Sports

વિરાટ કોહલીની વધુ એક સિદ્ધી, પહેલીવાર જીત્યો આ એવોર્ડ

નવી દિલ્હી: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટમાંથી રનોનો વરસાદ થઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં કોહલી ધૂમ મચાવી રહ્યો છે. આ દરમિયાન કોહલીએ વધુ એક અદ્ભુત કામ કર્યું છે. કોહલીને T20 ક્રિકેટમાં તેના પ્રદર્શન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કોહલીની સાથે ઝિમ્બાબ્વે ટીમના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર પણ પુરૂષ વર્ગમાં આ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. પરંતુ આ એવોર્ડ કોહલીને મળ્યો છે. કોહલીને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો છે. તેને આ સન્માન ઓક્ટોબરમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે મળ્યું છે.

34 વર્ષીય વિરાટ કોહલી લગભગ ત્રણ વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. પરંતુ T20 વર્લ્ડકપ પહેલાં વીતેલા ત્રણ મહિનામાં જ પોતાની લય હાંસલ કરી લીધી છે. આ T20 વર્લ્ડ કપ સિઝનમાં કોહલીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 246 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 3 અડધી સદી ફટકારી છે. કોહલીએ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અણનમ 82, નેધરલેન્ડ વિરુદ્ધ 62 અણનમ અને બાંગ્લાદેશ સામે 64 અણનમ રન બનાવ્યા છે. આ T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી 5 માં 246 ફટકાર્યા છે.

વિરાટ કોહલી ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટના નામે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 3794 રન છે. જે તેણે 110 મેચમાં બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 137.95 રહી છે. વિરાટે ટી-20માં અત્યાર સુધીમાં એક સદી અને 34 અડધી સદી ફટકારી છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 122 રન છે. રોહિતના નામે 3741 રન છે. જે તેણે 143 મેચમાં બનાવ્યા છે, જેમાં 4 સદી અને 28 અડધી સદી સામેલ છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્તિલ 3531 રન સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના ટી-20 ઇન્ટરનેશનલમાં 3231 રન છે અને તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર છે. આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ 3119 રન સાથે પાંચમા નંબર પર છે.

પાકિસ્તાની મહિલા ક્રિકેટરને પણ એવોર્ડ
પાકિસ્તાનની નિદાને મહિલા વર્ગમાં એવોર્ડ મળ્યો હતો. ICC એ સોમવારે પુરૂષો અને મહિલાઓની શ્રેણીમાં ઓક્ટોબર માટેના પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કારોની જાહેરાત કરી હતી. કોહલીએ પુરૂષોમાં આ ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાનની નિદા ડારે વુમન કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે. કોહલીએ ઓક્ટોબર મહિનામાં 4 T20 મેચ રમી હતી. આ દરમિયાન બે અર્ધસદી ફટકારી હતી. આમાં તેણે પાકિસ્તાન સામે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.

Most Popular

To Top