Columns

વિદુરજીની સલાહ

આપણા મહાન પ્રાચીન સાહિત્યમાં મહાભારત મહાકાવ્યનું અનોખું સ્થાન છે.મહાભારતમાં એક દાસી પુત્ર તરીકે અવગણના પામેલું પાત્ર એટલે મહામંત્રી વિદુર.વિદુરજી પ્રખર જ્ઞાની હતા અને તેમની કહેલી નાની નાની વાતો આજે પણ વિદુરનીતિ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ વિદુરજીનાં પત્ની હોંશે હોંશે શણગાર સજી રહ્યાં હતાં.વિદુરજી આવ્યા એટલે પત્નીએ ઉત્સાહથી કહ્યું, ‘મારી ખાસ સખીના ઘરે ઉત્સવ છે. હું તેમાં ભાગ લેવા જાઉં છું.’

વિદુરજીએ ધીમેથી કહ્યું, ‘પ્રિયે, તને તારી સખીના ઘરેથી ઉત્સવમાં પધારવાનું આમંત્રણ મળ્યું છે?’પત્નીએ કહ્યું, ‘ના, તમે પણ કેવી વાત કરો છો? ખાસ સખી સાથે શું આમંત્રણની અપેક્ષા રાખવાની.ઉત્સવની તૈયારીમાં મને કહેવા આવવાનો સમય નહિ મળ્યો હોય.અમે તો એકમેકના ઘરે વગર આમંત્રણે જતાં જ હોઈએ છીએ.ઘરની વાત છે.’

વિદુરજીએ પત્નીને બહુ સમજાવી કે આમંત્રણ નથી મળ્યું તો તું આજે તેના ઘરે ન જા. ભલે તમે રોજ એકમેકના ઘરે આવતાં જતાં હો.પણ તેમનાં પત્ની ન સમજ્યાં.વિદુરજીએ પત્નીને ભગવાન મહાદેવ અને તેમનાં પત્ની સતીના જીવન અનુભવની વાત યાદ કરાવી કે સતી પોતે પિતા દક્ષ દ્વારા આયોજિત યજ્ઞમાં એમ જ વિચારીને જાય છે કે પિતાના ઘરે જવામાં દીકરીને આમંત્રણની શું જરૂર હોય અને પછી તેમનું અપમાન થાય છે.મહાદેવજીની ત્યાં થતી અવહેલના સતી સહન નથી કરી શક્તાં અને યજ્ઞમાં બળીને ભસ્મ થઇ જાય છે અને સમજાવ્યું, ‘દેવી, તમે આ વાત બરાબર જાણો છો છતાં આમંત્રણ નથી તો પણ ત્યાં જવા તૈયાર થયાં છો.આમ ન કરો.’વિદુરજીનાં પત્ની બોલ્યાં, ‘સ્વામી, તમે કહો છે તે વાત સાચી. હું જાણું છું પણ તેમાં તો દક્ષના મનમાં ભગવાન મહાદેવ પ્રત્યે વેર ભાવના હતી.જયારે અમારી વચ્ચે તો સખીપણા છે.’

વિદુરજીએ ઘણું સમજાવ્યું છતાં તેમનાં પત્ની ગયાં અને હજી ગયાને થોડી મીનીટો જ થઈ હશે ત્યાં રડમસ ચહેરે આવ્યાં અને પતિના પગમાં પડી માફી માંગતાં બોલ્યાં, ‘સ્વામી, મારી ભૂલ થઇ ગઈ.તમારી વાત મેં કાને ધરી નહીં અને મારી મૂર્ખતાને અપમાન સહન કરવું પડ્યું.’વિદુરજીએ પૂછ્યું, ‘કેમ શું થયું?’પત્નીએ રડમસ અવાજે કહ્યું, ‘હું મારી સખીના ઘરે પહોંચી.તે દ્વાર પાસે જ મળી પણ મને જોઈ, આવકારવાને બદલે તે બોલી ‘સખી, આજે વાત કરવાનો સમય નથી. ઘરમાં ઉત્સવ છે પછી મળીશું.’તેણે મને આવકાર તો ન આપ્યો અને મોઘમમાં ત્યાંથી જવાનું કહી દીધું.મારી ભૂલ થઈ કે તમારી શિખામણ મેં ન સાંભળી.’વિદુરનીતિમાં વિદુરજી જણાવે છે કે ‘આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘરે જવું નહિ અને પ્રસંગ હોય તો તો નિમંત્રણ વિના બિલકુલ જવાનો વિચાર કરવો નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top