Comments

શું તમે પણ અમેરિકાનાં વિઝા લેવામાં આ ભૂલ કરો છો?

કોઈ ખાસ કારણ ન હોય તેમ છતાં તમે B-1/B-2 વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે આપેલો સમય લંબાવવાની અરજી કરશો તો એ મોટા ભાગે નકારવામાં આવશે. અમેરિકામાં પ્રવેશ્યા બાદ તુરંત જ યા થોડા સમયની અંદર જ, 1 યા 2 મહિનાની અંદર જ જો તમે તમને આપવામાં આવેલ સમય વધારવાની અરજી કરશો તો એ તમારો ‘પૂર્વનિયોજિત ઈરાદો’ હતો એવું ધારી લઈને તમારી એ અરજી નકારાઈ શકાશે અને તમે આવી પૂર્વનિયોજિત યોજના કરી છે એ કારણસર તમારા 10 વર્ષના મલ્ટિ-એન્ટ્રી B-1/B-2 વિઝા કદાચ કેન્સલ પણ  કરવામાં આવશે.

તમે અમેરિકામાં એક પ્રકારના વિઝા ઉપર, એ વિઝા હેઠળ પ્રાપ્ત થતાં ‘સ્ટેટસ’ ઉપર પ્રવેશો અને પછી બીજા પ્રકારના વિઝા દ્વારા પ્રાપ્ત થતું સ્ટેટસ મેળવવાની જરૂરિયાત ઊભી થાય, તો અરજી કરીને તમારું ‘સ્ટેટસ ચેન્જ’ કરી શકો છો. દાખલા તરીકે, તમે એક ટુરિસ્ટ તરીકે B-2 સ્ટેટસ ઉપર અમેરિકામાં પ્રવેશો અને પછી ત્યાંની યુનિવર્સિટીમાં ભણવાની ઈચ્છા જાગે અને  સ્ટુડન્ટ માટેના ‘F-1 સ્ટેટસ’ મેળવવાની જરૂરિયાત ઊભી થાય, તો અરજી કરીને તમારા B-2 સ્ટેટસને F-1 સ્ટેટસમાં ચેન્જ કરી આપવાની માગણી કરી શકો છો. પણ જો ઈમિગ્રેશન ઓફિસરને એવું જણાશે કે તમે સ્ટેટસ ચેન્જ કરવાની અરજી અમેરિકામાં પ્રવેશ્યા એ પહેલાંથી કરવાનું વિચાર્યું હતું, તમારો એ પૂર્વનિયોજિત ઈરાદો હતો તો તમારી અરજી નકારવામાં આવશે. સ્ટેટસ ચેન્જની અરજી ફક્ત ને ફક્ત અનિવાર્ય સંજોગોમાં જ કરવી જોઈએ. નહીં તો આવી અરજી તમને મુશ્કેલીમાં મૂકી દેશે.

તમે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર કોઈ એક પ્રકારનું  નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા હોવ અને જો ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાને લાયક બનો અને એ માટે ‘સ્ટેટસ એડ્જસ્ટ’ કરવાની અરજી કરો તો જો એ તમારો પૂર્વનિયોજિત ઈરાદો હશે તો તમારી અરજી નકારવામાં આવશે. બહુધા ઈમિગ્રેશન ઓફિસર તમને તમારા દેશમાં જઈને જે ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવા તમે ઈચ્છો છો એ માટે ઈમિગ્રન્ટ વિઝા મેળવીને એ ઈમિગ્રન્ટ સ્ટેટસ ઉપર અમેરિકામાં પાછા આવો એવું જણાવશે. તમે એ મુજબ ઈન્ડિયા પાછા આવશો અને ઈમિગ્રન્ટ વિઝાની અરજી કરશો તો કદાચ તમે પૂર્વનિયોજિત ઈરાદો ધરાવીને અમેરિકામાં ગયા હતા એ કારણસર તમારી ઈમિગ્રન્ટ વિઝાની અરજી નકારી શકાશે. સ્ટેટસ એડ્જસ્ટ કરવાની અરજી પણ ફક્ત ને ફક્ત અનિવાર્ય સંજોગો ઊભા થાય તો જ કરવી જોઈએ.

આ કટારના લેખકને અનેક વાર અમેરિકાથી ફોન આવે છે. ફોન કરનાર અમેરિકન વ્યક્તિ એવું જણાવે છે કે ફલાણો મારો ભાઈ, ફલાણી મારી બહેન એને તમે B-1/B-2 વિઝા મેળવવામાં સહાય કરો. એક વાર તેઓ અહીં આવી જશે પછી અમે એમને અહીં કમ્યુનિટી કોલેજમાં દાખલ કરાવશું અને એમનું સ્ટેટસ ચેન્જ કરાવીને અહીં રાખશું. એમના માટે H-1B યા L-1 કે બીજા કોઈ પણ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ ઉપર અમે એમને અહીં રહેવાનો બંદોબસ્ત કરી આપશું. અમેરિકન સિટિઝન જોડે એમના લગ્ન કરાવીને, એમનું સ્ટેટસ એડ્જસ્ટ કરાવી એમને ગ્રીનકાર્ડ અપાવી દઈશું.

