નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) પંચાયતની ચૂંટણી (Election) પૂરી થઈ ગઈ છે પરંતુ બિહારના (Bihar) કિશનગંજ શહેરને અડીને આવેલા બંગાળના ચકુલિયામાં આજે બીજા દિવસે પણ હિંસા (Violence) થઈ છે. બિહાર બોર્ડર પર ચકુલિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર ચાંદની ચોકમાં બીજેપી સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. દેખાવકારોએ રોડ પર ટાયરો સળગાવીને રામપુર-ચકુલિયા રોડ બ્લોક કરી દીધો હતો. તેમજ ત્યાં પાર્ક કરેલા વાહનોને (Vehicles) પણ આગ ચાંપી દીધી હતી.
દેખાવકારો ફરી મતદાનની માંગ કરી રહ્યા છે
સ્થળ પર હાજર પ્રદર્શનકારીઓએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોની માંગ છે કે ચકુલિયામાં ફરીથી મતદાન કરાવવામાં આવે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે શનિવારે અહીં ટીએમસી સમર્થકો દ્વારા ડઝનેક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા તેમજ મતદારો પર હુમલો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસને અનેક કોલ કરવા છતાં પોલીસ અથવા અર્ધલશ્કરી દળો આવ્યા ન હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે જ્યાં સુધી અહીં પુનઃ મતદાનની જાહેરાત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. લોકોએ કહ્યું કે TMC સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં દસથી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
મતદાન દિવસની હિંસામાં 18ના મોત
પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી માટે મતદાન દરમિયાન થયેલી હિંસામાં 18 લોકોના મોત થયા હતા.વધુમાં રાજ્યના કેટલાક ગામોમાં હરીફ જૂથો દ્વારા મતપેટીઓની તોડફોડ કરવામાં આવી હતી અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. મોટા ભાગના લોકોનું મોત ગોળી વાગવાથી થયું હતું. બીજી તરફ ભાજપ, ડાબેરી પક્ષોએ મતદાન દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા અંગે મમતા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તે જ સમયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ ચૂંટણી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે.