Comments

ગ્રામ પંચાયતો ઉનાળામાં જળ વ્યવસ્થાપનના કાર્યોમાં અગ્રેસર બને

૧૯૬૦ના દાયકાથી શરું થયેલ હરિયાળી ક્રાન્તિનાં કારણે ખેતીના મુખ્ય પાકોની ઉત્પાદકતામાં ૨૬થી ૩૦ ટકાનો વધારો થયો છે. ગુજરાત જેવા વ્યાપારી રાજ્યમાં પણ ૭૦% લોકો ખેતી પર આધાર રાખી આર્થિક વિકાસ સાધી શકે છે. નર્મદા અને આનુષંગિક જળ સંગ્રહ પ્રચલિત થતાં રાજ્યની કુલ જમીનમાં ૩૨.૭% અર્થાત ૩૬.૫૪ લાખ હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે. 

પરંતુ હરિત ક્રાન્તિનું શસ્ત્ર આઝાદીના આઠમાં દાયકામાં હવે વસ્તીના વધારાની વ્યાપક માંગને પહોંચી વળે તેવું ધારદાર રહ્યું નથી, ત્યારે કૃષિ ઉત્પાદનમાં હજુ વધારો કરવા માટે રાસાયણિક ખાતરો સાથે જૈવિક ખાતરનો સુમેળ, પરંપરાગત બિયારણનાં બંધારણમાં ફેરફાર કરી તેને વધુ ઉત્પાદક બનાવવા સાથે કૃષિ ઓજારો અને સિંચાઈના પ્રમાણસર ઉપયોગની પદ્ધતિ દાખલ કરવી પડશે. હરિયાળી ક્રાન્તિનાં કેન્દ્રસ્થાન એવાં ખેડુત, જમીન, પાક, પાણી અને રાસાયણિક ખાતર-દવાને બીજા તબક્કામાં પહોચાડવા કૃષિ અને કૃષિ ઉત્પાદનને સમગ્રતાથી જોવું પડશે.

પિયત બીજાં બધાં પરિણામોની તુલનામાં પાક ઉત્પાદનમાં ૩૭% જેટલો સહયોગ આપે છે. પરંતુ પિયતનું પાણી ખૂટતું જાય છે. વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં આજે પણ ૫૭% કૃષિ આકાશી મહેર ઉપર નભે છે. જમીનમાં ભેજ સંરક્ષણ માટે ઊભા પાકોમાં મન્ચિંગ ટેકનોલોજી વિકસાવી શકાય તો પાકમાં નીંદણ ઘટે, જમીનમાં ભેજ વધે અનિયમિત વરસાદી હવામાનને અનુકૂળ પાકોનું પૂરક આયોજન થઈ શકે. આ વિષયે ઇઝરાયલની જાહાલ એન્જિનિયરિગ નામની કંપનીએ ગુજરાતનાં જળ-વ્યવસ્થાપનની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને લક્ષમાં રાખી પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે

(૧) સરદાર સરોવર પ્રોજેકટની નર્મદા કૅનાલનું સબ માઇનોરને પૂર્ણ કરવાનું બાકી કાર્ય ત્વરાથી પૂર્ણ કરવું જેથી પાણીની જરૂરિયાતવાળા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓની ખેતીમાં ઉત્પાદકતા જળવાઈ રહે. (૨) સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જ્યાં નહેરનો લાભ નથી મળવાનો ત્યાં નાની કૅનાલોને મુખ્ય નહેર સાથે જોડી ચોમાસામાં ગુજરાતની પૂર્વ પટ્ટીની ૧૧ મુખ્ય નદીઓમાં વધારાનાં પાણીના જથ્થાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. (3) વરસાદી પાણીના રીચાર્જ માટે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરેલ કૂવાઓની ડિઝાઈન પ્રચલિત કરી શહેર અને ગામડાઓમાં ખાસ યોજનાઓ તૈયાર કરવી.

 (૪) ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા બનાસકાંઠા તેમજ મધ્ય સૌરાષ્ટના પ્રદેશોમાં જ્યાં પાણીનાં તળ ઊંડાં ગયાં છે અને નદીના પટ સૂકા થયા છે, ત્યાં સૂકી નદીના પટમાં રિચાર્જ કૂવા કરવા જેથી ચોમાસાનું પાણી નદીના પૂરમાં વહી જતું અટકે જમીનમાં માટીના ક્ષારો ધોવાય. (૫) પથરાળ જમીનવાળા પ્રદેશો એવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યાં ઊંડા કૂવા કરવા શક્ય નથી, ત્યાં પણ નદી આસપાસ તળાવો ખોદી વહી જતાં પાણીને જમીનમાં ઉતારવું જોઈએ. (૬) રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતોને પોતાની સીમ હદમાં રહેલ જળ સંગ્રહ માટેની સેટેલાઈટ ઇમેજ નકલ સ્વરૂપે આપવી જોઈએ.

ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો ઉપયોગ ૬૮ ટકા છે, જ્યારે જમીન પરનાં તળાવ અને નદીઓ-નહેરનાં પાણીનો ઉપયોગ ૩૨ ટકા થાય છે. પરિણામે નદીનાં પાણી દરિયામાં વહી જાય છે અને ભરાઈ રહેલા તળાવનાં પાણી બાષ્પીભવનથી ખાલી થઈ જાય છે. એકંદરે ગુજરાતમાં ભૂગર્ભજળનો વપરાશ વધારે છે. આથી તળાવ, નદી, ખેત તલાવડી ઉપયોગમાં લેવાનો અભિગમ પ્રચલિત કરવો જરૂરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભજળના અનિયંત્રિત વપરાશથી દરિયાનાં પાણી મીઠા જળના સ્રોતોમાં પ્રવેશ્યાં છે અને પાણી ખારાં થયાં છે, ત્યાં રિવર્સ ઓસ્મોસીસ જેવી ટેકનોલોજી અપનાવવાથી ખારું પાણી મીઠું થઈ શકે છે. દરિયાકાઠાંના વિસ્તારોના કૂવા વરસાદી પાણીથી રીચાર્જ કરવાથી દરિયાનું પાણી કૂવામાં પ્રવેશતું અટકશે ઇઝરાયલના કૃષિ ઈજનેરો પોતાની નોંધમાં જણાવે છે કે :

જળસ્રોત વ્યવસ્થાપન રાજ્ય સરકારોનો વિષય હોઈ, ગુજરાતમાં પિયત વ્યવસ્થામાં ખેડૂતોની ભાગીદારી સુસ્પષ્ટ કરવી જરૂરી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખેડૂતોની જળ-વ્યવસ્થાપનમાં સક્રિયતા વધારવી. સિંચાઈ અને કૃષિ વિભાગ એક જ વહીવટ હેઠળ લાવવા અથવા તો સરકાર કક્ષાએ જરૂરી સંકલન કરવું. પાક સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ ખૂબ મહત્ત્વનો છે. ખેડૂત રોગ અને જીવાંત વિશેની વૈજ્ઞાનિક માહિતીના અભાવે દવાના વેપારીઓની ભલામણ પ્રમાણે દવાઓ છાંટતો હોય છે, પરિણામે ખેતીને લાભ મળતો નથી, અને માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, દવાની માત્રા અંગે માહિતી આપી ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવું જોઈએ…

ગુજરાતમાં ૬૬ ટકા વિસ્તારમાં કૂવાનાં પાણી મહદંશે ભાંભળાં (ખારાં) અને જરૂરિયાત કરતાં ઓછાં છે. પાણીનો ઉપયોગ કરતી વખતે ખેડૂતો પાસે પાણી, જમીન અને પાકની માવજત તથા પિયતપદ્ધતિની જાણકારી હોવી આવશ્યક છે. પાણીમાં કેવા પ્રકારના અને કેટલા પ્રમાણમાં ક્ષાર છે તેની માહિતી દ્વારા ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. ચોમાસામાં વરસાદનાં કે નદી, ઝરણાંનાં પાણીને કૂવામાં ફિલ્ટર પદ્ધતિથી જમીનમાં ઉતારી ભૂજળનો જથ્થો વધારવાથી કૂવાના પાણીની ગુણવત્તા સુધરે છે.

કૂવાના પાણીમાં સોડિયમ ક્ષારોનું પ્રમાણ વધારે હોય, ત્યારે પાણીને જિપ્સમનાં થરોમાંથી પસાર કરવાથી પાણીની પી.એચ ઘટાડી શકાય છે. આવતાં દસ વર્ષમાં તો ગુજરાત વોટર ગ્રીડ થકી વર્ષે ૧૪૦૦૦ કરોડનું ખેત ઉત્પાદન કરી હરણફાળ ભરશે. પરંતુ આ માટે હરિયાળી ક્રાન્તિ પછીનાં સંકલિત કૃષિ વ્યવસ્થાપનના માર્ગે વળવું પડશે. અને આ ઍજન્ડાના અગ્રભાગે જળ વ્યવસ્થાપન અનિવાર્ય બને છે. માર્ચ થી જૂન સુધીના સમયમાં કૃષિ લક્ષી કામો ઘટી જાય છે. ત્યારે ગ્રામ પંચાયતો ખેડૂતોના શ્રમ યોગદાનથી જળ વ્યવસ્થાપનનું કાર્ય કરે તો ચોમાસું સોળ આની બની ખેડૂતને નિશ્ચિત વિકાસ તરફ દોરી શકાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top