સાક્ષરવર્ય ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ત્રિવેદી સાહેબ એટલે પ્રજ્ઞાપુરુષ, ઋષિતુલ્ય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. દસમી નવેમ્બરે એમની વિદાયને તેત્રીસ વર્ષો પુરા થશે. એમની પુણ્યતિથિએ એમને આદરભાવથી અંજલિ આપવાનો આ અલ્પ પ્રયાસ છે. ત્રિવેદી સાહેબનું ઘર એટલે સુરતની આદર્શ સોસાયટીમાં આવેલો એમનો બંગલો. નામ એનું “મૈત્રી” એ કોઈ આશ્રમ સમું હતું. માણસોની અવરજવરથી ધમધમતું રહેતું. એમાં ઉમાશંકર, દર્શક, સુન્દરમ જેવા મહાન પંડિતો હોય તો એમના ભૂતકાળમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ પણ હોય.
બાટલી ભંગાર ઉઘરાવવાની ફેરી ફરનાર રામરામ કરવા આવતો હોય, પોતાને ત્યાં જન્મેલા બાળકો કે ઉદ્યોગોના નામકરણ માટે ઓળખાણ શોધી શોધી ને આવતા અનેક લોકો પણ હોય. સુરતનું જૂનું ઓપન એર થીએટર (જે હવે આધુનિકરણ માં નામશેષ થયું) ‘રંગ ઉપવન’, ‘કૃષિ મંગલ’, ‘ વસુધારા’ ‘રૂપમંગલ’ નામો એમની જ ભેટ છે. એક વાર એક અજાણી વ્યક્તિ એમને ત્યાં ચડી આવી. પલંગ પર બેઠેલા ત્રિવેદી સાહેબને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી ઉભા થઇ બાજુની દીવાલ પરની છબી ને પ્રણામ કર્યા. ત્રિવેદી સાહેબને જરા આશ્ચર્ય થયું. એમને પછ્યું કે ભાઈ તમે કેમ એમને પગે લાગ્યા? પેલા સજ્જન કહે કે તમારા બાપુજી છે ને એટલે? ત્રિવેદી સાહેબ માંડ હાસ્ય ખાળી શક્યા. કહે કે ભાઈ આ તો સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ છે. આવા તો અનેક રમુજી પ્રસંગો બનતા.
એક ગુરુપૂર્ણિમાને દિવસે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તે સમયના કુલપતિ ડો. ઉપેન્દ્ર બક્ષી એમને ઘરે સવારે આવી ચડ્યા. એમની સાથે થોડા વિદ્યાર્થી હતા. ઉપેન્દ્ર બક્ષીએ ત્રિવેદીસાહેબને તે દિવસે પહેલવહેલા જોયા અને ત્રિવેદી સાહેબે પણ એમને પ્રથમવાર જોયા. એકાએક આવી ચડેલા બક્ષીને જોઈ ત્રિવેદી સાહેબને અચંબો થયો. બક્ષી સાહેબનો દીદાર, લાંબા ઝુલ્ફા, મોમાં મૂંગી અને અલ્ટ્રા મોડર્ન અભિગમથી ત્રિવેદી સાહેબ લગભગ ડઘાઈ ગયા. બક્ષીએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, હું ઉપેન્દ્ર બક્ષી, આજે ગુરુપૂર્ણિમાના દિવસે આપને વંદન કરવા આવ્યો છું. પછી સાથે આવેલા વિદ્યાર્થીઓને કહ્યું, ‘He is the true Guru. He is the real University.’ બંને જુદી જુદી જાતના વિદ્વાનો, દીદારમાં જમીન આસમાનનો ફેર, આ મહાનુભાવોનું મિલન જોવા જેવું હતું.
