લોકો વિદ્યુત જામવાલને હજુ પણ માત્ર એક્શન હીરો જ માને છે, એમની માન્યતા એકશન ડ્રામા ફિલ્મ ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2 – અગ્નિપરીક્ષા’ પછી બદલાઇ શકે છે. 8 જુલાઇએ રજૂ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી કોઇ પણ માનશે કે વિદ્યુતને હવે એક્શન સિવાયની ફિલ્મો મળવી જ જોઇએ. આ ફિલ્મને OTT પર રજૂ કરવામાં આવી હતી અને ‘ખુદા હાફિઝ’ જેવી ફિલ્મોને કારણે OTTની લોકપ્રિયતા વધી હતી. ફારુક કબીર નિર્દેશિત ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ ને થિયેટર નસીબ થયું છે. નવા ભાગમાં સમીર અને નરગીસની વાર્તાને આગળ વધારવામાં આવી છે.
બંને એક છોકરી દત્તક લઇને નવી જિંદગી શરૂ કરે છે. એ છોકરીનું અપહરણ થયા પછી તેને શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે. સિક્વલનું નામ વટાવવાને બદલે એક નવી વાર્તા સાથે એને આગળ વધારવામાં આવી છે. આ વખતે પત્નીને બદલે પુત્રી માટે વિદ્યુત લડતો દેખાશે. ટ્રેલરની શરૂઆતમાં જ ‘જબ કિસી આદમી કો ઇતના મજબૂર કર દિયા જાયે ના, ઉસે અંજામ કી પરવાહ ન રહે, એસે હી મામૂલી લોગ આગે ચલકર બાહુબલી બનતે હૈ’ સંવાદથી અંદાજ આપી દેવામાં આવ્યો છે. અંતમાં વિદ્યુત કહે છે કે ‘જુર્મ સહના ઔર જુર્મ કરના દોનોં હી ગુનાહ હૈં, મુઝે મેરી બેટી ચાહીએ બસ.’ વિદ્યુતના સંવાદ સાથે જબરદસ્ત એક્શન દ્રશ્યો છે. તે એકશનમાં અપેક્ષા પૂરી કરે જ છે.
તેની ખાસિયત એ છે કે હાથ – પગથી વધુ મારધાડ હોય છે. તેનું કામ કોઇ હોલિવૂડના હીરોથી કમ લાગતું નથી. જે લોકો વિદ્યુતને સ્ટંટમેન કહીને ટોણા મારતા હતા એમના મોં પર ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ જોરદાર તમાચો મારે છે. તેની આંખોમાં પ્રેમ, નફરત, લાગણી બધું જ વ્યક્ત થયું છે. દરેક દ્રશ્યમાં તેના હાવભાવ સ્પર્શી જાય એવા છે. એકશન ફિલ્મમાં સામાન્ય રીતે આ પ્રકારના ઇમોશન જોવા મળતા નથી. ટાઇગર શ્રોફ જેવા હીરો ‘હીરોપંતી’માં આ મામલે નાપાસ થયા છે. દર્શકોએ પણ એમને ઓળખીને ભાવ આપ્યો ન હતો. વિદ્યુત સાથે ‘નરગીસ’ તરીકે શિવાલિકા ઓબેરોય પ્રભાવિત કરી શકે છે. બંનેની કેમેસ્ટ્રી જામે છે. અગાઉનું ગીત ‘આપ હી રબ આપ હી ઈમાન બન ગયે’ પણ સાંભળવા મળી રહ્યું છે.