નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારથી VIP દર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે. હવેથી મંદિરમાં શ્રધ્ધાળુઓ બે કેટેગરીમાં VIP દર્શન કરી શકશે. કોઈપણ શ્રધ્ધાળુ 500 રૂપિયા ખર્ચીને શ્રી રણછોડરાયજી ભગવાનની સન્મુખ એકદમ નજીક કિર્તનીયાની જાળીમાં જઈને દર્શન કરી શકશે. જ્યારે, પુરૂષ દર્શનાર્થીઓ 250 રૂપિયા ખર્ચીને મહિલાઓની જાળીમાં જઈને VIP દર્શન કરી શકશે. જેની સામે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડાકોરમાં આવેલા રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. આ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રવિવાર, વાર-તહેવાર, પુનમ તેમજ ઉત્સવોના દિવસોએ મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા લાખોમાં હોય છે. મંદિરના વહીવટ તેમજ દર્શનાર્થીઓની સુવિધા માટે ટ્રસ્ટની સમયાંતરે મીટીંગ મળતી હોય છે. જે અંતર્ગત તાજેતરમાં જ મંદિર ટ્રસ્ટની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મંદિરમાં વીઆઈપી દર્શન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં કોઈપણ શ્રધ્ધાળુ 500 રૂપિયા આપીને શ્રી રણછોડરાયજી ભગવાનની એકદમ નજીક કિર્તનીયાની જાળીમાં બેસીને વીઆઈપી દર્શન કરી શકશે. આ ઉપરાંત કોઈપણ પુરૂષ શ્રધ્ધાળુ 250 રૂપિયા ભરીને મહિલાઓની જાળીમાં જઈને નજીકથી વીઆઈપી દર્શન કરી શકશે. બે દિવસમાં ઘણાં બધા શ્રધ્ધાળુઓએ આ વીઆઈપી દર્શનનો લાભ લીધો છે. પરંતુ, ડાકોર ગામ ઉપરાંત દેશ-વિદેશમાં વસતાં હજારો વૈષ્ણવોએ મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે.
કેમ કે, દ્વારિકામાં બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન પોતાના મંદિરમાં દર્શનાર્થે આવતાં રાજાઓ, શેઠ, ગર્ભશ્રીમંત, મધ્યમવર્ગીય, ગરીબ સહિતના અસંખ્ય ભક્તો પૈકી અતિગરીબ એવા ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયાં હતાં અને દ્વારિકા નગરી છોડી ભક્ત બોડાણા સાથે ડાકોર આવીને હાલના શ્રી રણછોડરાયજી મંદિરમાં સ્થાયી થયાં હતાં. એટલે જ શ્રી રણછોડરાયજી ભગવાન ગરીબોના બેલી તરીકે ઓળખાય છે. માટે મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓમાં ગરીબોની સંખ્યા જ વિશેષ હોય છે. ત્યારે, મંદિરમાં ગરીબો સાથે આવા ભેદભાવથી વૈષ્ણવોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અલબત્ત, મંદિરમાં રવિવાર, વાર-તહેવાર, પુનમ તેમજ ઉત્સવોના દિવસોએ લાખોની ભીડ વચ્ચે VIP દર્શનથી અવ્યવસ્થા ન સર્જાય તે માટે VIP દર્શન માટે મેનેજરની પરવાનગી ફરજીયાત કરાઇ છે.
નિર્ણયનો વિરોધ હોય તે લેખિત આપે
મંદિરમાં VIP દર્શનને પગલે વૈષ્ણવોમાં ફેલાયેલાં રોષ બાબતે ડાકોર ટેમ્પલ કમીટીના ચેરમેન પરીન્દુ ભગત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં, તેઓએ જણાવ્યું હતું કે, અમે જે નિર્ણય લીધો છે તેનો વિરોધ કરતાં વૈષ્ણવો અમને લખીને આપે તો એ બાબત અમે ધ્યાને લઈશું.
યાત્રાળુઓની સુખાકારી માટે નિર્ણય લીધો
ડાકોર મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા જણાવે છે કે, ટેમ્પલ કમીટીના ટ્રસ્ટીઓએ આ નિર્ણય ખુબ જ સમજી વિચારીને અને આવનાર યાત્રાળુઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને લીધો છે. VIP દર્શનમાંથી જે રકમ આવશે તેમાંથી મંદિરના ડેલવોપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે. આ નાણાંનો અન્ય કોઈ ઉપયોગ કરાશેનહીં.