પશ્ચિમ બંગાળની હિંસા તૃણમૂલ કોંગ્રેસનાં બે જૂથો વચ્ચે ફાટી નીકળી હતી

પશ્ચિમ બંગાળથી જ્યારે પણ હિંસક ઘટનાના સમાચાર આવે ત્યારે તે હિંસા હિન્દુ-મુસ્લિમ રમખાણોના સ્વરૂપમાં હોય છે કે ભાજપ-તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની હરીફાઈના સ્વરૂપમાં હોય છે. ગઈ તા. ૨૧ માર્ચના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં જે આઠ લોકોને જીવતાં બાળી નાખવામાં આવ્યાં તે ઘટના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં બે જૂથો વચ્ચેની દુશ્મનાવટને કારણે બની હતી. કોલકાતાથી ૨૨૦ કિલોમીટરના અંતરે આવેલાં બોગટુઈ ગામમાં તૃણમૂલ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ ભાડુ શેખની તા.૨૧ માર્ચની સાંજે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તૃણમૂલ કોંગ્રેસના જ એક જૂથના પુરુષો દ્વારા કરવામાં આવી હતી. તરત જ ભાડુ શેખના સમર્થકો હાથમાં મશાલો લઈને વિરોધીઓના ઘરોમાં આગ ચાંપવા નીકળી પડ્યા હતા. તેમણે ભાડુ શેખની ભૂતપૂર્વ સહયોગી સોના શેખના ઘરને બહારથી બંધ કરીને આગ ચાંપી દીધી હતી. તેમાં ૬ મહિલાઓ, એક બાળક અને એક પુરુષ જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. અંદર રહેલી સોના શેખે પોતાની નજર સામે આ ઘટના નિહાળી હતી. જેમ તેમ કરીને તે પોતે બહાર આવી હતી. સોના શેખે પડોશીઓની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ રમખાણમાં મરનારાં મુસ્લિમ હતાં અને મારનારા પણ મુસ્લિમ હતાં. આ ઘટના પાછળ તૃણમૂલ કોંગ્રેસનું રાજકારણ જવાબદાર છે.

બોગટુઈ ગામમાં જે હિંસા ફાટી નીકળી તેના મૂળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ઘર કરી ગયેલું કટકીનું તંત્ર જવાબદાર છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને જેટલું પણ ભંડોળ ફાળવવામાં આવે તેમાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાનો હિસ્સો અચૂક રાખવામાં આવે છે. તદુપરાંત ગામમાં રેતી, કોલસો અને કપચીનો જે ગેરકાયદે કારોબાર ચાલે તેમાં પણ શાસક પક્ષના નેતાઓનો ભાગ હોય છે. આ કમાણીના ભાગલા પાડવાની બાબતમાં હિંસા આચરવામાં
આવે છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૯૦ ના દાયકા સુધી જે રાજકીય હિંસા ફાટી નીકળતી હતી તે ડાબેરી પક્ષોના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હતી. ધીમે ધીમે કોંગ્રેસનું સ્થાન તૃણમૂલ કોંગ્રેસે લીધું ત્યારથી ડાબેરી પક્ષો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની અથડામણો વધી ગઈ. ત્યાર બાદ મેદાનમાં ભાજપ આવ્યો.

ભાજપે મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન હાંસલ કર્યું તેને કારણે ભાજપના કાર્યકરો અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે હિંસક ઘટનાઓ વધવા લાગી. વિધાનસભાની ચૂંટણીમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો એકડો નીકળી જતાં પશ્ચિમ બંગાળમાં હવે મુખ્ય પક્ષ જ તૃણમૂલ કોંગ્રેસ બની ગયો છે. હવે લડવા માટે બીજો કોઈ પક્ષ ન હોવાથી તૃણમૂલ કોંગ્રેસમાં જ યાદવાસ્થળી શરૂ થઈ છે. બોગટુઈ ગામમાં ભાડુ શેખની હત્યા કરનારા પુરુષો વળતા હુમલાના ડરથી ગામ છોડીને ભાગી ગયા હતા. ગામની મહિલાઓએ ભયના માર્યા સોના શેખના ઘરમાં આશરો લીધો હતો. હિંસક ટોળાંએ તેમને જીવતાં બાળી નાખી ઘોર હિંસાનું પ્રદર્શન કર્યું હતું.

બોગટુઈ ગામની હિંસક ઘટનાના ત્રણ દિવસ પછી મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નિર્દેશ પર પોલીસે તૃણમૂલ કોંગ્રેસના નેતા અનારુલ હુસૈનની ધરપકડ કરી છે, તેનું કારણ પણ જાણવા જેવું છે. મમતા બેનરજીના કહેવા મુજબ અનારુલ હુસૈન રામપુર હાટ વિસ્તારના બ્લોક ૧ નો પ્રમુખ હોવાથી તેની ફરજ હિંસા રોકવાની હતી. તોફાની ટોળાંઓ બોગટુઈ ગામમાં આગ ચાંપી રહ્યાં હતાં ત્યારે ગામનાં લોકોએ મદદ માટે અનારુલ હુસૈનને ફોન કર્યા હતા, પણ તેણે એક પણ ફોનનો જવાબ આપ્યો નહોતો. અનારુલ હુસૈનનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેનો પરિવાર માટીના ઘરમાં રહેતો હતો. હુસૈન કડિયાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે મૂળભૂત રીતે કોંગ્રેસનો કાર્યકર હતો. ૧૯૯૮ માં તે તૃણમૂલમાં જોડાયો તે પછી તેનું ભાગ્ય ખૂલી ગયું હતું.

