વલસાડ (Valsad) : વાપીના (Vapi) વીઆઇએ હોલમાં 15મી જૂનના રોજ કોમેડિયન વીર દાસનો (Veer Das) શો યોજાઇ રહ્યો છે. ત્યારે તેના આગલા દિવસે આ શો રદ કરવા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વાપી દ્વારા જિલ્લા કલેક્ટર, ડીએસપીને રજૂઆત થઇ છે. વીર દાસ હિન્દુ દેવી દેવતાઓના અપમાનજનક જોક્સ (Jokes) કરતા હોવાના કારણે તેમણે આ શો રદ કરવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને થયેલી રજૂઆતમાં જણાવ્યું કે, 15 મી જૂનને બુધવારના રોજ વીઆઇએ હોલમાં કોમેડિયન એક્ટર વીર દાસનો એક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
કોમેડિયન વીર દાસ હિન્દુ દેવી દેવતાઓમાં ભગવાન શ્રીરામ અને સીતા માતાનું અપમાન થાય એવા જોક્સ કરે છે. હિન્દુ દેવી દેવતાઓના અપમાન માટે તેના વિરૂદ્ધ મુંબઇ અને દિલ્હીમાં પોલીસ ફરિયાદ પણ થઇ હતી. હાલ દેશમાં ધર્મને કારણે વિવાદ થઇ રહ્યા છે. ત્યારે હિન્દુ ધર્મ પ્રત્યે અભદ્ર ટીપ્પણી કરી વીર દાસ દેશનો માહોલ બગાડી શકે છે. ત્યારે આ પરિસ્થિતિ જોઇ આ કાર્યક્રમ રદ કરવા તેમણે રજૂઆત કરી છે. જેના માટે સ્થાનિક કક્ષાના વિહપના મંત્રી અમિત પટેલ, વલસાડ અધ્યક્ષ હિતેશ દેસાઇ, સહિતના કાર્યકરોએ કલેક્ટરને જાતે જઇને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આ અગાઉ બે દિવસ પહેલાં વડોદરામાં પણ વીરદાસના શો સામે લોકોએ વિરોધ કર્યો હતો. હવે વાપીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
વીરદાસ સામે કેમ વાંધો?
કૉમેડિયન વીર દાસનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. થોડા સમય પહેલાં વીર દાસે ભારત દેશ વિરોધી નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, વીર દાસે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે તેમની યુટ્યુબ ચેનલ પર તેમના પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો. છ મિનિટના વિડિયોમાં દાસ કથિત રીતે દેશના બેવડા ધોરણો વિશે વાત કરે છે. ત્યારથી તેમના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને મુંબઈમાં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
વીરદાસની વિવાદાસ્પદ કવિતાના અંશો
ભારતમાંથી આવ્યા છે જ્યાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા કરવામાં આવે છે અને રાત્રે સામૂહિક બળાત્કાર થાય છે.
હું તે ભારતમાંથી આવું છું.. જ્યાં વસ્તી 30 વર્ષથી ઓછી ઉંમરની છે પરંતુ હજુ પણ 75 વર્ષના નેતાઓના 150 વર્ષ જૂના વિચારો સાંભળે છે.
હું ભારતથી આવું છું.. જ્યાં આપણે શાકાહારી હોવાનો ગર્વ અનુભવીએ છીએ પણ શાકભાજી ઉગાડતા ખેડૂતોને આપણે કચડી નાખીએ છીએ.
હું ભારતથી આવું છું..જ્યાં બાળકો માસ્ક પહેરે છે અને નેતાઓ માસ્ક પહેર્યા વિના ગળે મળે છે.