Comments

મુર્શિદાબાદમાં હિંસા મમતા માટે મુશ્કેલી સર્જશે

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ મુદે્ હિંસા થઇ છે એનાથી મમતા બેનર્જીની સરકાર માટે ફરી મુશ્કેલી સર્જાઈ છે. મમતા બેનર્જી હિંસા ભાજપના કારણે થઇ આવું કહીને છટકી શકે નહિ. ટીએમસીની સરકાર છે અને એનું તંત્ર કરે છે શું? પરિસ્થિતિને કાબૂમાં લેવાનું કામ સરકારનું છે, પોલીસનું છે અને એમાં સરકાર ને પોલીસ બંને નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં વકફ મુદે્ સુનાવણી ચાલુ છે અને કોર્ટે પણ આ હિંસા મુદે્ ટિપ્પણી કરી છે. અને બંગાળમાં હિંસાનો આ પહેલો બનાવ નથી. 2025માં પશ્ચિમ બંગાળમાં હિંસાના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક કારણો સામેલ છે. મુર્શિદાબાદ અને ચોવીસ પરગણા જેવા વિસ્તારોમાં વક્ફ સંશોધન બિલના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયાં. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, વાહનોને આગ લગાડી અને રસ્તાઓ અવરોધ્યા. આ ઘટનાઓમાં 3 લોકોનાં મોત થયાં અને 150 લોકો ઘાયલ થયાં.

અને અગાઉ 2024માં આ જ વિસ્તારમાં ગેરકાયદે દેશી બોમ્બ બનાવવા દરમિયાન વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત થયાં. 2025ની શરૂઆતમાં હિંદુ મંદિરો પર હુમલાના અહેવાલો સામે આવ્યા, જેમાં 7 મંદિરોમાં તોડફોડના આરોપો લાગ્યા. ભાજપે આરોપ લગાવ્યો કે રાજ્યમાં બાંગ્લા દેશ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જ્યારે TMCએ ભાજપ પર રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળમાં હિંસાના કિસ્સાઓ મોટા ભાગે રાજકીય પક્ષો (TMC, BJP) વચ્ચેના તણાવ, ધાર્મિક મુદ્દાઓ (જેમ કે વક્ફ બિલ) અને ગેરકાયદે પ્રવૃત્તિઓ (બોમ્બ બનાવવું) સાથે જોડાયેલા છે.

2026ની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં આવી ઘટનાઓ વધી શકે છે. પશ્ચિમ બંગાળમાં હિંસાના કિસ્સાઓના સંદર્ભમાં મમતા બેનર્જી સરકાર સામે પડકારો તો છે જ. વકફ મુદે્ હિંસા થઇ અને ગેરકાયદે બોમ્બ બનાવવાની ઘટનાઓ (જેમ કે ડિસેમ્બર 2024નો મુર્શિદાબાદ વિસ્ફોટ) સરકારની ગુનાખોરી નિયંત્રણની ક્ષમતા પર પ્રશ્ન ઊભા કરે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, વકફ બિલ બંગાળમાં લાગુ નહિ થાય એવી મમતા બેનર્જીની જાહેરાત છતાં હિંસા અટકી ના શકી. એ ઘણા સવાલો પેદા કરે છે અને મુર્શિદાબાદમાં હિંદુઓ પર હુમલા થયા છે અને હવે ટીએમસીનાં ચૂંટાયેલા નેતાઓ કહે છે કે, એમના ઘર પર પણ હુમલા થયા છે.

આ બધા વચ્ચે બાંગલા દેશમાં અસ્થિરતા છે અને ત્યાંથી પણ કેટલાંક તત્ત્વો બંગાળમાં કંઈક અણછાજતું બને એમાં રસ ધરાવે છે. એટલે કે, આ વાત સુરક્ષાના પ્રશ્નો પેદા કરે છે. બાંગ્લાદેશ સાથેની 2,296 કિ.મી.ની સરહદ પર ઘૂસણખોરી, નકલી ચલણ અને ઢોર-ચોરી જેવી સમસ્યાઓએ સરકાર પર દબાણ વધાર્યું છે. મમતાએ આ માટે કેન્દ્રની બીએસએફને જવાબદાર ઠેરવી, પરંતુ બીએસએફનો દાવો છે કે રાજ્ય સરકારે સરહદી ફેન્સિંગ માટે જમીન આપી નથી. મમતાએ પોતાના પક્ષના નેતાઓ અને વહીવટી અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ખંડણીના આરોપો લગાવ્યા છે, જેનાથી TMCની છબીને નુકસાન થયું છે.

