ડાંગ જિલ્લામાં પશુપાલન અને દૂધડેરીના વ્યવસાયમાં સધ્ધરતા મેળવી વિકાસનાં ડગલાં ભરતું વઘઈ તાલુકાનું ગામ
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને દૂધડેરીના વ્યવસાય થકી આર્થિક રીતે સધ્ધર ગામ એટલે દગુનિયા. આ ગામ ચોતરફ ડુંગરોની વચ્ચે ખીણમાં સમથળ અને ટેકરાળ ભૂમિ પર આવેલું છે. દગુનિયા ગામની ચારેબાજુ નજર નાંખીએ તો ચોતરફ પર્વતો અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. દગુનિયા ડાંગ જિલ્લાનું છેવાડેનું અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદીય વિસ્તારમાં આવેલું ગામ છે. આ ગામમાં જવું હોય સાપુતારા-વઘઇ રાજ્ય ધોરી માર્ગના સાકરપાતળ ગામ થઈ જવાય છે. જ્યારે બીજી બાજુથી બારીપાડા-સુરગાણાને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગના નડગચોંડ ગામથી સૂપદહાડ થઈ દગુનિયા ગામ જઈ શકાય છે. આ ગામથી મહારાષ્ટ્રની સરહદ પણ નજીક પડે છે. આ ગામની ચોતરફ ડુંગરો અને જંગલો હોય તથા ખીણમાં અંબિકા નદીને જોડતી ઈદલાખાડીની કોતર પણ પસાર થતી હોવાથી ચોમાસા અને શિયાળાની ઋતુમાં કુદરતી સંપદા જાજરમાન બની સોળે કળાએ ખીલી ઊઠે છે. દગુનિયા ગામ ખીણમાં આવેલું હોવાથી ચોમાસાની ઋતુમાં આ ગામનું વાતાવરણ આહલાદક બની રહે છે. આ ગામમાં 10 મહિના સુધી પાણી ભરપૂર જોવા મળે છે. પાનખર ઋતુમાં જંગલોનાં ઝાડ પરથી પાંદડાં ખરી પડતાં ખીણમાં સમથળ અને ટેકરાળ ભૂમિ પર માત્ર કાચાં મકાનોની જ ઝલક જોવા મળે છે. આ ગામ પશુપાલન ક્ષેત્રે ઊભરી આવતાં ગામનું લોકજીવન ખરેખર ગામડાનો અહેસાસ કરાવે છે.
દગુનિયા ગામ જંગલો અને ડુંગરોની ખીણમાં સમથળ તથા ટેકરાળ ભૂમિ પર નદીના કોતરના કાંઠે આવેલું હોવાથી આ ગામના નામની એક લોકવાયકા પણ વડીલો પાસે સાંભળવા મળે છે. એક લોકવાયકા મુજબ જંગલ અને ડુંગરોની ખીણમાં સમથળ અને ટેકરાળ ભૂમિ પર વહેતી અંબિકા નદીને જોડતી ઈદલાખાડીના કોતરના (પાણીના દહાડ) પાસે ડાંગી બોલીમાં “દગડ”એટલે પથ્થરો પર સૌ પ્રથમ ભીલ સમુદાયના લોકોએ વસવાટ શરૂ કર્યો હતો. વર્ષો અગાઉ અહીં ઈદલાખાડીના દહાડના પથ્થરો ઉપર તથા નજીક ભીલ લોકોએ કુટુંબ કબીલા સાથે વસવાટ શરૂ કરતાં પથ્થરો અને પાણીના કોતર ઉપરથી આ ગામનું નામ દગુનિયા પડ્યું હોવાનું જણાઈ આવે છે. આ ગામનું નામ પાણીના દહાડ નજીક પથ્થરો એટલે દગડના નામકરણથી દગુનિયા ગામનું નામ પડ્યું હોવાનું જાણવા મળે છે. અહીં ખીણમાં ઈદલાખાડીના કોતર નજીકના સમથળ જંગલ વિસ્તારમાં સૌપ્રથમ ભીલ લોકોએ ફળિયું બનાવી વસવાટ શરૂ કર્યો. બાદ કુનબી, કોંકણી અને વારલી જ્ઞાતિના લોકો આવ્યા હતા. અને અહીં તમામ જ્ઞાતિના લોકોએ ગામનું નામકરણ દગુનિયા પાડી સંપીને વસવાટ શરૂ કર્યો.