એમને ત્યાં આવનારા બધા વિદ્વાનો જ નહોતા. એમાં સાધારણજનો પણ હતા. એ એક પચરંગી પ્રવાહ હતો. એમને ત્યાં જામતી મંડળીમાં અજબ ગજબનું ભાર કે આડંબર વિનાનું, મોકળાશવાળું, વિદ્વતાનું, ચર્ચાનું આનંદભર્યું વાતાવરણ જામતું. ત્રિવેદી સાહેબ એમાં ઘણી વાર દ્રષ્ટા, શ્રોતા હોય, ક્યારેક જ એ બોલે છતાં મંડળીમાં એ કેન્દ્રસ્થાને જ હોય. સમાનતાની ભૂમિકાએ આત્મિયતાનો અનુભવ કરાવતો સંબંધ એ બાંધી શકતા.
ત્રિવેદી સાહેબ પાસે પુસ્તકો ભેટ આપનારા અને પુસ્તકો માંગવા વાળા લોકો પણ આવતા. ત્રિવેદી સાહેબ જે કોઈને પુસ્તક કે સામયિક આપે તેની નોંધ રાખતા. એમના પુસ્તકો ખોવાય નહિ. દરેક નવું પુસ્તક કે સામયિક આવે તેમના પર એમની નજર ફરેલી જ હોય. થોકબંધ આવતા પુસ્તકો અને સામયિકો વંચાયા વિનાના રહ્યા નથી. પુસ્તકોના કબાટો સમયાંતરે સાફ થતા હોય. એમના પુસ્તકોને ઉધઈ ક્યારેય લાગી નથી. કયું પુસ્તક કયા કબાટમાં કઈ હારમાં છે તેની ખબર એમની પાસે છેવટ સુધી રહી હતી.
ત્રિવેદી સાહેબ એટલે એક ઉત્તમ પ્રાધ્યાપક, એમ. ટી. બી. કોલેજને ત્રણ દાયકા સુધી આ ઉત્તમ પંડિત, વિચારક અને વિવેચકનો લાભ અને સાથ મળ્યો. જેને કારણે એમ. ટી. બી. ઉત્તમ હરોળની શ્રેણીમાં સ્થાન પામી. એમની ભણાવવાની રીત વિશિષ્ટ હતી. વિદ્યાર્થી પાસે વંચાવે અને વાંચવામાં જો ઉચ્ચારની ભૂલ કરે તો વાંચતો અટકાવી સુધરાવે. અંગ્રેજીનાં ઇતિહાસમાં રેનેસાંથી (સોળમી સદી) થી ટેનિસન (ઓગણીસમી સદી)નો ઇતિહાસ ભણાવતા. ઇતિહાસના પ્રવાહો કે લેખકો વિષે વ્યાખ્યાન આપવાને બદલે મુખ્ય લેખકોની પ્રધાન કૃતિઓ વર્ગમાં સાથે લઈને આવે. તેનો મહત્વનો ભાગ વિદ્યાર્થી પાસે વંચાવે અને પછી તેના ઉપર અંગ્રેજીમાં પ્રાસાદિક વ્યાખ્યાન આપે. અંગ્રેજીમાં એ અસ્ખલિત પ્રવાહિતાથી બોલતા. આ પદ્ધતિ અનોખી હતી. એમના સિવાય કોઈ પ્રાધ્યાપકે અપનાવી નહોતી. ત્રિવેદી સાહેબની આ પધ્ધતિથી લેખક અને કૃતિ બંનેનો પ્રત્યક્ષ પરિચય થાય. ઉપરાંત વિદ્યાર્થીને વાંચવાની આવડત આવે. ત્રિવેદી સાહેબ ક્યારેય નોટ ઊતરાવતા નહોતા.
ત્રિવેદી સાહેબનો પોશાક એ કાર્યરત રહ્યા ત્યાં સુધી એક જ સરખો રહ્યો હતો. ઊંચું પાતળું શરીર, ગૌરવાન, સરસ ચીપીને પહેરેલું ધોતિયું, ઉપર લાંબો કોટ, સંપૂર્ણ વ્યવસ્થિત રીતે બાંધેલો માથે બદામી ઝાંયવાળો સફેદ રેશમી ફેંટો, પગમાં મોજા અને કાળા રંગના જોડા. ત્રિવેદી સાહેબને કોલેજના પ્રાંગણમાં આવેલા એમાં નિવાસસ્થાનેથી નીકળી કોલેજના મકાન સુધી આવતા વીસેક મિનિટનો સમય થતો. સામાન્ય માણસ એ અંતર ચારેક મિનિટમાં કાપે. રસ્તે આવતાં ત્રણ ચાર વાર ઉભા રહે આજુ બાજુના વૃક્ષોનું નિરીક્ષણ કરે. માળીને સૂચના આપવા જેવી હોય તે આપે. એમના હાથમાં કોઈ પણ ઋતુમાં છત્રી હોય જ. સાધારણ તડકો હોય તો છત્રી ઉઘાડે. તડકો નહિ હોય તો વોકિંગ સ્ટીક તરીકે ટેકો લેવા એનો ઉપયોગ કરે. એ જમાનામાં એમ.એ.ના વર્ગો શનિ-રવિ ચાલતા. એક રવિવારે 1942ના દસમી ઓગસ્ટે ભારત છોડોની લડતના સમાચાર આપી વર્ગકાર્ય બંધ રાખેલું. પોતે ખાદી જ પહેરતા.
ત્રિવેદી સાહેબના મોં ઉપર કોઈ કરડાકી નહિ. પ્રકૃતિ ઓજસ્વી અને સૌમ્ય, છતાં કડપ ભારે. કોઈ વિદ્યાર્થી એમના વર્ગોમાં તોફાન મસ્તી કરતો નહિ. વિદ્યાર્થીઓના નામ બાબતે ચર્ચા કરતા રોમેશનો અર્થ રોમ-વાળનો ઈશ એટલે ગોરીલો થાય એટલે નામ રમેશ રાખવું. રોમેશ નહિ. એમ એ કહેતા. ભાષાની અને જોડણીની ભૂલો એમને ખુબ ખટકતી. એવી વાયકા હતી કે એમને ત્યાં આવતી કંકોત્રીઓને એ જોડણીની ભૂલો સુધારી ચાંદલા સાથે એ પછી મોકલતા. ત્રિવેદી સાહેબની કેટલીક ખાસિયતો હતી. વર્ગમાં પ્રવેશી પહેલા બારીઓ જોઈ લેતા, સ્ટેજ પાસેની કોઈ બારી ઉઘાડી હોય તો બંધ કરાવતા. ત્રિવેદી સાહેબનું હૃદય કવિ અને કલાકારનું હતું. નવરાશના સમયમાં કાગળ પર ઘણા સારા ચિત્રો દોરતા. ચિત્રકળા અને ફોટોગ્રાફીમાં એમની સૂઝ અને સમજ સરસ હતા. નામાંકિત ફોટોગ્રાફર શ્રી અશ્વિન મહેતાના હિમાલયના ફોટોગ્રાફ્સનું પુસ્તક મને ભેટ આપ્યું હતું જે હજી જતનપૂર્વક સાચવ્યું છે.
હું સાહિત્યકાર હોઉં કે ન હોઉં પણ હું અધ્યાપક છું જ, મને અધ્યાપક હોવાનું સતત ગૌરવ રહ્યું છે. એમ એ કહેતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા ભવનની શરુઆત થવાની હતી અને ઉમાશંકરે અમદાવાદથી ખાસ સુરત આવીને ત્રિવેદી સાહેબને આમંત્રણ આપ્યું. ત્રિવેદી સાહેબે કહ્યું કે “મારે અરજી કરી વ્હાલાજી મહિમા નથી ગાવા.” ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રથમ અધ્યક્ષ તમે જ હોવા જોઈએ એમ આગ્રહપૂર્વક કહ્યું છતાં ત્રિવેદી સાહેબે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. ત્રિવેદી સાહેબ કહેતા “ઉમાશંકર તો આપણા યુગપુરુષ છે. 1950 પછીના ગુજરાતી સાહિત્યના યુગને હું ઉમાશંકર યુગ કહું છું. સુંદરમ અને ઉમાશંકર બંને પહેલા પ્રગટ્યા ત્યારે સુન્દરમની શક્તિ ઉમાશંકર કરતાં વધારે. પણ પછી સુન્દરમની ગાડી બીજે પાટે ચડી ગઈ અને ઉમાશંકરના શક્તિ અને વ્યાપ એટલા વધ્યા કે ઉમાશંકર આપણા યુગ પુરુષ કહેવડાવવા લાયક ઠર્યા.”
