અમેરિકાની ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારના સમાચાર 26 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પ્રથમ પાને જ વાંચતાં મન-હ્દયને થોડોક આંચકો લાગ્યો. દુ:ખ તો થાય પણ શું કરીએ? અમેરિકામાં આવા નાના-મોટા બનાવો તો છાશવારે બનતા જ હોય છે. અમેરિકા હોય કે બહારના અન્ય કોઇ પણ દેશ હોય, ત્યાં આવા માનવસર્જીત કે કુદરતી બનાવો તો બનતા જ રહે છે. ઓછા-વત્તા પ્રમાણમાં મૃત્યુ પણ થતાં હોય છે. તે જ પ્રમાણે અકસ્માતમાં ઘણી વ્યકિતઓ ઘાયલ પણ થતી હશે. આવા બનાવો બને ત્યારે ત્યાંની સરકાર કે જે-તે દેશના પ્રમુખો મરનારનાં વાલીવારસોને તેમ જ ઇજાગ્રસ્તોને તરત જ દિલસોજીનો સંદેશો પાઠવે છે એવું વાંચવા મળે છે.
પણ જો હું ભૂલતો ન હોઉં તો એવું મેં કયારે પણ વાંચ્યું નથી કે ત્યાંની સરકાર કે જે-તે સત્તાધીશો દ્વારા જે-તે અકસ્માત કે દુર્ઘટનામાં મરનારનાં વાલીવારસોને બે, પાંચ કે દશ લાખ રૂપિયાનું વળતર આપવાની ત્વરિત જાહેરાત કરી હોય. આપણા દેશમાં જો આવી દુર્ઘટના બને તો તરત જ જે-તે સરકાર જે-તે અકસ્માતમાં મરનારનાં વાલીવારસોને પાંચ-દશ કે તેથી વધુ લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી દે છે. ઇજાગ્રસ્તોને પણ સારવાર સહિત લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી દે છે. અમુક કિસ્સામાં તો જે તે શહેરના કલેક્ટર કે શહેરના મેયર પણ મસમોટી મદદની જાહેરાતો કરતા હોય છે.
પ્રશ્ન એ થાય છે કે શું આ બનાવોના ભોગ બનનારને વિદેશોમાં પણ તાત્કાલિક ધોરણે લાખો રૂપિયાની મદદ મળતી હશે ખરી? દાખલા તરીકે વરાછા રોડનો તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી શહેરમાં બળાત્કારનો ભોગ બનેલ વ્યકિત હોય. એ તો ઠીક, પણ વર્ષો જૂનું ખખડધજ મકાન હોય, તેમને મ્યુ. કોર્પોની નોટિસ પણ મળી હોય, છતાં તે જ મકાન અમુક વર્ષ પછી તૂટી પડે અને જો કોઇનું મૃત્યુ થયું હોય તો તેના વાલીવારસોને પણ બે-પાંચ લાખ રૂપિયાની મદદની જાહેરાત થતી હોય છે. ગામડામાં જો કોઇ નાળા ઉપર જૂનો પુલો હોય, તો નવો ન બનાવે પણ એ જ પુલ જો ચોમાસાના વરસાદમાં તૂટી પડે અને જો કોઇનું મૃત્યુ થાય તો તેના વારસદારોને પણ સરકાર લાખો રૂપિયાની મદદ કરે છે. બોલો, આવું વિદેશોમાં છે ખરું? વાચકો બધું જ જાણે છે માટે અહીં અટકું છું.
સુરત – કીકુભાઇ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.