સીએમ વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત તૈકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ કરીને તંત્રવાહકોની સજ્જતાને આખરી ઓપ આપ્યો હતો.
રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તૌકતે વાવાઝોડું આજે સોમવારે રાત્રે ૮ વાગ્યા આસપાસ તીવ્રતા સાથે ગુજરાત પર લેન્ડ થવાની, ત્રાટકવાની સંભાવના છે. દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને ૨ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.
દરિયા કિનારે વસતા આવા લોકોનું ફરજીયાત સ્થળાંતર કરાવવાના આદેશો સંબંધિત જિલ્લાઓને આપ્યા છે. દરિયા કિનારાના જિલ્લાઓના વિસ્તારમાં વસતા લોકોને ઘર બહાર ન નીકળવા તેમજ ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા કરાવવામાં આવતા સ્થળાંતરમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે. આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી. રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24×7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહિ જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની ૬૬૧ જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે
તેમણે કહ્યું હતું કે, એક તરફ કોવિડ-19 મહામારીનું સંક્રમણ અને બીજી તરફ આ સંભવિત વાવાઝોડાની આફત એમ બેય સામે તંત્ર પૂરી સજ્જતા અને સજાગતાથી કાર્યરત છે. રાજ્યભરની ૧૪૦૦થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે.
૭૪૪ આરોગ્ય ટીમો તૈનાત છે સાથોસાથ ૧૬૦ આઇ.સી.યુ ઓન વ્હીલ્સ અને ૬૦૭ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ જરૂર જણાયે તુરત જ ઉપયોગમાં લઇ શકાય તે માટે ખડેપગે છે. કોવિડ કોરોની સારવાર લઇ રહેલા લોકોને આ સંભવિત વાવાઝોડાની સ્થિતીમાં દવાઓ, ઓક્સિજન વગેરેના પુરવઠામાં કોઇ રૂકાવટ ન આવે તેની સ્પેશિયલ કેર રાજ્ય સરકારે કરી છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રેમડેસિવિર ઇન્જેક્શન મોકલી આપવામાં આવ્યા છે તેમજ રાજ્યમાં હાલ રોજના ૧૦૦૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૭૦૦ ટન જેટલો વધારાનો જથ્થો પણ સુરક્ષિત કરી દેવાયો છે.