આ ગામના 100 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે નજીકનાં સ્થળોએ ધંધા-રોજગાર અર્થે જાય છે. થોડાક લોકો મહારાષ્ટ્રના સરહદીય વિસ્તારમાં દ્રાક્ષ તથા શાકભાજીની વાડીઓમાં મજૂરીકામ અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની અને શિયાળુ તથા ઉનાળુ ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર પણ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ સારી રીતે કરી રહ્યા છે. આ ગામમાંથી માત્ર એકાદ કુટુંબ શેરડી કાપણી માટે સુગર ફેક્ટરીઓમાં જાય છે.
આ ગામ સાકરપાતળથી 9 કિલોમીટરના અંતરે, જ્યારે નડગચોંડથી 7 કિમીના અંતરે અંતરિયાળ અને સરહદીય વિસ્તારમાં આવેલું ગામ છે. દગુનિયા ગામથી અડીને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર લાગુ પડતી હોવાથી અમુક લોકો ધંધા-રોજગાર અર્થે મહારાષ્ટ્રમાં પણ જાય છે. અને મહારાષ્ટ્રમાં બાગાયત તથા શાકભાજીઓની વાડીઓમાં રોજગારીની સાથે આવકનું ઉપાર્જન મેળવે છે. હાલ દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સૂર્યાબરડા, દગુનિયા, સુપદહાડ, ઘોડવહળ, લહાનબરડા અને મોટા બરડા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી બે ટર્મમાં ગ્રુપ ગ્રામ પંચાયત દગુનિયામાં ભાજપા-કોંગ્રેસની બોડીનો દબદબો જોવા મળ્યો છે.
ગ્રુપ ગ્રામ પંચાયત દગુનિયા સહિત જિલ્લા પંચાયતમાં બરડા સીટ પર દગુનિયા ગામના ગાવીત કુટુંબના કાકા ભત્રીજો છેલ્લાં 25 વર્ષથી શાસન કરી રહ્યા છે. દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતની વાત કરીએ તો ગત ટર્મમાં અહીં કોંગ્રેસની બોડી બહુમતીથી ચુંટાઈ આવી હતી. હાલમાં ભાજપાની બોડીમાંથી આશાબેન હર્ષદભાઈ ગાવીત ગ્રુપ ગ્રામ પંચાયત દગુનિયામાં બિનહરીફ મહિલા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યાં છે.
અહીં ત્રણ ટર્મ માટે સરપંચ અને બે ટર્મથી જિલ્લા સદસ્ય તરીકે ભાજપા પેનલના લાલભાઈ વાળલભાઈ ગાવીત ચુંટાઈ આવ્યા છે. હાલમાં દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લાં અઢી વર્ષથી સરપંચ તરીકે આશાબેન ગાવીત હોદ્દો ભોગવી રહ્યાં છે. તેઓ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામડાં સહિતનાં વિસ્તારના વિકાસકીય કામોમાં ભાગીદાર બન્યાં છે. હાલ આ મહિલા સરપંચ તલાટી કમ મંત્રી તથા જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવીતના માર્ગદર્શન મુજબ વિકાસકીય કામો કરી રહ્યાં છે. દગુનિયા ગામના યુવા આગેવાન અને ભાજપાના પાયાના કાર્યકર એવા હર્ષદભાઈ ગાવીતનો ગામના વિકાસમાં અગ્રીમ ફાળો જોવા મળે છે.
તેમજ તેમનાં પત્ની આશાબેન ગાવીત સરપંચ હોવાથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં લાગુ ગામડાંના લોકોને યોગ્ય વિકાસની વાચા આપી રહ્યા છે. હાલ આ ગાવીત દંપતી અને તેઓના જિલ્લા સદસ્ય કાકા દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામો સહિત નજીકના વિસ્તારનાં ગામોનાં વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા બનતાં દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો વઘઇ તાલુકા પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દગુનિયા ગામ વિસ્તારમાં લાલભાઈ ગાવીત અને હર્ષદભાઈ ગાવીતની કાકા-ભત્રીજાની જોડી ઉભરી આવી છે. અહીં કાકા-ભત્રીજાએ કોંગ્રેસને રામ રામ કરી ગામ સહિત વિસ્તારમાં ભાજપા પાર્ટીનો પાયો નાંખ્યો અને આ ગામને ભગવામાં રંગી નાંખી વિકાસમાં સહિયારું યોગદાન આપ્યું છે.
