Charchapatra

વેઠ-વૈતરું

રોડ-રસ્તા, પાણી, મકાન વગેરે જાહેર હિતનાં કામો સરકારી સહાયથી થતાં હોય છે. પૂર્ણ થયેલ કામો નિયત સમયમર્યાદામાં જ જર્જરિત થતાં હોય છે. આ સમયે લોકો કહે,” વેઠ ઉતારી છે.” આમ તો આર્થિક બદલો આપ્યા વિના કરાતી મજૂરી કે કામને વેઠ કહેવામાં આવે છે. સરકારી ગ્રાન્ટમાંથી જે કામો થાય તેમને જરૂરી વેતન આપવામાં આવતું હોય છે. આમ છતાં વગર કામનું વૈતરું અથવા સરકારી કામમાં વેઠ ઉતારી છે. આમ કહેનારાઓ પાસે સંખ્યાબંધ કારણો હોય છે. કેટલીક વાર લોકોના ઘરના બાંધકામ કે અન્ય કોઈ પણ કાર્ય બરાબર ન થયું હોય અથવા કામની અસર લાંબી ન રહે ત્યારે પણ વેઠ સ્પષ્ટ થાય છે. જાહેર હિતનાં કામો જો ટકાઉ અને અસરકારક ન હોય તો ખાલી દેખાવ પૂરતી મહેનતનો કોઈ અર્થ નથી.

સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ, નોકરીમાં જોડાયેલા કેટલાક કહેવાતા કર્મચારીઓ, અધિકારીઓને પોતાને ભાગે આવતી કામગીરી બોજારૂપ લાગતી હોય છે. કામચોરીનો રોગ પ્રસરતો જાય છે. “આ કામ તો મારું નથી, બીજાને મળો.” કહી, ઉપાધિ કોણ લે? એમ માને છે. જ્યારે તમામ ક્ષેત્રમાં સામેલ લોકો કામચોરી કરે ત્યારે માથાકૂટ ઊભી થાય છે. મજૂરવર્ગ જેમાં ઓછું વળતર મળતું હોવા છતાં તનતોડ મહેનત કરે છે. જેમાં વધારેનું વળતર ન હોય તેવી મહેનતમાં માનનારા પત્રમ-પુષ્પમની આશા રાખીને વ્યવહાર કરે તે અયોગ્ય કહેવાય. નિષ્ઠાથી કોઈએ કામ કરવું નથી એટલે કાર્ય તેમને ભાર, પીડા અને ઉપાધિ લાગે છે.

વેઠ-ફરજીયાત વૈતરું લાગે ત્યારે કામ બોજારૂપ બને છે. આવી પરિસ્થિતિમાં કામચોરી કરનાર છટકી જાય અથવા એકબીજાને ખો આપે છે. આપણે સૌએ દરેક કાર્યને ન્યાય આપવો હોય તો કાર્ય પ્રત્યે પ્રેમ રાખીએ, કાર્યનો આનંદ લઈએ. આમ થશે તો કાર્ય વેઠ નહીં પણ મનગમતું કાર્ય બનશે. કાર્યની સફળતાનો સંતોષ મેળવીએ. કામચોરી અટકાવી દેશસેવામાં પોતાનું યોગદાન આપીએ.
નવસારી  – કિશોર આર. ટંડેલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top