ઉમરપાડા(Umarpada): રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (HarshSanghvi) સુરત (Surat) જિલ્લામાં બુટલેગરો (Bootlegar) બેફામ બન્યા છે. અહીં પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય તેવી ઘટનાઓ રોજ બહાર આવી રહી છે. હવે ઉમરપાડામાં બૂટલેગરોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. અહીં વિદેશી દારૂની કારમાં ખેપ મારતા બૂટલેગરોને પકડવા માટે પોલીસ બાઈક પર પીછો કરી રહ્યાં હતાં ત્યારે બાઈકને ટક્કર મારી પોલીસવાળાને રસ્તા પર ફેંકી દઈ તેઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી બૂટલેગરો ભાગ્યા હતા. આ બુટલેગરને પકડવા માટે ઉમરપાડાનું આખો પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ત્યાર બાદ ઉમરપાડામાં બુટલેગરની કાર અને પોલીસના કાફલા વચ્ચે ફિલ્મોમાં જોવા મળે તેવા રનચેઝના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરપાડાના વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા. આખરે મહામહેનતે ઉમરપાડા પોલીસે કાર ઝડપી પાડી હતી. કારમાંથી પોલીસને લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસને બાતમી મળી એક કારમાં વિદેશી દારૂની કેટલાંક બૂટલેગરો દ્વારા ખેપ મારવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. જ્યારે બાતમી વાળી કાર નજીક આવી ત્યારે પોલીસ દ્વારા તે કારને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પણ બુટલેગર પારખી ગયો હોઈ તેણે કારને ફૂલસ્પીડમાં દોડાવી મુકી હતી. આથી પોલીસે કારને અટકાવી બુટલેગરને ઝડપી લેવા અલગ અલગ વાહનો લઈ પીછો કર્યો હતો. જેના લીધે ઉમરપાડાના રસ્તાઓ પર રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી, જેમાં સદ્નસીબે બન્ને જવાનો બચી ગયા હતા પણ બાઈકને નુકશાન પહોચ્યું હતું, બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો અને ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકી ભાગી હતો. હાલ તો ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારમાં તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.
પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે બુટલેગરો અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા તેને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી એવી ચર્ચા ઉઠી છે. બુટલેગરોમાં આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે પણ પોલીસને હવે બે લગામ થયેલા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે