એક નગરનો રાજા નિસંતાન હતો; હવે તેમના વાળોમાં સફેદી દેખાવા લાગી હતી. રાજાને પોતાના બાદ રાજ્ય કોને સોંપવું તેની ચિંતા સતાવી રહી હતી. રાજ્ય માટે યોગ્ય ઉત્તરાધિકારી કઈ રીતે શોધવો તેને માટે તેઓ સતત કોઈ માર્ગ વિચારી રહ્યા હતા. એક માર્ગ મળ્યો એટલે રાજાએ તરત નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજથી દસ દિવસ પછી સવારે નિશ્ચિત સમયે મને જે કોઈ મળવા આવશે તેમણે હું મારા રાજ્યનો એક ભાગ આપીશ.’ રાજાનો આવો ઢંઢેરો સાંભળી પ્રધાન દોડી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, ‘મહારાજ આ કેવો ઢંઢેરો પીટાવ્યો છે તમને મળવા તો અનેક લોકો આવશે તો શું તમે તમારા રાજ્યના અનેક ટુકડા કરી નાખશો? આ કઈ ઉકેલ થોડો છે’ રાજાએ કહ્યું, ‘પ્રધાનજી તમે ચિંતા ન કરો બસ હું કહું તે પ્રમાણે તૈયારી કરો’ રાજાએ પ્રધાનને જરૂરી સુચના આપી અને પ્રધાન તૈયારીમાં લાગી ગયા.
દસ દિવસ પછી જ્યારે રાજાને મળવા જવાનું હતું તે દિવસે રાજાના મહેલના બગીચામાં વિશાળ મેળાનું આયોજન રાજાની સુચના પ્રમાણે કરવામાં આવ્યું હતું. મેળામાં નાચ-ગાન, શરાબની મહેફિલ હતી. સ્વાદિષ્ટ પકવાનો હતા. મેળામાં અનેક ખેલ થઈ રહ્યા હતા. રાજાને મળવા આવનાર આ બગીચામાંથી પસાર થઈને જ મહેલના પ્રવેશદ્વાર સુધી પહોંચી શકે તેવો એક જ માર્ગ હતો. રાજાને મળવા અનેક લોકો આવવા લાગ્યા પણ અમુક લોકો નાચ-ગાનમાં ખોવાઈ ગયા. અમુક લોકો સૂર અને સુંદરીમાં ભાન ભૂલ્યા. અમુક લોકો ખેલ જોવા રોકાઈ ગયા. બીજા બધા બગીચામાં ફરીને સ્વાદિષ્ટ પીણા અને પકવાનોનો આનંદ લેવા લાગ્યા અને બધે ફરીને બધું જોઈ રહ્યા હતા તેમાં રાજાને મળવા આવ્યા છે તે તો ભૂલી જ ગયા. સમય વીતી રહ્યો હતો.
આ બધામાં એક યુવાન એવો નીકળ્યો જેને કોઈ પ્રલોભન ન થયું. તેના મનમાં નિશ્ચિત ધ્યેય હતું કે મારે રાજાને મળવાનું છે. તેથી કોઈપણ વસ્તુથી આકર્ષાયા વિના અને અટક્યા વિના તે સડસડાટ મહેલના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયો. તેની મનની શક્તિની પરીક્ષા તો થઈ ગઈ. તનની શક્તિની પરીક્ષા માટે દ્વાર પર સૈનિકોએ તેને અટકાવ્યો તે સૈનિકોણે પળવારમાં પછાડી રાજાને મળવા મહેલની અંદર રાજા સમક્ષ પહોંચી ગયો.
રાજા તેને જોઇને ઉભા થઈ ગયા અને તેની પીઠ થાબડી બોલ્યા, ‘ચાલો મારા રાજ્યમાં કોઈક વ્યક્તિ તો છે જેણે કોઈ પ્રલોભન ફસાવી ન શક્યું અને તે પોતાના ધ્યેયથી વિચલિત થયા વિના અહીં સુધી આવી ગયો. યુવાન હું તને મારા રાજ્યનો અમુક ભાગ નહિ. મારું આખું રાજ્ય આપીશ. આવતીકાલે હું તને મારો ઉત્તરાધિકારી ઘોષિત કરીશ બસ આ જ ધ્યેયથી રાજ્ય કલ્યાણ કરજે.’ યુવાને રાજાના આશીર્વાદ લીધા. કોઈપણ પ્રલોભન, લાલસામાં અટવાયા વિના જે સતત લક્ષ્ય તરફ આગળ વધે છે તે જ સફળ થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
