SURAT

”ગબ્બર”ને પોલીસે ધક્કો માર્યો, ગણેશ મંડપમાં અલ્પેશ કથીરિયાની બબાલનો વીડિયો વાયરલ થયો

ગણેશોત્સવ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ ગણેશ મંડપમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની આયોજકો અને પોલીસ સાથે થયેલી બબાલની આગ હજુ શાંત થઈ નથી. મંડપમાં આયોજકો સાથે રકઝક બાદ પોલીસે ધક્કા મારી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને બહાર કાઢ્યા તેનો વીડિયો પાંચ દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હાલમાં જ અલ્પેશ કથીરિયા અને તેના સમર્થકો સાથે પોલીસ વચ્ચે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાનાં સમર્થકોને રીતસરનો મેથી પાક આપતો હોવાનું જણાઈ આવે છે જયારે પોલીસની સામે ઉંચા અવાજે વાત કરનારાઓને પણ પોલીસ દ્વારા જીપમાં બેસાડીને ઉતરાણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ આ ઘટના બાદ વરાછા સહિતનાં પાટીદાર વિસ્તારોમાં સમગ્ર ઘટના અંગે ગણગણાટ શરૂ થયો હતો. જો કે, પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા તાત્કાલિક બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હોવાને કારણે કોઈપણ પ્રકારની ફરિયાદ ન થઈ હોવાની વાત પણ શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામી છે.

શું છે મામલો?
વરાછાના સુદામા ગ્રુપ દ્વારા સુદામા કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. દરમિયાન ગઈ તા. 4 સપ્ટેમ્બરના રોજ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ અપાયું હતું. અહીં તેમનું સન્માન પણ કરાયું હતું.

બીજા દિવસે તા. 5 સપ્ટેમ્બરના રોજ સુદામા ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના 60થી વધુ આગેવાનોને બોલાવાયા હતા. તેમાં અલ્પેશ કથીરિયા પણ હાજર હતા. આ દિવસે અન્ય પાટીદાર આગેવાનોને સ્ટેજ પર બોલાવી સન્માન કરાયું હતું પરંતુ અલ્પેશ કથીરિયાને બોલાવાયા નહોતા. આ વાતથી અલ્પેશ કથીરિયા ગુસ્સે ભરાયા હતા અને આયોજકોને પૂછ્યું હતું કે મને કેમ મંચ પર બોલાવાયો નથી. આ મામલે આયોજકો અને અલ્પેશ કથીરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. ભારે ઘર્ષણ સ્થિતિ સર્જાઈ હતી. તેથી પોલીસ દોડી ગઈ હતી. પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

દરમિયાન અલ્પેશ કથીરિયા અને પોલીસ વચ્ચે પણ રકઝક થઈ હતી. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસવાળો અલ્પેશને ધક્કો મારે છે. મોંઢા પર આંગળી મુકી કહે છે અવાજ નીચે રાખ. સામે અલ્પેશ જવાબ આપે છે.

ત્યાર બાદ મામલો શાંત પડતા પોલીસકર્મી કહે છે, લઈ જાવ ગાડીઓમાં એકેય જાય નહીં. એક પોલીસ કર્મી અલ્પેશને પાછળથી પકડી લે છે. એક પોલીસકર્મી તેનો કોલર પણ પકડે છે. મામલો ખૂબ ગરમાય જાય છે. જોકે, બાદમાં આગેવાનોએ મધ્યસ્થી કરતા મામલો શાંત પડે છે. આ ઘટનાનો વીડિયો હવે કેમ વાયરલ થઈ રહ્યો છે તેની ચર્ચા ઉઠી છે.

અલ્પેશે કહ્યું, સમાધાન થઈ ગયું છે
આ મામલે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે જે કંઈ બન્યું તે મામલે સમાધાન થઈ ચૂક્યું છે. મારે આ મુદ્દે હવે કશું જ કહેવું નથી. વીડિયો કેમ વાયરલ થયો તેની મને જાણ નથી. વાયરલ કરનારાઓને પૂછો.

પોલીસે શું કહ્યું?
ડીસીપી એલ.એ. ઝાલાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ આપવામાં આવી નથી. તેથી સમાધાન થયું કે નહીં તે મામલે પોતે અજાણ છે.

Most Popular

To Top