બેંગલુરુની સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેદીઓ જેલની અંદર દારૂ પાર્ટી કરતા અને નાચતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પહેલા પણ આ જ જેલનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ISIS આતંકવાદી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ નવા વીડિયોમાં બેંગલુરુ સેન્ટ્રલ જેલના કેદીઓ મોજમજા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેદીઓ ડિસ્પોઝેબલ ગ્લાસમાં દારૂ પી રહ્યા છે. ફળ અને તળેલી મગફળી ખાઈ રહ્યા છે. તેમજ સાથે સંગીત વગાડી નાચી રહ્યા છે. કેટલીક કેદીઓ વાસણો વગાડીને વાતાવરણ બનાવી રહ્યા છે અને અન્ય કેદીઓ તેમના સૂર પર નાચતા જોવા મળે છે.
વીડિયો જોઈને એવું લાગે છે કે કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા નથી પરંતુ પિકનિક માણી રહ્યા છે. વીડિયોમાં ઘણા કેદીઓ અખબાર વાંચતા અને આધુનિક મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જેલની અંદર આટલી મોટી માત્રામાં દારૂ અને મોબાઇલ ફોન કેવી રીતે પહોંચી શકે?
જેલ પ્રશાસન પર સવાલો
આ વીડિયો સામે આવ્યા બાદ જેલ વિભાગમાં હલચલ મચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વીડિયો સત્ય હોવાનું જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા પણ વીડિયો સામે આવ્યો હતો
ગત અઠવાડિયે પણ આ જ જેલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ખતરનાક ISIS આતંકવાદી જેલની અંદર આરામથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. આ બંને વીડિયોથી સ્પષ્ટ થાય છે કે જેલની અંદર સુરક્ષા અને નિયંત્રણ વ્યવસ્થા પર ગંભીર ખામી છે.
બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં કેદીઓની આ દારૂ પાર્ટી અને અગાઉના આતંકવાદી વીડિયોએ જેલ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. હવે જોવું એ રહેશે કે તપાસ પછી જેલ વિભાગ આ મામલે શું પગલાં લે છે.