Gujarat

અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું ગૃહ મંત્રી શાહના હસ્તે કરાશે શુભારંભ

ગાંધીનગર: આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી આવતીકાલે તા. ૦૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નું શુભારંભ કરાશે. વર્ષ-૨૦૨૨માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા -GMDC અમદાવાદ, ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’માં અંદાજિત ૧૧.૫૨ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી. જ્યારે વર્ષ-૨૦૨૩માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC, અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજિત ૧૨.૭૧ લાખથી વધુ નાગરિકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી.

વધુમાં આ વર્ષે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’ના ઉદઘાટન સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતી યોજાશે. આ ઉપરાંત તા. ૪ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. GMDC ખાતે રાત્રે ૧૧.૪૫ કલાકે મહાઆરતી યોજાશે. વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે.

વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું
આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. આ પેવેલીયનમાં તા. ૩ થી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાશે. આ સ્ટોલમાં રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના મંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આ પેવેલિયન રાજ્યભરના સ્વયં સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી અનોખી કળા અને હસ્તકલા દર્શાવશે. આ મંચ દ્વારા ગ્રામીણ મહિલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળશે.

Most Popular

To Top