Business

બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિ.મી.ની અંદર વસેલું ગામ: તરભોણ

બારડોલી-નવસારી મુખ્ય ધોરી માર્ગ પર પારડીવાઘા નોગામાથી 2 કિ.મી.ની અંદર વસેલું તરભોણ ગામ સરકારી યોજનાઓ અને NRI તેમજ ગ્રામજનોની મદદથી વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે. ગામના ઇતિહાસ વિશે માંડીને વાતો કરતાં વડીલો જણાવે છે કે, ‘તરભાણું’ (પૂજા કરવાનું ચાંદી કે તાંબાની નાની થાળી) પરથી અપભ્રંશ થઈને ગામનું નામ ‘તરભોણ’ પડ્યું હોવાની લોકવાયકા પ્રવર્તે છે. જો કે, આ બાબતે ચોક્કસ કહી શકાય એમ નથી. તેઓ એવો દાવો પણ કરે છે કે, નજીકમાં આવેલા વડોલી અને સરભોણ ગામ કરતાં પણ તરભોણ ગામ પહેલા વસ્યું હતું. 17મી સદીમાં શિવાજી જ્યારે સુરત પર ચઢાઈ કરતા ત્યારે અહીં તેમનો છેલ્લો મુકામ રહેતો હતો. તરભોણ ગામથી એકાદ કિ.મી.ના અંતરે આવેલી એક ઊંચી ટેકરીવાળો વિસ્તાર જેને લોકો ડુંગરી તરીકે ઓળખે છે તે વિસ્તારમાં શિવાજીનું ભોંયરું હોવાની માન્યતા છે. જો કે, તે હજી સુધી મળી શક્યું નથી. હાલ તો આ ડુંગરી વિસ્તારમાં મોટાપાયે ખોદકામ કરી દેવામાં આવતાં તેની ઊંચાઈ ખાસ્સી એવી ઘટી ગઈ છે. ગામમાં અનાવિલ બ્રાહ્મણો પણ શિવાજીના સૈન્ય સાથે જ આવ્યા હોવાની માન્યતા છે. તેઓ શિવાજીના સૈન્યમાં નાયક તરીકે ભરતી થયા હતા. મહારાષ્ટ્ર તરફથી આવીને બાપદાદા તરભોણમાં વસ્યા હતા એવી લોકવાયકા પ્રવર્તે છે. આ ઉપરાંત ધીમે ધીમે પ્રભાસપાટણ તરફથી પાટીદારોનું આગમન થયું હોવાનું અનુમાન છે. આજે ગામમાં હળપતિ સમાજની વસતી બહુમતી છે. મુખ્યત્વે ખેતમજૂરી સાથે જોડાયેલો આ સમાજ ધીમે ધીમે પશુપાલન વ્યવસાય તરફ વળી રહ્યો છે. આ ઉપરાંત ગામમાં રાજપૂત, આહીર, માહ્યાવંશી, મૈસુરિયા, લુહાર, દરજી, ગઢવી (ચારણ), કોળી પટેલ સહિતની વસ્તી હળીમળીને રહેતી આવી છે. આ ઉપરાંત પારસી સમાજ અને કેટલાક પરિવારો રાજસ્થાનથી આવી અહીં વ્યવસાય કરે છે. ગામને પારડીવાઘા, ખરડ, છીત્રા, અમરોલી, ભૂવાસણ અને વડોલીની સરહદ સ્પર્શે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખાસ કરીને પાટીદાર, આહિર અને અનાવિલ સમાજ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. જ્યારે આહીર અને આદિવાસી સમાજ પશુપાલન વ્યવસાય કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. મહુવા, બારડોલી, ગણદેવી અને ચલથાણ સુગર ફેક્ટરી નજીક પડતી હોય મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતી કરતાં આવ્યા છે. આ ઉપરાંત ડાંગર અને શાકભાજીની ખેતી પર પણ ખેડૂતો હાથ અજમાવી રહ્યા છે. નવસારી નજીક પડતું હોય અહીં આવેલી રાઈસમિલોમાં ડાંગર મોકલવું સરળ હોવાથી ખેડૂતો પૂરક પાક તરીકે ડાંગરની ખેતીને અપનાવે છે.

ગામમાં દૂધડેરીનો વહીવટ મહિલાઓના હાથમાં


તરભોણ ગામ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલું હોવાથી ગામમાં વર્ષો પહેલા સુમુલ ડેરી સંલગ્ન દૂધમંડળી ચાલતી હતી. જો કે, કોઈક કારણોસર વર્ષો પહેલા તે બંધ પડી ગઈ હતી. ગામના પશુપાલકોને દૂધ વેચાણ માટે મુશ્કેલી પડતી હોવાથી ગામના નવયુવાનો અને વડીલોએ વર્ષ-2013માં ગામમાં સુમુલ ડેરીના સહયોગ તરભોણ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરૂ કરી હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે નીતાબેન ચંદ્રકાંત રાઠોડ રહ્યાં હતાં. આ મંડળીનો સંપૂર્ણ વહીવટ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. હાલ મંડળીનાં પ્રમુખ તરીકે રીટાબેન જયેશભાઇ હળપતિ સેવા આપી રહ્યાં છે. આ ડેરીમાં તરભોણ ઉપરાંત છીત્રા, ખરડ, પારડીવાઘા, નોગામા, કુવાડિયાના પશુપાલકો દૂધ ભરવા માટે આવે છે. સવાર-સાંજ અહીં 800થી 900 લિટર જેટલું દૂધ એકત્રિત થાય છે. દૂધના સંગ્રહ માટે અહીં 2000 લિટરનું ચીલિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. જે દૂધ બાદમાં ટેન્કર મારફતે સુરત ખાતે આવેલું સુમુલ ડેરીમાં પહોંચાડવામાં આવે છે.
સવાસો વર્ષ પહેલા પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી
તરભોણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા આજે સવાસો વર્ષની થવા જઈ રહી છે. વર્ષ-1897માં ગામના જ પાટીદાર

