ગાંધીનગર: આજે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહને રાજયપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કર્યુ હતું. જેમાં સત્તાધારી પાર્ટીને મળેલા પ્રચંડ વિજય સાથે સરકાર સૌનો સાથ સૌનો વિકાસ તેવા સૂત્રને વરેલી હોવાનું જણાવી વિકાસની સિદ્ધિઓ વર્ણવી હતી. જો કે રાજયપાલના ટૂંકા પ્રવચન બાદ તેના પર આભાર પ્રસ્તવની ચર્ચા દરમ્યાન સરકાર નિયમોનો ભંગ કરી રહી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના 17 સભ્યોએ સરકાર સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસના સીનિયર સભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહની અંદર એવો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો કે વિપક્ષના સભ્યોને રાજયપાલના પ્રવચનની નકલ જ મળી નથી, તો તેના પર કેવી રીતે ચર્ચા થઈ શકે? ગૃહની અંદર સરકાર નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે, તે બાબતે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આભાર પ્રસ્તાવ પરની ચર્ચા કરવી હોય તો વિપક્ષના સભ્યોને પૂરતો સમય આપવાની માંગ કરાઈ હતી. જો કે વિપક્ષની માંગ નહીં સ્વીકારવામાં આવતા , છેવટે કોંગ્રેસના તમામ 17 સભ્યએ વોક આઉટ કર્યો હતો.
ગૃહની બહાર કોંગ્રેસના સીનિયર સભ્ય અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે મુદ્દે પણ ચર્ચા થઈ નથી. માત્ર 2 કે 3 કલાકમાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પૂરી કરવાનું આયોજન છે. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે. રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશું. આ આભાર પ્રસ્તાવ પરની ચર્ચા નિયમોના ભંગ સમાન છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક વગર કામકાજનો એજન્ડા નક્કી ન થઈ શકે. નિયમોનો પહેલા જ દિવસે ભંગ થઈ રહ્યો છે. અમારી પાર્ટીએ ઠરાવ કરીને ચર્ચામાં કોણ ભાગ લેશે તે નામ મોકલવાના હોય છે. તેની સૂચના અધ્યક્ષ શાસક અને વિરોધ પક્ષને કરવામાં આવતી હોય છે. 1 દિવસમાં આ ચર્ચા પૂરી કરવાની શક્ય જ નથી.