અમદાવાદ: ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2024ની (Vibrant Gujarat 2024) તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. દરમિયાન 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા માટે મંજુરી દર્શાવી છે. જેમાં અંબાણી, અદાણી, ટાટા સહિત ઘણાં ઉધ્યોગપતિઓએ તેમની હાજરી કંન્ફર્મ કરી છે. આ સાથે જ ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના ઔધ્યોગીક વિકાસને નવી દિશા મળશે.
વાઇબ્રન્ટ સમિટ-2024 માટે આજે મોડી સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેમજ ત્યાંથી તેઓ રાજભવન જઇને ત્યાં રાત્રી રોકાણ કરશે. આ સાથે જ વડાપ્રધાન આવતી કાલે એટલેકે 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે 4 દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવશે. જે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાનારા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું 9 જાન્યુઆરીના બપોરે 1:30 થી 3 કલાક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
ટ્રેડ શોમાં કુલ-13 હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ 13 થીમ ઉપર શો કરવાનું નક્કી કરાયું છે. આ ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે યોજાશે. જ્યારે તા.12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
તેમજ આ વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને વેલસ્પન ગ્રૂપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેવા માટે સહેમતિ દર્શાવી છે.
સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે
વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તેની અસરો પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓ આ સમિટની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. તેમજ હવે સરકારી કચેરીઓના સમયગાળાને પણ સમિટની અસર થઇ છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા VVIPની સલામતીને લઈને સરકારે આજે વહેલી સવારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે. આ પરિપત્ર મુજબ એક દિવસ એટલે કે 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.