સુરત: સુરત શહેરના અલથાણ ભીમરાડ રોડ પાસેની પાણીની ઓવરહેડ ટાંકી પર વાંદળો ફસાયો હતો. નીચે ઉતરવા માટે ટાંકી ફરતે દોડીને રસ્તો શોધી રહ્યો હતો પરંતુ કોઇ ભાળ નહીં મળતા આખરે ફાયર વિભાગે સીડી મારફતે રેસ્કયુ કરીને સહીસલામત વાંદરાને નીચે ઉતાર્યો હતો.
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણ-ભીમરાડ રોડ પરના તિરૂપતિ સર્કલ પાસેની ઓવરહેડ પાણીની આશરે 60 ફુટ ઉંચી ટાંકી પર વાંદળો ફસાઈ ગયો હતો. આ બનાવની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ટર્ન ટેબલ લેડર લઇને ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓ સીડીની મદદે ટાંકી પર ચડ્યા હતા પરંતુ વાંદળો દુર દુર ભાગીને ડર ને કારણે ટાંકી ફરતે દોડવા લાગ્યો હતો. આખરે સીડીના ઉપરના બોક્સ પર કેળા મુકીને ફાયરકર્મીએ વાંદરાને નીચે ઉતાર્યો હતો. મળતી માહિતી મુજબ ફાયર વિભાગની અડધો કલાકની ભારે જહેમત બાદ વાંદળો સીડી મારફતે નીચે ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાંદળાનું રેસ્કયુ કરવામાં ફાયર વિભાગની ટીમને આખરે સફળતા મળી હતી.