કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા, પ્રવિણ ખંડેલવાલ અને ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગતે ગુજરાત સરકારે એમેઝોન સાથે કરેલા કરારની આકરી ટિકા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક શાસકની ભૂમિકા ભજવી નાના વેપારીઓનો વેપાર જાણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આપ્યો હોય અને તેમની સાથે હાથ મેળવ્યા હોય તેવું 2.50 કરોડ વેપારીઓને લાગી રહ્યું છે.
સીએઆઇટીએ તેની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે દેશભરમાં વેપાર કાનૂન ભંગ કરવા માટે જે કંપની અપરાધી છે તે કંપની સાથે ગુજરાત સરકારે હાથ મેળવીને નાના વેપારીઓને દગો કર્યો છે તેનાથી ગુજરાતના રિટેલ સેક્ટરમાં નાના વેપારીઓની રોજગારી છીનવાશે આ મામલો 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી નેશનલ ટ્રેડ લિડર્સની બેઠકમાં ઉપાડવામાં આવશે.
દેશની કોર્ટો અને કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એમેઝોન સામે અંકુશો મૂક્યાં છે ત્યારે ગુજરાત સરકારે એમેઝોનને ખુલ્લું મેદાન આપ્યું છે. આ નિર્ણયમાં કેન્દ્ર સરકારની સહમતી છે કે કેમ તે સ્પષ્ટ થવુ જોઇએ. બીસી ભરતિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સમક્ષ ઉપાડવામાં આવશે.