જે લોકો આવું કરતા હોય છે એ લોકો હડહડતું જુઠ્ઠું કરતા હોય છે, ખોટું આચરતા હોય છે, જૂઠાણાને ઉત્તેજન આપતા હોય છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. તેઓ ‘એલિયન સ્મગલિંગ’નો એટલે કે પરદેશીને અમેરિકામાં ઘૂસાડવાનો ગુનો કરતા હોય છે. જો આવું કરતાં તેઓ પકડાશે તો એમણે જેમને અમેરિકામાં કાયમ રહેવાની તરકીબો બતાવી હોય એમને તો અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે જ પણ આવી વ્યક્તિઓ, જેઓ ગ્રીનકાર્ડધારક હોય યા અમેરિકન સિટિઝન પણ હોય, એમનું ગ્રીનકાર્ડ કે નાગરિકત્વ પાછું ખેંચી લેવામાં આવશે અને એમને પણ અમેરિકાની બહાર એમના મૂળ વતનમાં પાછા મોકલી દેવામાં આવશે.

અમેરિકન સિટિઝન અને ગ્રીનકાર્ડધારક જો ઈચ્છે તો કોઈ પરદેશી બાળકને દત્તક લઈ શકે છે. એ માટે જરૂરી એવી કાયદાકીય રીતરસમો પાળવાની રહે છે. એમ કરતાં અન્યનું એ બાળક એ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારકનું દત્તક લીધેલું બાળક બની જાય છે. અનેકો એમના ભાઈ-બહેનોનાં બાળકોને અમેરિકામાં કાયમ રહેવા મળે એ માટે દત્તક લેતા હોય છે, પણ દત્તક લેવા માટે અમેરિકાના એડોપ્શનના જે કાયદાઓ છે એ પરિપૂર્ણ કરવા એમના માટે શક્ય નથી હોતા. આથી તેઓ ખરું-ખોટું કરીને એડોપ્શનના કાયદાઓનું પાલન કર્યું છે એવું દેખાડે છે. આમ કરતાં જો તેઓ પકડાય તો એમનું ગ્રીનકાર્ડ યા અમેરિકન સિટિઝનશિપ ભયમાં આવી શકે છે.

અનેકો જેમના લાભ માટે એમના અમેરિકન સિટિઝન ભાઈ-બહેનોએ ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય છે એમાં એમના ભાઈ-બહેનોના કે પછી કોઈ અજાણ્યાના બાળકને ખૂબ વધારે પૈસા લઈને પોતાના બાળક તરીકે દર્શાવીને ડિપેન્ડન્ટ વિઝા ઉપર અમેરિકામાં લઈ જાય છે. અનેકો તો એમનું બાળક જન્મે ત્યારથી જ એને આવી રીતે અમેરિકા મોકલવાની તૈયારી શરૂ કરી દે છે. બાળકનાં માતા-પિતા તરીકે જેમના લાભ માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કર્યું હોય એમના નામ નોંધાવી દે છે. સ્કૂલમાં પણ બાળકના માતા-પિતાના નામમાં પેલા ગ્રીનકાર્ડની વાટ જોઈને બેઠેલી વ્યક્તિનું નામ નાંખે છે. આમ બાળક જન્મતાં જ એને અમેરિકા મોકલવા માટે છેતરપિંડી શરૂ કરી દે છે. આ કારણસર જ હવેથી જરા જેટલી શંકા પડતાં કોન્સ્યુલર ઓફિસરો આવા માતા-પિતા અને બાળકના DNA ટેસ્ટ કરવાની માગણી કરે છે. આમાં પકડાઈ જતાં એમને પણ ગ્રીનકાર્ડ આપવામાં નથી આવતા.

‘EB-5 પ્રોગ્રામ’ હેઠળ અમેરિકાના માન્યતા પામેલા રિજનલ સેન્ટરમાં રોકાણ કરતાં રોકાણકાર અને એની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. શરત એ હોય છે કે રોકાણની રકમ કાયદેસરની મેળવેલી વ્હાઈટની હોવી જોઈએ. એ રકમ ક્યાંથી અને કેવી રીતે આવી એ દર્શાવવું જરૂરી હોય છે. આ માટે અનેકો ખોટા દસ્તાવેજો કરે છે, ખોટા IT રિટર્ન્સ રજૂ કરે છે. બનાવટી બેન્ક સ્ટેટમેન્ટો આપે છે. આવું કરતાં પકડાતાં એમને ગ્રીનકાર્ડ નથી મળતા. વધુમાં સજા રૂપે એમણે જે પૈસાનું રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય એ રિજનલ સેન્ટર એમને વર્ષો સુધી એમની રોકાણની રકમ પાછી નથી આપતા. અનેક કિસ્સામાં તો રિજનલ સેન્ટરો આવી વ્યક્તિઓને એમની રકમ મુદ્દલે જ પાછી નથી આપતી. અમેરિકા એક ખૂબ જ સારો દેશ છે. વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે. એમાં પ્રવેશવા માટે વિઝાની જરૂરિયાત રહે છે પણ વિઝા મેળવવા માટે જો તમે ખોટું આચરશો, જૂઠાણાનો આશરો લેશો, છેતરપિંડી કરશો તો પકડાઈ જતાં તમારે પોસ પોસ આંસુ પાડવા પડશે.

Most Popular

To Top