ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સુરતમાં ઠેરઠેર દારૂ વેચાય અને હવે તો જાહેરમાં પીવાય પણ છે. થર્ટી ફર્સ્ટની રાતે પોલીસ દારૂડિયાને પકડવા ઠેરઠેર નીકળી પડી હતી પરંતુ બુટેલગરોના અડ્ડા પર જાહેરમાં દારૂ વેચાતો અને પીવાતો હોવાનું પોલીસને નજરે પડતું નથી. લાલગેટ પોલીસ મથકની હદમાં એક બુટલેગરના દારૂના અડ્ડા પર જાહેરમાં દારૂ પીવાતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ પાલિયા ગ્રાઉન્ડમાં ઈંગ્લિશ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. આ અડ્ડા પર ઈંગ્લિશ દારૂનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે. એટલું જ નહીં દારૂ પીવા આવનાર લોકોને પાલિયા ગ્રાઉન્ડ પર જ ખાટલા પાથરીને પીવા બેસવાની સગવડ પણ કરી આપી છે.
દારૂડિયાઓ અહીં બેસીને બિન્ધાસ્ત જાહેરમાં નશો કરતા હોય છે. દારૂડિયાઓ ખાટલે બેસી દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ હવે આ બૂટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.