લાલાભાઈ ઉકાભાઈ પટેલે આ શાળાની સ્થાપના કરી હતી અને તેઓ જ ગામના પહેલા આચાર્ય પણ રહ્યા હતા. તેમના વંશજ અને ગામના આગેવાન આતિશ બીપીન પટેલ જણાવે છે, અમારા પરદાદા જે શાળાની સ્થાપના કરી ગયા હતા, તે જ શાળામાં અમે અભ્યાસ કર્યો તેનો અમને ગર્વ છે. સવાસો વર્ષ પહેલા ગામને શિક્ષિત બનાવવાની તેમની દીર્ઘદૃષ્ટિ આજે અમારા ગામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે આ શાળા સરકાર હસ્તક છે, જેમાં ગરીબ આદિવાસી સમાજનાં બાળકો ભણીને આગળ વધી રહ્યા છે. 1997માં શાળામાં રંગેચંગે 100 વર્ષની ઉજાણવી કરી હતી. તેઓ વધુમાં જણાવે છે કે, હવે સવાસો વર્ષે ભલે તેનું મકાન બદલાયું હોય પણ આજે પણ શાળા જાણે અમારા ગામના વડીલની ગરજ સારી રહી હોય તેમ અમને હંમેશાં માર્ગદર્શન આપતી અડીખમ ઊભી છે. જે ગામ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અહીં આજે ધોરણ-1થી 8 સુધીનાં બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યાં છે. એટલું જ નહીં શાળાથી દૂર વસતાં બાળકો શિક્ષાથી વંચિત ન રહી જાય એ માટે સાતડિયા ફળિયામાં વધુ વર્ગ શાળા પણ ચાલી રહી છે.
ગામમાં સહકારી મંડળીની શરૂઆત
તરભોણ ગામ હવે સહકારિતાની ભાવના સાથે પણ આગળ વધી રહ્યું છે. મહિલા દૂધમંડળીની સ્થાપના બાદ ગામના યુવાનોએ આજુબાજુના ગામના લોકો સાથે ભેગા મળી આ જ વર્ષે ગામમાં તરભોણ છિત્રા વિભાગ સેવા સહકારી મંડળીની સ્થાપના કરી છે. અગાઉ ગામમાં તરભોણ વિભાગ સેવા સહકારી મંડળી કાર્યરત હતી જે કોઈક કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને ફરીથી જીવંત કરવાનો મોકો ગામના નવયુવાનોએ ઝીલી લીધો અને આજે તમામ સભાસદોના સહકારથી ગામમાં નવી મંડળી ઊભી થઈ છે. આ મંડળી હાલ તો ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે કાર્ય કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં ગ્રાહક ભંડાર સહીતની સેવા પણ શરૂ કરવાની વિચારણા હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. હાલ મંડળીમાં સાત ગામો જેમાં તરભોણ ઉપરાંત ખરડ, છિત્રા, નોગામા, પારડીવાઘા, વડોલી, રાણત, વડોલી, કૂવાડિયા અને વાઘેચનો સમાવેશ થાય છે.
ગામમાં 40થી 50 વીઘાં ગોચર જમીન
હાલ અનેક ગામોમાં ગોચરની જમીન શોધતા જડતી નથી. ત્યારે તરભોણ ગામ પાસે 40થી 50 વીઘાં ગોચરની જમીન આવેલી છે. આ જમીનમાં હાલ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નર્સરી બનાવવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણ માટે પહોંચાડવામાં આવે છે.
તરભોણના નરસિંહભાઈ ભૂલાભાઈ પટેલનો શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ફાળો
તરભોણ ગામના વડીલો શિક્ષણની જરૂરિયાત પર વર્ષોથી જ ભાર મૂકતા આવ્યા છે. જેના કારણે આ ગામ આજે પ્રગતિનાં સોપાનો સર કરી રહ્યું છે. શિક્ષણના કોઈપણ કાર્ય હોય વડીલો આગળ આવે છે. ગામના વડીલોને શિક્ષણની ધૂણી ધખાવવાની જાણે લત લાગી ગઈ હોય તેમ વધુ એક વડીલે આઝાદી પછી તરત જ વર્ષ-1955ની આસપાસ ગામમાં હાઈસ્કૂલ શરૂ થાય એ માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, નજીકના સરભોણ ગામમાં આવેલી એન.બી.પટેલ સરભોણ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલનો પાયો નાંખવામાં પણ તરભોણના નરસિંહભાઈ ભૂલાભાઈ પટેલનો જ મહત્ત્વનો ફાળો રહેલો છે. તેમણે આપેલા માતબર દાનને કારણે જ આજે સ્કૂલ તેમના નામથી ચાલી રહી છે.

Most Popular

To Top