Gujarat

આજે રૂપાણી રાજપીપળામાં 817 કરોડના વિકાસ પ્રોજેકટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સાથે સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમો પૂ્ણ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા (નર્મદા)થી કાર્યક્રમનો આરંભ કરાવશે.

વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં જીતનગર ગામનાં ૧૬ હેકટર જેટલી જમીન રાજ્ય સરકારે ફાળવણી કરી છે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતિ આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહૂર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી બંધુઓને મળશે.

રૂ. ૧૦૩ કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં રાજ્યના નર્મદા જિલ્લા “રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું” મ્યુઝીયમ ઉભું કરવામાં આવશે. આ મ્યુઝીયમના મુખ્ય આકર્ષણોમાં ૩ડી પેનોરમા, ડી ડિસ્પ્લે, લેસર અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે. સાથેસાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં “ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજ્યના આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂં પાડવા, રોજગારક્ષમ ટેકનિકલ ડીપ્લોમા, સર્ટીફીકેટ કોર્સ જેમાં આદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ-વન આધારિત કુશળતાઓનો વિકાસ, વિજ્ઞાન, ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં વિભાગો શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top