનીઓ એરપોર્ટ દ્વારા પણ ભારત છોડી ગયા હશે. જો કે તેમણે જણાવ્યું હતું કે ભારતનો પાકિસ્તાન સાથે સીધો હવાઈ સંપર્ક ન હોવાથી, તેઓ અન્ય દેશોમાં ગયા હોઇ શકે છે. એક જ ઝાટકે ત્રણેક દિવસમાં જ કેટલા લોકોએ આમથી તેમ થઇ જવું પડ્યું તે આમાં જોઇ શકાય છે.

સાર્ક વિઝા ધરાવતા લોકો માટે ભારત છોડવાની અંતિમ તારીખ 26 એપ્રિલ હતી. મેડિકલ વિઝા ધરાવતા લોકો માટે, અંતિમ તારીખ 29 એપ્રિલ છે. રવિવાર સુધીમાં ભારત છોડવા માટે 12 શ્રેણીના વિઝા હતા જેમાં વિઝા ઓન અરાઇવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, પર્વતારોહણ, વિદ્યાર્થી, મુલાકાતી, જૂથ પ્રવાસી, યાત્રાળુ અને જૂથ યાત્રાળુ કેટેગરીનો સમાવેશ થાય છે. જેઓ ડેડ લાઇન પુરી થઈ જાય પછી પણ ભારતમાં રોકાઇ રહે તેવા પાકિસ્તાની નાગરિકો માટે ત્રણ વર્ષની જેલની સજા અથવા રૂપિયા ત્રણ લાખ દંડ અથવા બંને સજાની જોગવાઇ છે. હવે જે નાગરિકો રહી ગયા હશે તેમને સજાનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત સરહદ પાર કરીને વતન જઇ રહેલા લોકોને પણ જાત જાતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલો આવ્યા છે. કેટલાક લોકોએ તેમના બાળકોને અહીં મૂકી જવા પડ્યા છે તેવા પણ અહેવાલો છે. ઉત્તર પ્રદેશના મેરઠની વતની એવી એક મહિલાએ એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યા હતા. હાલમાં પોતાના બે બાળકો સાથે ૪૫ દિવસના વિઝા પર ભારત આવી હતી. પાકિસ્તાનીઓને ભારત છોડી જવાનો આદેશ અપાયા બાદ તે પોતાના બાળકો સાથે પાકિસ્તાન પરત જવા માટે વાગાહ બોર્ડરે પહોંચી હતી પણ તેનો પાસપોર્ટ ભારતીય હોવાથી તેને પાકિસ્તાન પરત જવા દેવાઇ ન હતી.

સના નામની આ મહિલા મેરઠના સરધાના વિસ્તારની વતની છે. તેના લગ્ન પાકિસ્તાનમાં થયા હતા અને તે પાકિસ્તાનમાં રહેતી હતી. હાલ કેટલાક સમય પહેલા તે પોતાના બે બાળકો સાથે ભારત પોતાના માતા-પિતાને ત્યાં આવી હતી. પહેલગામ હુમલા પછી પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ અપાયા બાદ તે ૨૪ એપ્રિલે તે પોતાના બાળકો સાથે પાકિસ્તાન પરત જવા વાઘાહ બોર્ડર પર પહોંચી હતી, પરંતુ તેનો પાસપોર્ટ ભારતીય હોવાથી તેને જવા દેવાઇ ન હતી. સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેના બાળકો સામે પાર જઇ શકે છે કારણ કે તેઓ પાકિસ્તાની નાગરિકો છે. જો કે સનાએ પોતાના બાળકોને એકલા મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં સનાએ પત્રકારોને જણાવ્યું હતું કે મારા પતિ અને સાસરીયાઓ સામે પાર ઉભા હતા પરંતુ મને તેમને મળવા દેવાઇ ન હતી.

આ સના તો તેના બાળકોને લઇને પોતાના પિયર પરત આવી ગઇ છે પરંતુ કેટલાક મહિલાઓ એવી પણ હતી જેઓ પોતાના બાળકોને પાકિસ્તાન મોકલી દીધા પણ પોતે અહીં જ રોકાઇ ગઇ. ખાસ કરીને જે મહિલાઓેએ પાકિસ્તાનમાં લગ્ન કરીને પોતાનો પાસપોર્ટ ભારતનો જ રાખી મૂક્યો છે તેમને આવી સમસ્યાનો સામનો ખાસ કરવો પડ્યો છે. આવા સંઘર્ષોના સમયે અને દેશો વચ્ચેના વિવાદમાં સામાન્ય નાગરિકો અને બાળકોને કેટલું સહન કરવું પડે છે તેનું આ ઉદાહરણ છે. દુનિયાના અનેક દેશોમાં અને પ્રદેશોમાં જાત જાતના સંઘર્ષો થતા રહે છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવાનું આવે છે તેવા ઉદાહરણોમાં આવા થોડા વધુ ઉદાહરણોનો ઉમેરો થઇ ગયો છે.

Most Popular

To Top