Vadodara

વિશ્વામિત્રીના કિનારે પર્યાવરણના શિક્ષક પાસેથી આશીર્વાદ લીધા

વડોદરા : વિશ્વ શિક્ષક દિવસે રજામાં મજા કરવાના બદલે ભાયલી સ્થિત વણકરવાસના બાળકોએ વિશ્વ શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરી હતી.બાળકોએ વડોદરા સેન્ટ્રલ જેલ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે પોતાના પર્યાવરણના શિક્ષક અને તેમના પણ પર્યાવરણના શિક્ષક પાસેથી જ્ઞાન મેળવી તેમના આશીર્વાદ લીધા હતા. સમગ્ર રાજ્યભરમાં 5 મી સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા શહેરના ભાયલી ખાતે વણકરવાસના પર્યાવરણ પ્રેમી બાળકોએ વિશ્વામિત્રી નદી કિનારે અનોખી રીતે શિક્ષક દિવસ મનાવ્યો હતો.

વણકરવાસના બાળકો છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘર નજીક આવેલ તળાવને બચાવવા માટે એકલા હાથે ઝઝૂમી રહ્યા છે. તેમને પોતાના પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડ્યા તેમજ તેમના પણ પર્યાવરણના શિક્ષક સુવર્ણા સોનવણેને વિનંતી કરી હતી કે તો વિશ્વ શિક્ષક દિવસના ઉપલક્ષ્યમાં તેમને પર્યાવરણને બચાવવા માટે વધુ માર્ગદર્શન આપી આશીર્વાદ આપે.ગત ચાર વર્ષથી આ બાળકો અથાગ મહેનત કરીને લગભગ 80 જેટલા દેશી તેમજ વિદેશી પક્ષીઓને ઓળખી શકે છે.વણકરવાસ ના ચોતરે આવેલા નાનકડાં તળાવમાં આ બાળકો એ યાહ્યાવર તેમજ દેશી પક્ષીઓને આવતા જોયા અને તેમને લાગ્યું કે જો આ તળાવનું ધ્યાન નહીં રખાય અને બાકીના તળાવની જેમ અહીંયા પણ સિમેન્ટ કોન્ક્રીટ ના ઘાટ બનશે તો આ પક્ષીઓ કાયમ માટે જતા રહેશે.

ધોરણ 9માં ભણતી નંદની વણકરે જણાવ્યું કે અમને સમજાઈ ગયું છે કે જો પક્ષીઓને બચાવવા હોય તો તેમની સાથે સંકળાયેલ તમામ જીવ સૃષ્ટિને સમજવી પડશે અને તે તમામ જીવ સૃષ્ટિનું રક્ષણ પણ કરવું પડશે.સામાન્ય રીતે આપણે જીવ જંતુઓને જોઈને ગભરાઈ જતા હોઈએ છે.પણ જયારે અમને હિતાર્થ સરે પક્ષીઓનું આ જીવ જંતુ સાથેનો સંબંધ સમજાવ્યો.ત્યારે મને લાગ્યું કે આપણે પર્યાવરણ ને સાચા અર્થમાં સમજી જ નથી શક્યા.હર્ષિલ વણકર અને દેવ પરમાર જે પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે પક્ષી કરતા પતંગિયા અને કીટકોની ફોટોગ્રાફી અઘરી છે.જ્યાં સુધી આપણે સૌ પર્યાવરણના તાણાંવાણાં માં વણાયેલ તમામ જીવોને સમજી નહિ શકીયે ત્યાં સુધી તેનું સંરક્ષણ નહીં કરી શકીયે.આ કારણસર જ અમે કીટકોની દુનિયાને સમજવા વિશ્વામિત્રીના કાંઠે આવ્યા અને ઘણું બધું શીખ્યા.ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખવા આ એક ખુબ સુંદર પ્રયોગ હતો તેમ કીટક શાસ્ત્રી સુવર્ણા સોનવણે એ જણાવ્યું હતું.મારા માટે ખુબ ગર્વની વાત છે કે મારો વિદ્યાર્થી હિતાર્થ આજે પર્યાવરણ પ્રત્યે બાળકોને ઊંડાણ પૂર્વકની સમજ આપી રહ્યો છે અને એક મોટો બદલાવ લાવી રહ્યો છે.

એક શિક્ષક માટે શિક્ષક દિવસની આનાથી સારી ઉજવણીના હોઈ શકે કે જયારે તેનો પોતાનો વિદ્યાર્થી તેના જ વિદ્યાર્થી માટે વિદ્યા દાન ની માંગણી કરે.વણકરવાસના આ વિદ્યાર્થીઓ ખરેખર એક મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે.જે આપણા શહેરના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને પ્રોત્સાહિત કરશે. આજે ખેતરોમાં જયારે બેફામ ઝેરી દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. અને બીજી તરફ શહેરોમાં પ્રકૃતિ ને અનુકૂળ વૃક્ષો અને ક્ષુપોના બદલે કોર્નોકાર્પસ જેવા વૃક્ષોનું આડેધડ વાવેતર થઇ રહ્યું છે. ત્યારે આ બાળકોએ કરેલી પહેલ એક દીવાદાંડી સમાન બની રહેશે.નવરચના યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ના પ્રોફેસર અને સંત કબીર સ્કૂલમાં પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડ્યાએ જણાવ્યું કે પત્રકારત્વ હોય કે શાળામાં શીખવવામાં આવતો પર્યાવરણનો વિષય હોય.પરંતુ પર્યાવરણ માટે સાચી અને સચોટ માહિતી અને ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે.આજે આ બાળકોએ જયારે જીવ જંતુ અને કીટકો વિષે જાણકારી મેળવી ત્યારે તેમની પક્ષીઓ વિશેની પોતાની સમજ બમણી થઇ ગઈ હતી.

Most Popular

To Top