અનારુલ હુસૈને એક દાયકા સુધી તૃણમૂલ કોંગ્રેસના બ્લોક પ્રેસિડન્ટ તરીકે કામ કર્યું હતું. રામપુર હાટ વિસ્તારમાં આઠ ગ્રામ પંચાયત અને એક નગરપાલિકા તેના અધિકારમાં આવે છે. તેના ઉમેદવારો નક્કી કરવાની સત્તા હુસૈનને આપવામાં આવી છે. રામપુર હાટ વિસ્તારમાં જે ગેરકાયદે રેતીખનનનો બિઝનેસ ચાલે છે તેમાં હુસૈનનો ભાગ છે. તે હૂગલી જિલ્લાના સાંધિપુર ગામના વૈભવશાળી બંગલામાં રહે છે. હુસૈન અનેક બંગલાઓ અને લક્ઝરી કારોની માલિકી ધરાવે છે. તેને રામપુર હાટમાં તૃણમૂલ કોંગ્રેસનો બ્લોક પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યો તે પછી તેની વગ ખૂબ વધી ગઈ હતી. અત્યારે તે પોતાના વિસ્તારનો સૌથી મોટો સરકારી કોન્ટ્રેક્ટર બની ગયો છે.

૨૦૧૮ માં પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ ત્યારે અનારુલ હુસૈને તેના અખત્યારમાં આવેલી નવ પંચાયતોમાં કોઈ પણ વિપક્ષી ઉમેદવારને ચૂંટણીનું ફોર્મ જ ભરવા દીધું નહોતું. અમારુલ હુસૈન રામપુર હાટના વિધાનસભ્ય અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના નાયબ સ્પિકર આશિષ બેનરજીનો વિશ્વાસુ ગણાય છે. અગાઉ તે તૃણમૂલનાં નેતા અણુબ્રતા મંડલની નજીક મનાતો હતો, પણ દોઢ વર્ષ પહેલાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. હવે અનારુલ હુસૈનના ભત્રીજાએ આક્ષેપ કર્યો છે કે અણુબ્રતા મંડલે હુસૈનને આ કેસમાં ખોટી રીતે સંડોવી દીધો છે. તેમના આક્ષેપ મુજબ હુસૈને આગની ઘટનાની પોલીસમાં ફરિયાદ કરવામાં પણ વિલંબ કર્યો હતો.

બીરભૂમની ઘટનાના થોડા જ દિવસ પહેલાં તા. ૧૩ માર્ચના તૃણમૂલ કોંગ્રેસના બે નગરસેવકોની અલગ ઘટનાઓમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પાનિહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય અનુપમ દત્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ સ્કુટર પર જઈ રહ્યા હતા. તેના થોડા કલાકો પહેલાં જાલદાના કોંગ્રેસના નગરસેવક તપન કાંડુની પણ હત્યા કરવામાં આવી હતી. જાલદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં ચૂંટણી થઈ હતી, તેમાં કોઈને બહુમતી મળી નહોતી. તપન કાંડુ પર તૃણમૂલને ટેકો આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ પક્ષપલટો કરવા તૈયાર નહોતા, માટે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. હાવરામાં તા. ૧૯ ફેબ્રુઆરીના વિદ્યાર્થી નેતા અનિશ ખાનની હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે કે પોલીસે તેના ઘરમાં પ્રવેશીને તેને બીજા માળેથી ધક્કો માર્યો હતો, જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.

તાજેતરના મહિનાઓમાં પશ્ચિમ બંગાળમાં જેટલી પણ રાજકીય હત્યાઓ થઈ તેમાં બેનંબરના નાણાંનો વહીવટ જ કારણભૂત હોવાનું કહેવાય છે. તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તે વિસ્તારના માફિયા ડોન જેવી તાકાત ધરાવે છે. સ્થાનિક પોલીસે પણ તેમના આદેશ મુજબ પોતાની કામગીરી બજાવવી પડે છે. તે વિસ્તારમાં જેટલા પણ દારૂના, જુગારના, વેશ્યાના અડ્ડાઓ ચાલતા હોય તેની કમાણીમાં સ્થાનિક નેતાનો ભાગ હોય છે. તૃણમૂલને ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવે છે.  ચોરમાં મોર પડે તેમ ચોરીના માલની વહેંચણીમાં તકરાર પડે છે. તે ક્યારેક હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. રામપુર હાટના બ્લોક પ્રમુખ અનારુલ હુસૈનની ધરપકડ મમતા બેનરજીના આદેશથી કરવામાં આવી હતી, કારણ કે તે મમતાનો માણસ જ હતો. સીબીઆઈની તપાસમાં આ ઘટનાના બધા જ ગુનેગારોને બેનકાબ કરવા જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top