ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજનું માનવું છે કે, ભારતીય ટેનિસના મહાન ખેલાડી મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ એક ફિલ્મના લાયક છે અને જો તક મળશે તો આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનું પસંદ કરશે.
16 વર્ષથી વધુની ભાગીદારીમાં પેસ અને ભૂપતિએ ત્રણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા હતા અને 90ના દાયકાના અંતમાં વિશ્વની પ્રથમ ક્રમની ડબલ્સની જોડીમાં સ્થાન મેળવ્યું હતું.
મંગળવારે સાંજે એક કાર્યક્રમમાં ભારદ્વાજને શું તે કોઈ રમતવીરના વ્યક્તિત્વ પર ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં કોઈ યોજના નથી, પરંતુ આશા છે કે તેઓ ભૂપતિ અને પેસના જીવન અંગે ફિલ્મ બનાવશે.
ભારદ્વાજે જણાવ્યું હતું કે, મને લાગે છે કે લિએન્ડર (પેસ) અને મહેશ (ભૂપતિ) પર ફિલ્મ બનાવવી જોઈએ. જો મને તેમના જીવન પર ફિલ્મ બનાવવાની તક મળે તો હું નિશ્ચિતરૂપે બનાવીશ.