National

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી, જીરીબામમાં 5ના મોત

મોઈરાંગઃ મણિપુરના મોઇરાંગમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર હુમલાના બીજા દિવસે આજે શનિવારે તા. 7 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં આજે સવારે ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. ઈમ્ફાલમાં મણિપુર રાઈફલ્સ હેડક્વાર્ટર પર ટોળાએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં 5 લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર જીરીબામમાં બની હતી. શંકાસ્પદ આતંકવાદીઓએ એક ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ માણસને જ્યારે તે સૂતો હતો ત્યારે ગોળી મારી દીધી હતી. મૃતકની ઓળખ કુલેન્દ્ર સિંહા તરીકે થઈ હતી. તે ઘરમાં એકલો જ રહેતો હતો.

જીરીબામમાં કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ગોળીબાર બાદ વડીલની હત્યા કરવામાં આવી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. સવારથી આ વિસ્તારમાં સતત ગોળીબાર થઈ રહ્યો હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

ટોળાએ ઇમ્ફાલમાં મણિપુર રાઇફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો બીજી તરફ ટોળાએ શુક્રવારે તા. 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં મણિપુર રાઇફલ્સના મુખ્યાલય પર હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલ ટોળું સુરક્ષા દળો પાસેથી હથિયારો છીનવી લેવા માંગતું હતું. પોલીસે CRPF જવાનો સાથે મળીને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પેલેટ ગનથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મોક બોમ્બ અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો અને ભીડ વચ્ચે આખી રાત સંઘર્ષ ચાલુ રહ્યો. જેમાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને JNIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હથિયારો કે દારૂગોળાની લૂંટની કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે બંને સ્થળોએ થયેલી હિંસામાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.

હિંસા બાદ રાજ્યમાં તમામ શાળા-કોલેજો બંધ છે
રાજ્યમાં તણાવને જોતા તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મણિપુર અખંડિતતા પરની સમિતિ (COCOMI) એ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં શટડાઉન અને જાહેર કર્ફ્યુની હાકલ કરી છે. સવારથી ઇમ્ફાલમાં તમામ દુકાનો બંધ છે. રસ્તાઓ અને બજારો નિર્જન છે.

Most Popular

To Top