ત્રિવેદી સાહેબની દર વર્ષગાંઠે (ચોથી જુલાઈ) સુન્દરમ શુભેચ્છાપત્ર લખે અને એકાદ પુસ્તક ભેટ મોકલે. સુન્દરમ પાછળ વર્ષોમાં બેઠા બેઠા સમાધિમાં ઊતરી પડતા હોય એવું લાગતું. તે દિવસે દસેક મિનિટની અવસ્થા પછી સુન્દરમે આધ્યાત્મિક વાતો શરુ કરી. ત્રિવેદી સાહેબે દ્રઢતાથી અભિપ્રાય દર્શાવ્યો કે વ્યક્તિ ભગવાન બની શકે નહિ. ચર્ચા વધતી ગઈ . સુન્દરમ તંત છોડતા નહોતા. છેવટે ત્રિવેદી સાહેબે વાત વાળી લીધી. બળવંતરાય ઠાકોર અને ત્રિવેદી સાહેબ વચ્ચે ખુબ નિકટનો અને સ્નેહભીનો સંબંધ હતો. પ્રકૃતિઓ સામસામા છેડાની.
બળવંતરાય યુયુત્સુ અને કર્કશ અવાજે બોલવાનું નિર્બંધ. ત્રિવેદી સાહેબ સૌમ્ય પ્રકૃતિના ક્યારેય ઊંચા અવાજે વાત નહિ કરનારા. એમના પત્ર સંગ્રહમાં શ્રી ઠાકોરના સો ઉપરાંત પત્રો હશે. સાચા અર્થમાં પુરેપુરા પંડિત, અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસથી સંમાર્જિત થયેલી વિદ્વતાથી શોભતા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અવસાનથી ગુજરાતે બહુમુખી પ્રતિભાવાળા, સુહૃદયી, શ્રુત, શીલ, અને પ્રજ્ઞાથી બ્રાહ્મણત્વને દીપાવનાર તપ:પુત વ્યક્તિશ્રેષ્ઠ ગુમાવ્યા. સત્યગરવો, રમણીયતાનો ઉપાસક અને ગુજરાતી વાંગ્મય અવતાર સમો એમનો પુરુષાર્થ ચિરંજીવ રહેશે. જયારે જયારે ગુજરાતી સાહિત્યના પંડિતોની યાદી બનાવશે ત્યારે ત્યારે ત્રિવેદી સાહેબનું સ્થાન અગ્રીમ સાહિત્યકારોની હરોળમાં હશે.
‘સ્તવું તે તપ કે શીલ? હૈયું ઉદાર તે સ્મરું?
વાણી થંભતી મારી, મૌનથી અર્ધ્ય તો ધરું’
ત્રિવેદી સાહેબ સાથે અમારા કુટુંબનો પારિવારિક સંબંધ. મારા પિતાશ્રી કુંજવિહારી મહેતા અને ત્રિવેદી સાહેબ વચ્ચે પિતા-પુત્ર સરખો સંબંધ. ત્રિવેદી સાહેબ એમને કુંજભાઈ કહેતા. મને ત્રિવેદી સાહેબને જોવાનો જાણવાનો લાભ એ કારણે મળ્યો જે મારુ સદ્ભાગ્ય. આ લેખના મહદ અંશો મારા પિતાશ્રીના ત્રિવેદી સાહેબ વિષેના લખાણોમાંથી લીધા છે.
કશ્યપ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.