સુરત : શહેરમાં આવેલી એસવીએનઆઇટીમાં દારૂનાં નશાની હાલતમાં અન્ય વિદ્યાર્થી સાથે લેપટોપનાં મુદ્દે ઝઘડો કરી તમાશો કર્યો હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ સમજાવવા જતા તેની સાથે ગેરવર્તન કરતા ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.
- એસવીએનઆઈટીમાં વિદ્યાર્થીનો નશાની હાલતમાં લેપટોપનાં મુદ્દે ઝઘડો કરી તમાશો
- સિક્યોરિટી ગાર્ડ સમજાવવા જતા તેની સાથે ગેરવર્તન કરતા ગાર્ડે વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો વાયરલ
- બે દિવસ પહેલા જ વીએનએસજીયુમાં ડ્રગ્સને લઈને વિવાદ થયો હતો
વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ડ્રગ્સના સેવન બાબતે વિવાદ ઉઠ્યો છે. ત્યારે એસવીએનઆઈટીમાં વિદ્યાર્થીએ દારૂના નશામાં તમાશો કર્યાનું સામે આવ્યુ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં રજીસ્ટ્રારે પોલીસને પત્ર લખી વિદ્યાર્થીઓનાં ડ્રગ્સ ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી.
ત્યાં બીજી બાજુ આજે એસવીએનઆઇટી (સરાદાર વલ્લભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી) માં પણ વિદ્યાર્થીએ દારૂનાં નશામાં તોફાન મચાવ્યું હતુ. કેમ્પસમાં આવેલી એક હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને મુદ્દે ઝઘડો થયો હતો. જ્યાં તેણે ફેકલ્ટી સાથે ગાળા-ગાળી કરી હતી. જેને પગલે ફેકલ્ટીએ સિક્યુરિટીને બોલાવી લીધા હતા.
નશામાં ધૂત વિદ્યાર્થી સ્ટાફ અને ગાર્ડ સાથે મારા-મારી પર ઉતરી આવ્યો હતો. જેને પગલે સિક્યુરિટી ગાર્ડે પણ વિદ્યાર્થીને લાફા અને લાતો મારી માર માર્યો હતો.
આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા એસવીએનઆઇટીનાં રજીસ્ટ્રાર પ્રમોદ માથુરએ તાકીદે તપાસ કમિટીની રચના કરી હતી. અને લડાઇ કરનાર વિદ્યાર્થી તેમજ સિક્યુરીટી ગાર્ડ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની દિશામાં તપાસને આગળ વધારી હતી.