દગુનિયા ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામનો સાક્ષરતા દર ઊંચો જોવા મળે છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 82.83 ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 65.52 ટકા જોવા મળે છે. આ ગામનો સાક્ષરતા દર સારો જોવા મળે છે. જેના પગલે નોકરિયાતોની સંખ્યામાં પણ ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે. અહીં એક વર્ગ પ્રાથમિક શાળા તથા મુખ્ય પ્રાથમિક શાળા, બે આંગણવાડી, પોસ્ટ ઓફિસ, દૂધડેરી જોવા મળે છે. તાલુકા મથક કે પછી મુખ્ય મથક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવા માટે લોકોને અગવડતા જોવા મળે છે. આ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં વઘઇ-સાકરપાતળ થઈ લોકલ એસટી બસ રોજેરોજ નિયત સમય મુજબ બે વખત આવનજાવન કરે છે તથા સમયાંતરે ખાનગી વાહનો પણ મળી રહે છે.
દગુનિયા ગામને જોડતા બે આંતરિક માર્ગોમાં સાકરપાતળથી દગુનિયા અને નડગચોંડથી દગુનિયા આંતરિક માર્ગ જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી ઘણાં વર્ષો પૂર્વે નવીનીકરણ કરવામાં આવ્યા હતા. જે બંને માર્ગની હાલત જર્જરિત થઈ ગઈ છે. હાલ આ બંને માર્ગ બનાવવા જિલ્લા સદસ્ય લાલભાઈ વાળલભાઈ ગાવીતે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગમાં રજૂઆત કરી છે. પરંતુ માર્ગ-મકાન વિભાગ દ્વારા આ બંને માર્ગ બાબતે ચૂપકીદી સેવાતાં જિલ્લા સદસ્યએ બળાપો ઠાલવ્યો છે.
બરડા જિલ્લા સીટ પરથી ભાજપાના મેન્ડેટ પરથી ચુંટાયેલા જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવીતે જણાવ્યું હતું કે, તેઓ સદર ભાજપા પાર્ટીમાંથી ચુંટાઈ આવ્યા છે. છતાં તેઓની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેથી રસ્તા કોણ બનાવશે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. સાથે જ આ બંને આંતરિક માર્ગમાં અમુક જગ્યાએ ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં ગામના વાહનચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી છે.
દગુનિયા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયામાં પેવર બ્લોક અને સીસીના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક અને સીસી માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક માર્ગોની જરૂરિયાત લાગી રહી છે. સાથે દગુનિયા ગામે બંને ફળિયાંમાં અગાઉ ગટરલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ગામનો મોટા ભાગનો વિસ્તાર ટેકરાળ હોવાથી ચોમાસાનું પાણી આરામથી ઈદલાખાડીના કોતરમાં ઊતરી જાય છે. જેથી લોકોનાં ઘરોમાં પાણી ભરાવાનો સવાલ ઊભો થતો નથી. દગુનિયા ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો આ ગામને અડીને અંબિકા નદીને જોડતી ઈદલાખાડીની કોતર આવેલું છે, જેમાં પાણી જોવા મળી રહે છે. આ ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવેલું છે. અહીં પાણી પુરવઠાની પાણીની યોજના સફળ દેખાઈ છે. આ ગામમાં સૌ પ્રથમ લોકોને સ્ટેન્ડ પોસ્ટ આધારિત પાણી આપવામાં આવતું હતું. પરંતુ હાલમાં જલ સે નલ યોજના અંતર્ગત અહીં ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે 3 મોટી અને અન્ય નાની ટાંકીઓ તથા 6 જેટલા કૂવા પણ બનાવવામાં આવ્યા છે. સાથે ગામમાં દરેક જગ્યાએ મીની પાઇપ લાઈનના નળ મૂકવામાં આવ્યા છે. જેથી ઘર ઘર નળ કનેક્શન યોજના ભાજપાના શાસનમાં દગુનિયા ગામમાં સાર્થક થઈ છે. ગામમાં સરકાર દ્વારા 40થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે, જેમાંથી અડધા ચાલુ છે અને અડધા બંધ હાલતમાં હોવાનું આગેવાનો જણાવે છે. ગામના નજીકમાં પાણી સંગ્રહ માટે દમણગંગા યોજનામાંથી 6 જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. જે ચેકડેમો હાલમાં લીકેજ થતાં કોરાકટ બન્યા છે. આગેવાનોના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નેજા હેઠળ બનેલા બે ચેકડેમો ગુણવત્તાસભર બનતાં તેમાં પાણીનો સંગ્રહ રહે છે. ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની દેણના પગલે આ ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ જોવા મળે છે. આ ગામમાં બારેમાસ નળ દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં માત્ર દોઢ મહિના માટે થોડી ઘણી તકલીફ વેઠવી પડે છે. દગુનિયા ગામે ચોમાસા, ઉનાળા અને શિયાળામાં પણ પાણીના સ્ત્રોત મળી રહેતાં અહીં ખેડૂતો શિયાળુ અને ચોમાસુ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે. માત્ર અહીં ઉનાળાના આખરના દોઢ મહિનામાં થોડી વતી પાણીની અછત સર્જાય છે. પરંતુ આગેવાનોના જણાવ્યા અનુસાર સિંચાઈ વિભાગના ચેકડેમમાંથી આખરના મહિનામાં પણ પાણી રહેતું હોવાથી લોકો સહિત ઢોર-ઢાંખરને પાણીનો પુરવઠો પૂરો પાડી શકાય છે. વધુમાં સરપંચ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના દરેક ગામમાં ટેન્કરની સુવિધા ઊભી કરી પાણી પહોંચાડવામાં આવે છે. દગુનિયા ગામ મોટું ગામ હોવાથી અહીં બે જેટલી આંગણવાડી પણ કાર્યરત છે. આંગણવાડી નં.1 ગામની મધ્યમાં આવેલી છે. જેથી બાળકોને આવવા-જવા માટે પણ અનુકૂળ જોવા મળે છે. આ ગામમાં આંગણવાડી.નં.1માં આંગણવાડી વર્કર તરીકે રીંકલબેન બીપીનચંદ્ર ગાવીત તથા ગહનાબેન શિવાભાઈ ગાવીત ફરજ બજાવે છે, જેમાં 60 જેટલાં ભૂલકાંને પાયાના શિક્ષણથઈ સિંચિત કરવામાં આવે છે. જ્યારે દગુનિયા ગામની આંગણવાડી નં.2નું મકાન જર્જરિત બની જતાં નવી આંગણવાડીનું નિર્માણ ચાલી રહ્યું છે. આંગણવાડી નં.2માં કુલ 27 ભૂલકાં નોંધાયેલાં છે. જે ભૂલકાંને હાલમાં આંગણવાડી વર્કર સોમચંદબેન.પી.ગાયકવાડ તથા તેડાગર સુમાબેન તુલસીરામ વાઘ શિક્ષણનું સિંચન કરે છે. આંગણવાડી 2નું બાંધકામ ચાલુ હોવાથી ભૂલકાંને આંગણવાડી વર્કર સોમચંદબેન ગાયકવાડના ઘરના ઓટલા પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત એક વર્ગ પ્રાથમિક શાળા જે 1થી 5 ધોરણની આવેલી છે, જેમાં 20 બાળક મફત શિક્ષણનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ધો.1થી 5માં 9 કુમાર અને 11 કન્યા અભ્યાસ કરે છે. હાલ રોજેરોજ 1 શિક્ષક શાળામાં આવી બાળકોને સુલભ શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે. શાળાના આચાર્ય શંકરભાઈ સોમલુભાઈ માહલા ફરજ બજાવે છે. જ્યારે ગામમાં એક મુખ્ય પ્રાથમિક શાળા પણ આવેલી છે. જે પણ ધો.1થી 5ની શાળા છે. ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ 48 વિદ્યાર્થી નોંધાયેલા છે, જેમાં કન્યા 24 અને કુમાર 24 નોંધાયેલા છે. આ શાળાના આચાર્ય તરીકે દિનેશભાઇ રમણભાઈ ચૌધરી કામગીરી કરી રહ્યા છે. જ્યારે મદદનીશ શિક્ષકોમાં રામુભાઈ ડી.ભડાગિયા અને મુક્તિબેન ચંદ્રસિંગ પરમાર ફરજ બજાવી રહ્યાં છે. આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે. આ શાળાના આચાર્ય દિનેશભાઇ રમણભાઈ ચૌધરી સ્થાનિક તથા ઉત્સાહી હોવાથી શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. આ શાળાના 3 શિક્ષક નિયમિત શિક્ષણ કાર્ય કરાવતા હોવાથી દગુનિયા ગ્રામજનો પણ ગર્વ અનુભવી રહ્યા છે. શાળામાં બાળકોને શિક્ષકો દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. શાળામાં રમતગમતનું મેદાન, રમતગમતનાં સાધનો, શૌચાલય સહિતની સુવિધાઓ હોવાથી ભણવા આવતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે આનંદ પ્રમોદ મળી રહે છે. સાથે શાળામાં સંજીવની દૂધ, મેનુ મુજબ બપોરનું ભોજન પણ સુવ્યવસ્થિત રીતે બાળકોને પીરસવામાં આવી રહ્યું છે. છેવાડાનાં બાળકો સુગમ શિક્ષણ મેળવે એ માટે ડાયેટના પ્રાચાર્ય ડો.બી.એમ.રાઉત તથા ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશભાઈ ત્રિવેદી તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે દ્વારા પણ આ શાળાની મુલાકાત લેવામાં આવે છે.