અભિનેતા અભિનેત્રીઓને ઉંમર સાથે સાંકળવા ન જોઇએ. અભિનય કાંઇ ઉંમરથી નથી થતો. આવડતથી થાય છે. અનુપમ ખેરે 28 વર્ષની ઉંમરે ‘સારાંશ’માં વૃધ્ધની ભૂમિકા ભજવેલી અને આમીર ખાને ‘થ્રી ઇડિયટ્સ’માં કોલેજીયનની ભૂમિકા ભજવેલી ત્યારે 45 વર્ષનો હતો. એ ફિલ્મમાં તેની ગર્લફ્રેન્ડ બનેલી કરીના ત્યારે 28 વર્ષની હતી. આપણી મનોરંજક ફિલ્મોમાં હીરોની ઉંમર 50-55-60 સુધી ય ચાલી જતી હોય છે પણ હીરોઇન યુવાન હોવી જોઇએ કારણ કે તેના યુવાવયના સૌંદર્ય, ગ્લેમર, સેકસીલુકની પરદા પર જરૂર હોય છે.
આપણે ત્યાં અભિનેત્રીઓ કે જે હીરોઇન હોય તેની વેલ્યુ આ રીતે થાય છે એટલે અમુક વર્ષ પછી તે ભાભી મા બને પણ હીરોઇન ન રહે. અલબત્ત, હવે થોડા ખ્યાલ બદલાય રહયા છે એટલે કરીના કપૂર, રાની મુખરજી, કાજોલ વગેરે મુખ્ય નાયિકા તરીકે હજુ પણ દેખાય છે. એમાં એક વિદ્યા બાલન પણ છે. હા, તેમના માટે યોગ્ય પાત્રો શોધવા તે કામ દિગ્દર્શકને પટકથાકારનું છે. રાની મુખરજી આદિત્ય ચોપરાની પત્ની છે એટલે યશરાજ ફિલ્મવાળા રાની માટે ફિલ્મનો વિષય શોધી કાઢે છે એવું વિદ્યા માટે નથી થતું પણ તેની ટેલેન્ટ એવી છે કે એકાદ-બે ફિલ્મ તો હજુ ય તેને મળ્યા કરે બાકી તે 42 વર્ષની થઇ છે.
ગયા વર્ષે તેની ‘શકુંતલા દેવી’ ફિલ્મ રજૂ થયેલી અને તેમાં તે વિવિધ ઉંમરમાં દેખાયેલી. પાત્રોને પ્રતિતિજનક બનાવવામાં તે કુશળ છે એટલે જ ‘ધ ડર્ટી પિકચર’માં રેશમા બની હતી તો લોકો ભુલી ગયેલા આ એજ વિદ્યા છે જે ‘પરિણીતા’માં લલિતા હતી, ‘લગે રહો મુન્નાભાઇ’ની જહાન્વી, ‘પા’ની વિદ્યા હતી. વિદ્યાનો અભિનય તેના ટોટલ બોડી લેંગ્વેજનો ભાગ હોય છે. આ કારણે જ તેણે એવી ઘણી ફિલ્મો કરી કે જેમાં તેનું જ પાત્ર કેન્દ્રમાં હોય. ‘પરિણીતા’, ‘ધ ડર્ટી પિકચર’, ‘કહાની’, ‘કહાની-2’, ‘બેગમ જાન’ના દરેક પાત્રો પર વિદ્યાબાલન ઇમ્પેકટ વર્તાશે. ‘હમ પાંચ’ સિરીયલમાંથી કોઇ સ્ટાર એકટ્રેસ બની શકયું તો તે વિદ્યા જ છે.
વિદ્યા બાલન વિના ‘કહાની’ની કલ્પના ન થઇ શકે. તે સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખતી ફિલ્મોમાં કામ કરે ત્યારે પાત્રોને મર્દાના બનાવતી નથી બલ્કે કેન્દ્રિય બનાવે છે. એકના એક પ્રકારના પાત્રો તે સ્વીકારતી નથી એટલે જ ‘ધ ડર્ટી પિકચર’ પછી ‘બેગમ જાન’ બની હતી. ‘તુમ્હારી સુલ્લુ’ તો એક યાદ રહી જાય એવી ફિલ્મ છે. રેડિયો જોકીના પાત્રને ફેમસ બનાવવામાં વિદ્યાની ભૂમિકા પણ જોવી જોઇએ. અલબત્ત, આ તેની અત્યારના વર્ષોની ફિલ્મો છે. પણ આ દરમ્યાનની તેની ફિલ્મો પણ ખાસ રહી છે.
એન.ટી. રામારાવ પર બનેલી ફિલ્મમાં તેણે ભજવેલી ભૂમિકા ઘણી ખાસ હતી અને ‘મિશન મંગલ’માં તે સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, કિર્તી કુલ્હારીને જાણે લીડ કરતી હોય એવી જણાય છે. ગયા વર્ષે તેણે નિર્માત્રી તરીકે ‘નટખટ’ નામની શોર્ટ ફિલ્મ બનાવેલી જેમાં એક મા તેના યુવાન થતા દિકરાને સ્ત્રી-પુરુષ સમાનતા શીખવે છે.
આવી ફિલ્મથી કહી શકો કે તેનું અંગત વલણ સમાજમાં ચર્ચા જગાવી શકે તેવા ઉપયોગી વિષય પર ફિલ્મ બનાવવાનું છે. હમણાં તે ‘સુલેમાની પીડા’ અને ‘ન્યૂટન’ જેવી ફિલ્મ બનાવનાર અમિત વી. માસુરકરની ‘શેરની’માં આવી રહી છે. આ ફિલ્મમાં વન્યજીવો અને માણસો વચ્ચે જે લડાઇ છેડાયેલી છે. માણસો જે રીતે વન્ય જીવોને હણે છે તેની કથા છે અને વિદ્યા તેમાં ફોરેસ્ટ ઓફીસર બની છે. સિધ્ધાર્થ રોય કપૂરને પરણ્યાને નવ વર્ષ થયા. હજુ તે મા નથી બની. કેમ નથી બની તે વિશે તે ચર્ચા નથી કરતી. અંગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી તેને ગમતી નથી. તે ઇચ્છે છે કે ફિલ્મ એકટ્રેસ છું તો મારી ફિલ્મ વડે જ તમે ઓળખો.