Dakshin Gujarat

VIDEO: લૂંટારાએ માથે બંદૂક મુકતા જ પેટ્રોલપંપનો કર્મચારી ધ્રુજવા લાગ્યો, ભરૂચમાં દિલધડક લૂંટ

ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લાના વાગરા સ્થિત ચાંચવેલ પેટ્રોલપંપ (Petrol Pump) ઉપર મોડીરાત્રે બુકાનીધારી લુંટારૂઓએ (Robbery) લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદુક (Revolver) સાથે પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા બે લુંટારૂઓએ બંદુક બતાવી કર્મચારીને ઓફીસમાં લઇ ગયા હતા. જ્યાં તેને માર મારી ભયભીત કરીને ઓફીસમાં મુકાયેલી કેશની માંગણી કરતા દિલધડક રીતે રૂ.૩૦ હજારની લુંટ કરી ભાગી છુટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કર્મચારીઓ દ્વારા પંપના સંચાલકને કરવામાં આવતા પોલીસ સાથે દોડી આવ્યા હતા. આખી ઘટનાને સીસીટીવી ફૂટેજ કબજે કરીને પોલીસે લુંટારૂઓની શોધખોળ આદરી છે.

  • બે લૂંટારા મોટરસાયકલ પર આવ્યા હતા
  • બંને લૂંટારા હિન્દીભાષી હતા
  • પેટ્રોલ પંપની ઓફિસમાંથી 30 હજાર લૂંટી ગયા
  • કર્મચારીને ઓફિસમાં જ પૂરી દઈ ભાગી ગયા
  • સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

વાગરા તાલુકા સ્થિત ચાંચવેલ ગામે પેટ્રોલ પંપ ઉપર રાતના સુમારે એકાદ-બે કર્મચારીઓ જ રહેતા હોય છે. લુંટારૂ ટોળકી વાહનોની ભીડ ન હોય એ માટે રેકી કરી હતી. મધરાત્રે મોટરસાઈકલ સવારે બે બુકાનીધારી લુંટારૂ આવતા પેટ્રોલ પંપ પર પહોચી ગયા. પંપ પર એકજ કર્મચારી હોવાનું કન્ફર્મ થતા મોટર સાઈકલ સવાર બંને શખ્સોએ કર્મચારીને બાથમાં લઇ લીધો હતો. પંપના કર્મચારીને મારામારી કરી લમણે બંદુક મૂકી પંપની ઓફીસમાં લઇ ગયા હતા. ગભરાઈ ગયેલો કર્મચારી ધ્રુજવા માંડ્યો હતો. લુંટારૂઓ હિન્દી ભાષામાં જેટલા પૈસા હોય એ આપી દેવાની ધમકી આપી હતી. આખરે કર્મચારીએ ઓફીસના ટેબલ ખાનું ખોલી અંદાજે રૂ.૩૦ હજાર જેટલી રકમ લુંટારૂને સોંપી દીધી હતી.

બંને લુંટારૂએ પંપના કર્મચારીને ઓફીસમાં જ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરથી કર્મચારી ઓફિસમાં બેસી ગયો હતો. આખી ઘટનાની જાણ પંપના સંચાલકને જાણ કરતા મોડીરાત્રે વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. લુંટની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજના આધારે લુંટારૂઓની શોધખોળ આદરી છે. લુંટારૂઓ હિન્દીભાષી હોવાથી ગુજરાત બહારના હોય એમ અનુમાન છે. પોલીસે તમામ પાસાઓની માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે.બનાવ બાબતે વાગરા પોલીસે લુંટનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top