આ આંતરિક સમસ્યા હિંસાના સંચાલનમાં વધુ અવરોધો ઊભા કરે છે. એટલે કે, મમતા સરકાર ઘણી બધી રીતે ઘેરાઈ છે. જેમાં કાયદો-વ્યવસ્થા, રાજકીય ધ્રુવીકરણ, ધાર્મિક તણાવ, સરહદી સુરક્ષા અને જનવિશ્વાસ જાળવવાનો સમાવેશ થાય છે. આ પડકારોનો સામનો કરવા મમતાએ શાંતિ જાળવવા અપીલ કરી અને વક્ફ કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ ભાજપના આરોપો અને સ્થાનિક અસંતોષે સ્થિતિને જટિલ બનાવી છે. 2026ની ચૂંટણી નજીક આવતાં, આ મુદ્દાઓ TMCની રાજકીય સ્થિતિને અસર કરી શકે છે.

વક્ફ (સંશોધન) બિલ 2025ના વિરોધમાં મુર્શિદાબાદ અને 24 પરગણામાં થયેલી હિંસા, તેમ જ સંદેશખાલી અને આર.જી. કર મેડિકલ કોલેજની ઘટનાઓને લઈને રાષ્ટ્રપતિ શાસનની માંગ જરૂર ઊઠી છે.  બાંગ્લા દેશની અસ્થિરતા અને 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થિરતા જાળવવી પ્રાથમિકતા છે. જો કે, ભાજપ રાષ્ટ્રપતિ શાસનને બદલે ચૂંટણી દ્વારા TMCને પડકારવાનું વધુ પસંદ કરે છે. કારણ કે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો એનો લાભ મમતા જરૂર ઉઠાવી શકે. એના કરતાં ભાજપ હિંસાની ઘટનાઓ મુદે્ આગામી ચૂંટણીમાં ટીએમસીને ભીંસમાં લે એ વધુ ભાજપ માટે ઇચ્છનીય છે. ભાજપ બંગાળમાં મમતાને હજુ હરાવી શક્યું નથી પણ આગામી ચૂંટણી મમતા માટે આસાન નહિ રહે એ નક્કી છે.

રાહુલ ગાંધી ગુજરાતને સફળતાનો રસ્તો બનાવવા માગે છે
કોન્ગ્રેસના અધિવેશન બાદ રાહુલ ગાંધી ફરી બે દિવસ ગુજરાતમાં આવ્યા અને કેટલીક બાબતોએ સોઈ ઝાટકીને વાત કરી છે. લગ્નના અને રેસના ઘોડા જુદા કરવામાં આવશે. બની બેઠેલા નેતાઓ અને ભાજપ સાથે સુંવાળા સંબંધો ધરાવતા નેતાઓને અલગ પાડવામાં આવશે. ટિકિટ આપવાની વાત આવે તો સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લેવાશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભાજપ અને આરએસએસને હરાવી શકાય છે અને એની શરૂઆત ગુજરાતથી થશે. આવી વાત કહેવી આસાન છે પણ એવું પરિણામ લાવવું બહુ અઘરું છે. એનું કારણ એ છે કે, ગુજરાત કોંગ્રેસ વેરવિખેર છે. અનેક નેતાઓ ભાજપમાં ગયા છે અને હજુય કેટલાક જશે. આ સ્થિતિમાં હતાશ–નિરાશ કાર્યકર્તાને ઉત્સાહિત કરવાના છે અને એમાં કોન્ગ્રેસના નેતાઓ કેટલા સફળ થશે એ કહેવાનું મુશ્કેલ છે.

કોંગ્રેસ પાસે કોઈ એવો ચહેરો નથી કે જે આખું ગુજરાત સ્વીકારે. ઉપરથી આપનો પડકાર છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો એમાં આપની મુખ્ય ભૂમિકા રહી. એ વિષે કોઈ ચર્ચા કરતું નથી. છેલ્લે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ એ જ થયું. એકડે એકથી શરૂઆત કરવી પડે એમ છે અને આગામી ચૂંટણી સુધીમાં બધું ગોઠવાઈ જાય એવું તો લાગતું નથી. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં એનો સ્કોર સુધારે તો પણ મોટી સિદ્ધિ ગણાશે. રાહુલ ગાંધી ઉત્સાહ લાવવા માગે છે પણ જમીની સ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની આવશ્યકતા છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top