રાજ્યમાં આવતીકાલ તા.૧૭ મી મેના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૦૦ કિમી દૂર રહેલું તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના પોરબંદર અને ભાવનરના મહુવા વચ્ચે સાગરકાંઠે ટકરાય તેવી સંભાવના રહેલી છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ રવિવારે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપેરશન સેન્ટરમાં સિનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. રૂપાણીએ રવિવારે બપોરે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજેલી બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
બેઠક બાદ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતના દરિયા કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાઈ રહ્યું છે. આજે રાત સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂરી થઈ જાય તે પ્રકારે તમામ જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાને પગલે એન.ડી.આર.એફ.ની 44 ટીમો અને એસ. ડી. આર.એફ.ની 10 ટીમો તહેનાત કરવામાં આવી છે. એટલું જ નહીં ફાયર બ્રિગેડ, પોલીસ અને કોસ્ટગાર્ડની સેવાઓ લેવામાં આવી રહી છે. જરૂર પડે તો આર્મી, એરફોર્સ અને નેવીને પણ મદદ માટે સ્ટેન્ડ-ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતની તમામ કૉવિડ હોસ્પિટલોમાં જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં વીજ પુરવઠો એક મિનિટ માટે પણ ખોરવાય નહીં એવી સૂચનાઓ આપવામાં આવી છે. તમામ કૉવિડ હોસ્પિટલોમાં જનરેટર સેટ મુકવામાં આવ્યા છે. જરૂર પડે તો તત્કાળ જનરેટર સેટ ચાલુ કરી શકાય તે પ્રકારે જરૂરી માનવબળ પણ તૈનાત રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાની આ સ્થિતિમાં ગુજરાતમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોય તેની કાળજી લેવાની તાકીદ કરી છે. તમામ જિલ્લાઓને હોસ્પિટલોમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આઠ કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને માત્ર ગુજરાત જ નહીં ભારતમાં પણ આ કંપનીઓનો ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. વાવાઝોડાની સ્થિતિમાં આ ઓક્સિજનનું ઉત્પાદન અટકે નહીં અને ઓક્સિજન સપ્લાય પણ ખોરવાય નહીં તે માટે વિશેષ કાળજી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સમાં રાજકોટથી આ બેઠકમાં જોડાયેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, ઉર્જા વિભાગની 585 ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તૈયાર રાખવામાં આવી છે. વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે થાંભલા, કેબલ કે ટ્રાન્સફોર્મરને નુકસાન થાય તો તરત જ રિસ્ટોરેશન કામગીરી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.