જ્યારથી કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ બંને પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ બ્રિજ ભૂષણને ખુલ્લો પડકાર આપ્યો છે. વિનેશ કોંગ્રેસની ટિકિટ પર જુલાના સીટથી હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તેનો ઉલ્લેખ કરીને બજરંગે WFIના પૂર્વ પ્રમુખને પડકાર ફેંક્યો છે.
એક ઈન્ટરવ્યુમાં જ્યારે બજરંગ પુનિયાને કહેવામાં આવ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ કહી રહ્યા છે કે તેઓ હરિયાણામાં વિનેશ ફોગાટ વિરુદ્ધ પ્રચાર કરવા આવશે તો બજરંગ પુનિયાએ કહ્યું કે તમે તમારી પાર્ટી તરફથી આવો છો. જો તમારામાં હિંમત હોય તો વિનેશ ફોગાટ વિરૂદ્ધ જોરદાર પ્રચાર કરો. અમે ક્યાં ના પાડીએ છીએ. બધું જનતાના હાથમાં છે. ચાલો જોઈએ કે જનતા તમારું સ્વાગત કેવી રીતે કરશે. તમે વિનેશ વિરુદ્ધ પ્રચાર કરવા આવો.
અગાઉ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ સંજય સિંહે કહ્યું હતું કે આંદોલનકારી ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ થવો જોઈએ. વિનેશ જ્યાં હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહી છે. ત્યારે બજરંગ પુનિયા હજુ ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસે બજરંગ પુનિયાને કિસાન મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે.
જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી. જોકે ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશે CASમાં સિલ્વર મેડલની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેનો કેસ ફગાવી દીધો હતો. આ પછી જ્યારે વિનેશ ભારત પરત આવી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ વિનેશને રિસીવ કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.