નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ-2024 (T20 World Cup-2024) જીતનાર ટીમ ઈન્ડિયાનું (Team India) ગઇકાલે ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાએ ઓપન બસમાં મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) સુધીની મુસાફરી કરી હતી. આ વિજય પરેડનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેથી તેમના સ્ટાર્સને જોવા માટે મુંબઈના રસ્તાઓ પર હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
વિક્ટ્રી પરેડ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર્સની એક ઝલક મેળવવી સરળ ન હતી. રસ્તા પર ઘણી ભીડ હતી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડબલ ડેકર બસમાં હતા. એટલે કે જાહેર રસ્તાથી ખુબજ ઉંચાઇ વર્લ્ડકપ વિજેતાઓ સવાર હતા. ત્યારે ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સને નજીકથી જોવા માંગતા હતા અને આ માટે કેટલાક ચાહકોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. ક્રિકેટ રસિયાઓ પોતાના ફેવરિટ સ્ટારને જોવા માટે ઝાડ પર ચઢી ગયા હતા. તેમજ આવા કિડિયારા જેવી ભીડમાં 10 લોકો બિમાર પણ પડ્યા હતા અને તેમને હોસ્પિટલ જવું પડ્યું હતું.
વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમને જોવા માટે એકઠા થયેલા લાખો ક્રિકેટ ચાહકોની ભીડને કારણે ઘણા ક્રિકેત રસિયાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 10 લોકોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં (જીટી હોસ્પિટલ) લઈ જવામાં આવ્યા હતા. જે પૈકી આઠ લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપવામાં આવી હતી, જ્યારે બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના એક તબીબે જણાવ્યું હતું કે જે બે લોકોને દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી એકને ફ્રેક્ચર છે અને બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
ક્રિકેટ રસિયાઓ ઝાડ ઉપર ચઢ્યા
ટીમ ઈન્ડિયા જ્યારે નરીમન પોઈન્ટથી નીકળ્યા બાદ જ્યારે થોડા અંતરે પહોંચી ત્યારે એક ચાહક ઝાડની ડાળી પર ચડીને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સના ફોટા ખૂબ નજીકથી લઈ રહ્યો હતો. વિરાટ કોહલી પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે આ ચાહક એકલો ન હતો કે જે આમ ઝાડ ઉપર ચઢ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને જોવા માટે ઘણા લોકો ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો અહીં સહેજ પણ ભૂલ થઈ હોત તો આ ચાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત. જો આ ફેન્સ ઝાડ પરથી પડી ગયા હોત તો ત્યાં હાજર હજારો લોકોના પગ નીચે આવીને તેમના મોત થવાની સંભાવના હતી. પરંતુ સદભાગ્યે આવું કંઈ થયું ન હતું.
બાર્બાડોસની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને રોહિત બ્રિગેડે ત્રિરંગો લહેરાવ્યો હતો. જ્યારે ભારતીય ટીમ દેશમાં પરત આવી ત્યારે આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે દરેક વ્યક્તિ, પછી ભલે તે યુવાન હોય કે વૃદ્ધ હાથમાં ત્રિરંગો લઈને ‘ભારત’ના ચેમ્પિયનની ઝલક મેળવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તારીખ 29 જૂન 2024ના દિવસે ટીમ ઈન્ડિયાએ માત્ર એક મેચ, ટૂર્નામેન્ટ કે ટ્રોફી જ જીતી નહીં, પરંતુ કરોડો ભારતીયોની 11 વર્ષની લાંબી રાહનો પણ અંત કર્યો હતો.