નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) રવિવારે ટી-20 સિરિઝની (T20) પાંચમી અને છેલ્લી મેચ હારી ગઈ. આ સાથે જ ભારતે સિરિઝ પણ ગુમાવી છે. જે ટીમ વન ડે વર્લ્ડકપમાં (ODI WorldCup) ક્વોલિફાઈ કરી નથી શકી તેવી નબળી ટીમ સામે ભારત સિરિઝ હારી જતા પૂર્વ ક્રિકેટરો નારાજ થયા છે. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે (Venkatesh Prasad) પોતાની નારાજગી ટ્વીટર પર વ્યક્ત કરી છે.
વેંકટેશ પ્રસાદે કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ટી-20 સિરિઝની છેલ્લી મેચમાં ભારત 8 વિકેટથી હારી ગયું છે. ભારતે પહેલી બેટિંગ કરી 166 રનનો ટાર્ગેટ વેસ્ટ ઈન્ડિઝને આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 12 બોલ બાકી રાખી 8 વિકેટથી ખૂબ જ સરળતાથી આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ 2-3થી ટી-30 સિરિઝ પણ જીતી લીધી હતી.
સિરિઝ હારી જતા ભારતીય ટીમ અને હેડ કોચ રાહુલ દ્રવિડની રણનીતિ પર પ્રશ્નો ઉભા થયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ઉપરાછાપરી બે ત્રણ ટ્વીટ (Tweet) કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદ ટ્વીટમાં લખ્યું કે જે રીતે કેપ્ટન અને કોચે પરિસ્થિતિનો સામનો કર્યો તે ખૂબ જ આઘાતજનક હતો. પ્રસાદનું માનવું છે કે, મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટ જીતવા માટે જે ભૂખ અને આગ જોઈએ તે હાલની ટીમના ખેલાડીઓમાં જોવા મળી રહી નથી.
વેંકટેશ પ્રસાદે ટ્વીટર પર લખ્યું કે, માત્ર 50 ઓવરના વન-ડે વર્લ્ડકપ જ નહીં પાછલા ઓક્ટોબર નવેમ્બરમાં ટી-20 વિશ્વ કપ યોજાયો હતો તેમાં પણ વેસ્ટઈન્ડિઝની ટીમ ક્વોલિફાઈ કરી શકી નહોતી. ભારતીય ટીમનું નબળું પ્રદર્શન દુ:ખી કરનારું છે. પ્રોસેસની આડમાં નિષ્ફળતાને છુપાવવામાં આવી રહી છે. જીતની ભૂખ અને આગ ગાયબ છે. ચાહકોને ભ્રમમાં રાખવામાં આવી રહ્યાં છે.
વધુમાં પ્રસાદે કહ્યું કે, તેઓ (દ્રવિડ અને હાર્દિક) પરાજય માટે જવાબદાર છે. તેઓએ ખુલાસો આપવો જોઈએ. પ્રોસેસ જેવા શબ્દોનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખેલાડીઓની પસંદગીમાં પણ કોઈ સાતત્યપણું જોવા મળી રહ્યું નથી.
વેંકટેશે વધુમાં કહ્યું કે, ભારતે સ્કીલમાં સુધારો કરવાની જરૂર છે. ભૂખ અને આગની ઉણપ છે. વળી, કેપ્ટન મોટાભાગે પરિસ્થિતિઓથી અજાણ હોવાનું પ્રતિત થાય છે. બોલર બેટિંગ નહીં કરી શકે અને બેટ્સમેન બોલિંગ નહીં કરી શકે. એ મહત્વનું છે કે જીહજુરી કરનારાઓની શોધમાં ન રહેવું જોઈએ. પસંદગીના ખેલાડીને રમાડવા માટે આંખ પર પટ્ટી બાંધી લેવી ન જોઈએ.