દશેરાના દિવસે જુનાગઢમાં એક આશ્ચર્યજનક અને અનોખી ઘટના બની. અહીંના ખોડિયાર મંદિરમાં વિજ્યા દશમી નિમિત્તે હવન પૂજાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે પુજારીઓ જોરથી મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં ત્યારે મંદિરથી થોડે દૂર ત્રણ સિંહ આવીને બેઠાં હતાં. જ્યાં સુધી પુજા-મંત્રોચ્ચાર થતાં રહ્યાં ત્યાં સુધી ત્રણેય સિંહ શાંતિથી બેસી દૂરથી જોતા રહ્યાં. હવન પૂરું થતાં જ ત્રણેય સિંહ જંગલમાં જતા રહ્યાં હતાં. આ ઘટનાને ભક્તોએ કેમેરામાં કંડારી લીધી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.
શું થયું હતું?
જૂનાગઢ જિલ્લાના પડરિયા ગામમાં ગિરનાર પર્વત જંગલની નજીક સ્થિત ખોડિયાર માતાના મંદિરે વિજયાદશમીના પ્રસંગે વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સંતો, મુનિઓ અને મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. જેમ જ મંત્રોચ્ચાર અને હવન ચાલી રહ્યા હતા તેમાજ થોડા જ સમયમાં જંગલ તરફથી આવતા ત્રણ સિંહો દેખાયા.
સિંહો કોઈ આક્રમકતા દર્શાવ્યા વિના યજ્ઞકુંડથી થોડા અંતરે શાંતિથી બેસી ગયા. તેઓ લગભગ બે કલાક સુધી ત્યાં જ રહ્યા અને જ્યારે યજ્ઞ સમાપ્ત થયો ત્યારે શાંતિથી જંગલ તરફ પાછા વળી ગયા હતા.
ભક્તો માટે ચમત્કાર જેવું દૃશ્ય
યજ્ઞ દરમિયાન સિંહોની હાજરી ભક્તો અને પૂજારીઓ માટે અદભૂત અનુભૂતિ હતી. ભક્તોએ જણાવ્યું કે તેઓએ પ્રથમ તો ભય અનુભવ્યો પરંતુ થોડા જ સમયમાં સમજાયું કે સિંહ શાંત છે અને જાણે દેવીની પૂજામાં સામેલ થઈ રહ્યા છે. પૂજારીઓએ પણ નિરાંતથી મંત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો.
સ્થાનિક લોકોએ આ ઘટનાને ખોડિયાર માતાની શક્તિ અને ચમત્કાર સાથે જોડ્યો. તેઓ માને છે કે દેવીની કૃપાથી જ સિંહોએ કોઈને નુકસાન કર્યું નહીં અને શાંતિથી યજ્ઞ પૂર્ણ થવા દીધો.
અધિકારીઓની પ્રતિક્રિયા
ગિરનારના વિભાગીય વન અધિકારી ડૉ. અક્ષય જોશીએ જણાવ્યું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી સિંહોનું દેખાવું સામાન્ય છે. તેમ છતાં આ પ્રસંગે સિંહોએ ભક્તો વચ્ચે શાંતિ જાળવી તે ખરેખર અદ્ભુત ઘટના ગણાય છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને ખોડિયાર માતાની દિવ્યતા અને આશીર્વાદ સાથે જોડીને જોઈ રહ્યા છે. ઘણા ભક્તો માટે આ દિવસ યાદગાર બની ગયો છે.
વિજયાદશમીના દિવસે બનેલી આ ઘટના માત્ર એક આશ્ચર્યજનક અનુભવ જ નહીં પણ માનવ અને વન્યજીવન વચ્ચેના અનોખા સમન્વયનું પ્રતીક પણ બની ગઈ છે.