બિહારમાં મતદાર યાદી સુધારણા વિવાદે રાજકીય તાપમાન વધારી દીધું છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર સિંહા પર બે મતદાર ઓળખ કાર્ડ (EPIC) રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ આક્ષેપ પર વિજય સિંહાએ પત્રકાર પરિષદ બોલાવી સ્પષ્ટતા આપી અને તેજસ્વીને વળતો જવાબ આપ્યો.
વિજય સિંહાએ જણાવ્યું કે આ આરોપો ખોટા છે અને તેમના પાસે પુરાવા છે કે તેઓ એક જ સ્થળ પરથી મતદાન કરે છે. તેમણે કહ્યું કે પહેલા તેમના સમગ્ર પરિવારનું નામ પટણા મતદાર યાદીમાં નોંધાયેલું હતું. એપ્રિલ 2024માં તેમણે લખીસરાય વિધાનસભામાં નામ ઉમેરવા માટે અરજી કરી અને સાથે પટણાની યાદીમાંથી નામ દૂર કરવા માટેનું ફોર્મ ભર્યું.
તેમણે મીડિયા સમક્ષ મતદાર યાદીમાંથી નામ દૂર કરવા માટેની અરજી અને BLOને આપેલી લેખિત અરજીની રસીદ પણ રજૂ કરી. સિંહાના જણાવ્યા મુજબ, “કોઈ કારણસર મારું નામ યાદીમાંથી દૂર થયું ન હતું. BLOને મેં ફરીથી લેખિત અરજી આપી હતી. મારી પાસે બંને દસ્તાવેજો છે. મારું નામ દૂર કરવા માટેનું ફોર્મ નામંજૂર થયું, પણ મેં હંમેશા લખીસરાયથી જ મતદાન કર્યું છે અને આ વખતે પણ ત્યાંથી જ કરું છું.”
તેજસ્વી યાદવ પર વળતો પ્રહાર કરતાં વિજય સિંહાએ કહ્યું કે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિએ ભાષા અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ. “રાજકારણને કલંકિત કરવું યોગ્ય નથી. આખી હકીકત સામે આવવી જોઈએ. આખું બિહાર અને દેશ જાણે છે કે જંગલ રાજનો રાજકુમાર કેવી રીતે બીજાઓ પર ખોટા આરોપ લગાવવાની રમત રમે છે. આવા આક્ષેપો બદલ તેજસ્વીએ માફી માગવી જોઈએ.”
આ વિવાદ બિહારના રાજકીય મંચ પર નવો મુદ્દો બની ગયો છે. મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન થયેલા આક્ષેપો અને જવાબ-પ્રત્યુત્તરના આ તબક્કાએ ભાજપ અને આરજેડી વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. હવે જોવાનું એ છે કે તેજસ્વી યાદવ આ મામલે વધુ પુરાવા સાથે આગળ આવે છે કે વિજય સિંહાની સ્પષ્ટતા પછી વિવાદ શાંત થાય છે.