નવી દિલ્હી : વીડિયોકોન (Videocon) લોન કૌભાંડમાં સીબીઆઈ એજેન્સીને (CBI Agency) મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર (Chanda Kochhar) અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ (Arrest) કરી હતી. તેમની ઉપર આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની નુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું હતું અને જે તે સમયે કોચર દંપત્તિ દ્વારા આચરવામાં આવેલું આ મોટું કૌભાંડ ખુબ જ ગાજ્યું હતું.
વર્ષ 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી
સમગ્ર કૌભાંડ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વર્ષ 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો હોવાની માહિત બહાર આવી હતી.
એફઆઈઆરમાં કોચર દંપતી અને ધૂતના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા હતા
અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ ચંદા કોચર તેના પતિ અને વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત તેમજ ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત IPC કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. FIRમાં આરોપી તરીકે માર્ચ 2018માં ચંદા કોચર પર પણ તેના પતિને આર્થિક લાભ આપવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપો બાદ, ચંદાએ ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું.
ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું
પ્રાપ્ત જાણકારી મુજબ દંપતી ઉપર લાગેલા આરોપો મુજબા ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.