ઇંગેલેન્ડ સામે હાલમાં રમાઇ રહેલી ટી-20 સીરિઝની બે મેચમાં ઉપરાછાપરી બે અર્ધસદી ફટકારવાના કારણે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોના આઇસીસી ટી-20 રેન્કિંગમાં ટોપ ફાઇવમાં પહોંચી ગયો છે. કોહલી ટી-20માં પાંચમા ક્રમે પહોંચ્યો છે અને ટેસ્ટમાં પણ તે પાંચમા ક્રમે છે જ્યારે વન ડેમાં તે નંબર વન છે. આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે ટોપ ફાઇવમાં પહોંચેલો એકમાત્ર ખેલાડી છે. ઇંગ્લેન્ડ સામે 73 અને 77 રનની ઇનિંગ રમતા તેને 47 રેટિંગ પોઇન્ટ મળ્યા છે અને તેના કારણે તે એક ક્રમ ઉપર ચઢીને પાંચમા ક્રમે પહોંચ્યો છે.
લોકેશ રાહુલ ત્રણેય ટી-20માં નિષ્ફળ રહેવા છતાં ચોથા ક્રમે જળવાઇ રહ્યો છે. શ્રેયસ ઐય્યર 32 ક્રમ ઉપર ચઢીને 31માં તો ઋષભ પંત 30 ક્રમના ફાયદા સાથે 80માં સ્થાને પહોંચ્યો છે. બોલર્સ રેન્કિંગમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર બે ક્રમના ફાયદા સાથે 11માં ક્રમે પહોંચીને ટોપ ટેનમાં એન્ટ્રી કરવાના ઉંબરે પહોંચ્યો છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર 14 ક્રમના ફાયદા સાથે 27માં તો ભુવનેશ્વર કુમાર 40માં સ્થાને છે.