ગાંધીનગર : ભારતે વિકાશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં સ્થાન મેળવવા માટે વૈશ્વિક કક્ષાની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતનો, એક નવા ભારતનો પાયો તૈયાર કરવાની છે. ૨૧મી સદીના ભારતને, આપણાં યુવાનોને જે રીતનું શિક્ષણ આપવું જોઈએ, જે પ્રકારના સંસ્કારની સાથે કૌશલ્ય પૂરાં પાડવા જોઈએ તે બાબતો ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ૧૪૦ કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે તેમ, ગાંધીનગર ખાતે વાઈસ ચાન્સેલર સમિટને સંબોધતા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ઋષિકેશ પટેલેએ વધુમાં કહ્યું હતું કે, યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજો નવી શિક્ષણ નીતિ મુજબ પોતાની ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની નીતિ-અભ્યાસક્રમ નક્કી કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી શકાશે. નવી નીતિમાં માત્ર ઉચ્ય શિક્ષણ નહી પણ પ્રાથમિક શિક્ષણને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ નીતિના અમલમાં પડતી મુશ્કેલીઓ, પડકારો અને સમાધાનો માટે મુદ્દાસર પ્રયાસો કરવા પડશે છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય પાંચ પાયા પર રચાયેલી છે જેમાં એક્સેસ-બધાને તક, ઇક્વિટી-સમાનતા, એકાઉન્ટેબીલિટી-જવાબદેહિતા, એફોર્ડેબીલીટી-બધાને પોસાય તેવું શિક્ષણ તેમજ એકસેલન્સ-ઉત્કૃષ્ટતાનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી પોતાનો ગોલ નક્કી કરે અને વર્ષ દરમિયાન તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. આવતી મીટીંગમાં આવો ત્યારે તમારી યુનિવર્સિટીનો હાલનો GER અને તેને વધારવા માટે તમે આવતા પાંચ વર્ષમાં શું-શું કરવાના છો તેની નક્કર વિગતો- પરફેક્ટ પ્લાનિંગ લઈને આવશો તે રોડમેપ તૈયાર કરો. નવી નીતિમાં તો મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટની વાત છે. નવી નીતિમાં તો મલ્ટીડીસીપ્લીનરી શિક્ષણની વાત છે. નવી નીતિમાં તો ભારતીય જ્ઞાન પરંપરાની વાત છે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, NEP-૨૦૨૦ અમલીકરણ એ વિકસિત ભારતના વિકાસ પથનો પાયો છે. પૂર્ણ વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણમાં આજે વાઈસ ચાન્સેલર સમિત NEP-૨૦૨૦માં યુનિવર્સિટીઓએ કોઈ પણ વિદ્યાર્થીઓને ડીગ્રી આપતું શિક્ષણ નહિ પરંતુ તેના જીવનમાં કારકિર્દી ઘડતું શિક્ષણ આપવું જોઈએ. આજે ગુજરાત સમગ્ર દેશમાં NEP-૨૦૨૦ના અમલીકરણમાં સમગ્ર દેશમાં આગળ વધી રહ્યો છે. જામનગરમાં UNO અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થા સાથે મળીને આપણી આયુર્વેદિક અને એલોપેથી પદ્ધતિ દ્વારા દુનિયાને નવું શું આપી શકીએ તે અંગે શોધ થઇ રહી છે.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફૂલ્લભાઈ પાનશેરિયાના હસ્તે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક ૨૦૨૩-૨૪ હેઠળ ફાઈવ સ્ટાર પ્લસ અને ફાઈવ સ્ટારનું રેટિંગ પ્રાપ્ત ગુજરાતની ટોપ ૧૬ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.