કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન દાયિત્વના પાંચ વર્ષ પૂર્ણ થવાની આ કોઇ ઉજવણી નથી પરંતુ જનસેવાના કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ સાથે છે. વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે અમારી સરકારમાં કોઇ પણ કામની બજેટ જોગવાઇ, ટેન્ડર પ્રસિદ્ધિ, એજન્સી ફિકસ થવી અને ઝડપી-વેળાસર તે કામ પૂર્ણ થાય એવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. એટલે જ જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમારા સમયમાં જ થાય છે. કોરોના કાળમાં બધુ સ્થગિત હતું છતાં ગુજરાતમાં વિકાસ કામોની ગતિ આપણે જારી રાખીને આ રૂ. પ૩૦૦ કરોડના કામો સહિત અનેક વિકાસ કામો પૂર્ણ કર્યા છે તે જ જનસેવાની અમારી પ્રતિબદ્ધતા છે. લાઇટ, પાણી, ગટર, રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કામોથી આગળ વધી હવે ગુજરાત સ્માર્ટ સિટીઝ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લીવિંગ – હેપીનેસ ઇન્ડેક્ષની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. ઊર્જા, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ગરીબ, વંચિત, ખેડૂત હરેક વર્ગના લોકોને આજે વિકાસની અનૂભુતિ થાય, અહેસાસ થાય અને વિકાસમાં સહભાગી થયાનો હર્ષ પણ થાય તેવા જનહિતના પ્રકલ્પો, યોજનાઓ કાર્યો આ સરકારે જનતાને ભેટ આપ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતના વિકાસને મળેલી સફળતાનો શ્રેય રાજયના છ કરોડ નાગરિકોના જન સહયોગ અને પ્રજાના આશીર્વાદને આપતા કહ્યું કે, ગુજરાત આજે દેશભરમાં વિકાસનુ રોલ મોડલ પુરવાર થઈ રહ્યુ છે ત્યારે આગામી સમયમાં પણ આપણે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જઈ વિશ્વનુ ઉત્તમ રાજય બનાવવુ છે. એ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સહયોગથી કામ કરશુ એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.