Gujarat

રૂપાણી સતત બે દિવસ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જ રહ્યા : બચાવ કામને ગતિ આપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સોમવારે રાત્રે સતત ત્રણ કલાક બેસીને મેળવી હતી.

રૂપાણી સ્વયં સોમવારે મોડી મધ્યરાત્રિ સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરોથી માંડીને ફિલ્ડ લેવલના મામલતદાર-પ્રાંત અધિકારીઓના ટેલિફોનિક સંપર્કમાં રહીને સાયકલોન મેનેજમેન્ટની તપ્તરતાં દાખવી હતી. રૂપાણીએ સોમવારે રાત્રે આ તાઉતે વાવાઝોડાના લેન્ડ ફોલ થયા બાદ સર્જાયેલી સ્થિતિની વધુ વિગતવાર સમીક્ષા મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પહોંચીને કરી હતી.

જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોંચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે. આ વાવાઝોડાથી રાજ્યમાં કુલ ૩ વ્યક્તિઓના મૃત્યુ થયાની વિગતો આપતાં એમ પણ કહ્યું કે રાજ્યમાં ૩પ તાલુકાઓમાં ૧ ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વાવાઝોડાથી ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો : ૧૦૮૧ વીજ થાંભલાને નુકસાન
રાજ્યમાં વીજપૂરવઠાની સ્થિતિની વિગતો આપતાં રૂપાણીએ કહ્યું હતું કે તાઉતે વાવાઝોડાથી રાજ્યના ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને ૪૮૪ ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર૦ કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર થઈ છે તેના સહિત અન્ય સબસ્ટેશનો જે અસરગ્રસ્ત છે તે પણ ઝડપથી પૂર્વવત કાર્યરત કરી દેવાશે.

આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકસાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકસાન થયું છે તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. ૪૦ હજાર જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે. અહિં માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રિસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વાવાઝોડાના કારણે અત્યારે સમગ્ર વહિવટી તંત્રને રેસ્કયુ-બચાવ રાહતના કામો પર ફોકસ કરવાની સૂચના આપી છે. નુકસાની અંગેનો સર્વે પણ હવે પછીથી વિગતો મેળવીને કરાશે.

Most Popular

To Top