ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ રવિવારે તા. 9 માર્ચના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટાઇટલ મેચમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ ફાઇનલના એક દિવસ પહેલા જ ભારતીય ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઘાયલ થયો છે. આ દાવો પાકિસ્તાની વેબસાઇટ જીઓ ન્યૂઝે કર્યો છે. તેમણે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોહલીને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ હતી. બોલ તેના ઘૂંટણ પાસે વાગ્યો. ત્યાર બાદ એટલી બધી પીડા થઈ કે કોહલીએ પોતાનો પ્રેક્ટિસ સત્ર બંધ કરવી પડી હતી.
બોલ વાગતા જ ભારતીય ટીમના ફિઝિયોએ તરત જ કોહલીની સારવાર કરી હતી. સ્પ્રે લગાવી અને પાટો બાંધી દીધો. જોકે, ટીમ મેનેજમેન્ટે પુષ્ટિ આપી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. કોહલી અંતિમ મેચ રમવા માટે ફિટ છે. ઈજા પછી કોહલીએ પ્રેક્ટિસ બંધ કરી પણ તેણે મેદાન છોડ્યું નહીં.
આ સમય દરમિયાન કોહલી ફક્ત અન્ય ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોઈ રહ્યો હતો. ફાઇનલમાં કોહલીનું ટીમમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે હાલમાં શાનદાર ફોર્મમાં છે.
કોહલી ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડી શકે છે
કોહલીએ ચેઝ કરતી વખતે 8 હજારથી વધુ રનનો આંકડો પાર કરી લીધો છે. જો આ ફાઇનલમાં તેનું બેટ કામ કરે અને તે 46 રન બનાવે તો તે આવો રેકોર્ડ બનાવી શકે છે. જે પછી તે આ ટુર્નામેન્ટમાં ક્રિસ ગેલને હરાવશે અને સૌથી આગળ પણ આવશે.
કોહલીએ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન (100*) અને ઓસ્ટ્રેલિયા (84) સામે ઇનિંગ્સ રમી છે અને તે શાનદાર ફોર્મમાં છે. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 17 મેચમાં 746 રન બનાવ્યા છે. જે કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે.
એકંદરે હવે ફક્ત ક્રિસ ગેઈલ જ તેનાથી આગળ છે, જેણે 17 મેચમાં 791 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે કોહલી ફાઇનલમાં 46 રન બનાવતાની સાથે જ ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડી નાખશે. આ યાદીમાં ત્રીજા નંબરે મહેલા જયવર્ધને છે, જેમણે 22 મેચમાં 742 રન બનાવ્યા છે.
