SURAT

મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સ સુરતમાં લાવનાર વિજય કડ ઝડપાયો

surat : શહેરમાં અઠવાડિયા અગાઉ પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સમાં પાંચ આરોપીનાં રિમાન્ડ પૂરાં થતાં તેમને જેલમાં મોકલી દેવાયા છે. ત્યાં હવે ક્રાઇમ બ્રાન્ચે ( crime branch) મુંબઇથી વિજય કડ નામના આરોપીને પકડી પાડ્યો છે. પકડાયેલા વિજય કડે મુંબઇમાંથી જ મુકેશ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ મુકેશ નામના આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.
તા.9મી જૂનના રોજ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે પોલીસે ડિંડોલી અંડરબ્રિજ પાસેથી મહિલા સહિત પાંચ લોકોને પકડી પાડ્યા હતા. કારમાંથી પોલીસે 7.29 લાખની કિંમતનું 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

પોલીસની તપાસનો રેલો છેક હિમાચલ પ્રદેશ સુધી પહોંચ્યો હતો. પોલીસે હિમાચલપ્રદેશથી લાલારામ સહિતના બે આરોપીને પકડી પાડ્યા હતા. દરમિયાન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સુરતમાં લાવનાર વિજય કડ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ ઉપર હીરાનંદાની એસ્ટેટ પાસે બ્રેન્ટ ક્રોર્ડ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ કડને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં વિજય કડે મહારાષ્ટ્રમાં ફાઉન્ટેન હોટેલ પાસે હોન્ડા સિટી કારમાંથી મુકેશ નામના યુવક પાસેથી ડ્રગ્સ લઇને ત્યારબાદ હ્યુન્ડાઇ કારમાં જેનીશ અને હાર્દિક સહિતના આરોપીઓને આપ્યું હતું. પોલીસે વિજય કડને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસનાં રિમાન્ડ માંગ્યાં હતાં. સરકારી વકીલ સુનીલ પટેલે દલીલો કરી આરોપીનાં વધુમાં વધુ રિમાન્ડ આપવા માટે જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ વિજય કડના પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દા

વિજયે મુકેશ નામના ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ખરીદ્યું હતું. વિજયને લઇને મુંબઇ તપાસમાં જવાનું છે.મુકેશ પાસેથી 80 ગ્રામ એમડી ડ્રગ્સ લાવી તેમાં રોકડા રૂ.67 હજાર તેમજ 41 હજાર પેટીએમ અને ગૂગલ પેથી કમલેશ દુગલેને આપ્યા હતા.મુંબઇમાં ફાઉન્ટેન હોટેલ પાસે હોન્ડા સિટી કારમાંથી એમડી ડ્રગ્સને ડિજિટલ વજન કાંટા ઉપર વજન કર્યું હતું. આ હોન્ડા સિટી ગાડી કબજે કરવાની છે.મુંબઇ કેન્દ્ર બિંદુ છે, અને બીજા સૂત્રધારો હોવાની પણ શક્યતા છે.મુંબઇમાં જે ફ્લેટમાં રહે છે તે ભાડાનો છે કે પોતાની માલિકીનો તે તપાસવાની છે

Most Popular

To Top