આણંદ : વિદ્યાનગર ખાતે આવેલા ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના છાત્રાલયના સ્થાને અતિઆધુનિક છાત્રાલય બનાવવાની જાહેરાત વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ હાલ રૂ.25 કરોડના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેના માટે સમાજના દાતાઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ છાત્રાલયના નિર્માણ સાથે વિદ્યાર્થીઓને એક અદ્યતન છાત્રાલય મળશે.
ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરવાનો મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે. 1965માં 23 ગૂંઠા જમીનમાં આકાર પામેલા છાત્રાલયને ફેરફાર કરી મલ્ટીપર્પઝ બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં હાઈટેક રૂમો, ક્લાસીસ, બિઝનેસ મિટિંગ માટે હોલ, ફંકશન કરવા હોલ વગેરે સુવિધા ઊભી કરવામાં આવશે. આ પ્રોજેકટ બહુ ઝડપથી શરૂ કરવામાં આવશે. તે માટે દેશ – વિદેશના દાતાઓને દાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ચરોતર મોટી સતાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાનો 35મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સહમંત્રી ગીરીશભાઇ બી. પટેલે પ્રમુખની અનુમતિથી 35મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત કરી હતી. બાદ વર્ષ 2020-2021ના ઓડીટ થયેલા હિસાબો, વાર્ષિક અહેવાલ અને અંદાજપત્ર રજૂ કર્યા હતા. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નવનીતભાઈ પટેલ અને વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ, ગિરીશભાઇ સી. પટેલ સહિત મોટી સંખ્યામાં માતૃસંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ, હોદેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 2022માં ભજન સંધ્યાના સ્પોન્સર સરોજબેન વી. એમ. પટેલ, 2023ના ભજન સંધ્યાના સ્પોન્સર પ્રભુભાઈ આશાભાઈ પટેલ, 2024ના ભજનસંધ્યાના સ્પોન્સર ગોપીબેન વિપુલભાઈ પટેલ, 2025ના ભજનસંધ્યાના સ્પોન્સર જે. ડી. પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. અંતે સહમંત્રી ગીરીશભાઇએ ઉપસ્થિત સૌ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી પૂરી થયેલ જાહેર કરી હતી.
પ્રોજેકટ માટે સમાજના દરેક ગામ પાસેથી રૂ. 11 લાખની સહાયની અપેક્ષા
આ સભાના અધ્યક્ષ અને માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલે જણાવ્યું કે, 1895માં સ્થાપિત માતૃસંસ્થાએ 1965માં વિદ્યાનગરમાં છાત્રાલયનું નિર્માણ કર્યું હતું. હવે માગ મુજબ આ છાત્રાલયને જમીનદોસ્ત કરી તેના નવીનીકરણનો મેગા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અતંર્ગત વિદ્યાર્થીઓની સુવિધા માટે એસી રૂમ બનાવામાં આવશે. આ પ્રોજેકટ માટે સમાજના દરેક ગામ પાસેથી રૂ. 11 લાખની આર્થિક સહાયની અપેક્ષા રાખવામાં આવી છે.
પીપલાવમાં 23મીએ ગરબા મહોત્સવ યોજાશે
પીપલાવ વાડીમાં સ્વ. અરવિંદભાઇ ડાહ્યાભાઇ પટેલ પરિવાર દ્વારા 23મી ઓક્ટોબર, 2021ના રોજ ગરબા મહોત્સવ યોજવામાં આવશે. બાદમાં 2022માં બીરેનભાઇ હરમાનભાઇ પટેલ, 2023માં ગિરીશભાઇ બી. પટેલ અને 2024માં કાન્તાબેન પુનમભાઈ પટેલ ગરબા મહોત્સવના દાતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.
એનઆરઆઈ અને બહારથી આવતા વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા મળશે
માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલે જણાવ્યું હતું કે, માતૃસંસ્થાનું વલ્લભ વિદ્યાનગરમાં આવેલા છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયનું નવીનીકરણ કરવામાં આવશે, જે માટે સમિતિની રચના કરવામાં આવી છે. નવું ભવ્ય અતિઆધુનિક સુવિધાયુક્ત છાત્રાલયનો આ મેગા પ્રોજેકટ રૂ. 25 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ છાત્રાલયના નિર્માણથી ડી. ઝેડ. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, એનઆરઆઈ વિદ્યાર્થીઓ અને વિદ્યાનગરમાં અભ્યાસ કરવા આવતા બહારના વિદ્યાર્થીઓને લાભ મળશે. આ છાત્રાલયમાં વિવિધ રૂમ, હોલ, ડાયનીંગ હોલ, કિચન, કોમ્પ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સ પાર્કિંગ વગેરે વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.
પલાણામાં ડિસેમ્બર માસમાં માતૃસંસ્થા દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે
માતૃસંસ્થા દ્વારા આગામી સમૂહ લગ્નોત્સવ ડી. સી. પટેલના સૌજન્યથી ડિસેમ્બર 2021 માં પલાણામાં યોજાશે. બાદમાં માર્ચ-એપ્રિલમાં સમૂહ લગ્નોત્સવ કરવામાં આવશે અને ડિસેમ્બર 2022માં પીપલાવમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.